નવી દિલ્હી,
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે હવે આ ચૂંટણીને લઈ દેશની રાજકીય પાર્ટીઓ વચ્ચે લોકસભાની સીટોની વહેચણીને લઇ ખેંચતાણ જોવા મળી રહી છે. આ વચ્ચે બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વચ્ચે પ્રદેશની ૮૦ સીટો અંગે સહમતી બની હોય એવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાજધાની દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે મુલાકાત થઇ હતી.

આ મુલાકાત અંદાજે ૧ કલાક સુધી ચાલી હતી, જેમાં યુપીની ૮૦ લોકસભા સીટો અંગે સહમતી સધાઈ છે અને આ સીટોને લઈ એક ફોર્મુલા તૈયાર કરાયો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી ૩૫ અને બહુજન સમાજવાદી પાર્ટી ૩૬ સીટો પર ચૂંટણી લડશે.
જયારે ૩ સીટો અજિત સિંહની પાર્ટી રાષ્ટ્રીય લોકદળને આપવા તેમજ ૪ સીટો રિઝર્વ રાખવામાં આવી છે. બીજી બાજુ અમેઠી અને રાયબરેલીની લોકસભા સીટ પર આ ગઠબંધન દ્વારા કોઈ ઉમેદવારને ન ઉતારવાનો નિર્ણય કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાયબરેલી એ UPAના ચેરપર્સન સોનિયા ગાંધી અને અમેઠીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની પરંપરાગત લોકસભા સીટ અને હાલમાં તેઓ આ બેઠક પરથી સાંસદ છે.
