Rajkot News/ વોકહાર્ટ હોસ્પિટલ વિવાદ! OT માં રીલ બનાવનાર ડોક્ટર સામે લોકોનો રોષ; જાણો શું છે સમગ્ર મામલો

રાજકોટની Wockhardt Hospitalના ન્યૂરોસર્જન ડો. જિગરસિંહ જાડેજાએ ઓપરેશન થિયેટરમાં રીલ બનાવતા વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા અને હોસ્પિટલ તંત્રે મૌન ધારણ કર્યું છે.

Top Stories Gujarat Rajkot
Wockhardt Hospital

Rajkot Wockhardt Hospital Doctor Reel Controversy: સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યૂઝ મેળવવાની લ્હાયમાં હવે માનવતા અને વ્યાવસાયિક નૈતિકતા નેવે મુકાઈ રહી હોય તેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. શહેરની નામાંકિત વોકહાર્ટ હોસ્પિટલ સાથે જોડાયેલા ન્યૂરોસર્જન ડો. જિગરસિંહ જાડેજાએ ઓપરેશન થિયેટર (OT) ની અંદર એક કોમેડી રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી, જેને લઈને હવે મોટો વિવાદ છેડાયો છે.

Wockhardt Hospital

Wockhardt Hospital : શું હતું રીલમાં?

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ રીલમાં ડોક્ટર રમૂજ કરતા કહે છે કે, “લોકોમાં જરાય સિવિક સેન્સ નથી, કોઈ બંદો ઓપરેશન થિયેટરમાં રીલ બનાવી રહ્યો છે અને પાછળથી આવીને ઓપરેશન શરૂ કરી દે છે.” વીડિયોમાં પાછળ અન્ય સ્ટાફ મેમ્બર્સ પણ હસતા જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Wockhardt Hospital

કોંગ્રેસે ઉઠાવ્યા ગંભીર સવાલો

સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે આ વીડિયો જાહેર કરતા સવાલ ઉઠાવ્યો છે કે, “જ્યારે દર્દી બેભાન હોય અને ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોય, ત્યારે શું ઓપરેશન થિયેટર હવે સોશિયલ મીડિયા કન્ટેન્ટ બનાવવાનું સ્થળ બની ગયું છે?” કોંગ્રેસે આને વ્યાવસાયિક જવાબદારીની ગંભીર બેદરકારી ગણાવી છે.

વિવાદ વધતા જ વિડીયો ડિલીટ, હોસ્પિટલનું મૌન

સોશિયલ મીડિયા પર લોકોનો રોષ અને વિવાદ વકરે તે પહેલા જ ડો. જિગરસિંહ જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પરથી આ રીલ ડિલીટ કરી નાખી હતી. આ સમગ્ર મામલે જ્યારે વોકહાર્ટ હોસ્પિટલના PRO નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે મેનેજમેન્ટ વતી કંઈપણ કહેવાનો ઈનકાર કરી મૌન સેવી લીધું હતું.

શું કહે છે આરોગ્ય અધિકારી?

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ બાબતે જણાવ્યું કે, “વીડિયોમાં દર્દી કે ઓપરેશન કરનારની ઓળખ જાહેર થતી નથી અને દર્દી એનેસ્થેસિયાના ડોઝ હેઠળ છે, પરંતુ એક ડોક્ટર તરીકે નૈતિકતાની દ્રષ્ટિએ ઓપરેશન થિયેટરમાં આવી રીલ બનાવવી જોઈએ નહીં.”


આ પણ વાંચો : ધોળકાની જતન ચિલ્ડ્રન હોસ્પિટલ બાળકના મોત મામલે વિવાદમાં

આ પણ વાંચો : અમદાવાદની અસારવા આંખની હોસ્પિટલમાં કર્મચારીઓના શોષણનો વિવાદ

આ પણ વાંચો : સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં, બાળકને મૃત જાહેર કર્યાનો આક્ષેપ