પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતના હરનાઈ જિલ્લામાં કામદારોના કેમ્પ પર અજાણ્યા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ કામદારોના મોત થયા હતા અને અન્ય ચાર ઘાયલ થયા હતા. ત્રણ દિવસ પહેલા ક્યુટાના હન્ના ઉરાક વિસ્તારમાં સશસ્ત્ર માણસોએ ખાનગી કોલસા કંપનીના બે એન્જિનિયર સહિત ચાર કર્મચારીઓનું અપહરણ કર્યું હતું. હુમલાખોરોએ કોલસાની ખાણ પર હુમલો કર્યો હતો, જ્યાં મોટાભાગના કામદારો પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હતા. પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ અને સિબી ડિવિઝનના કમિશનરે જણાવ્યું હતું કે સશસ્ત્ર માણસોએ કામદારો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
હુમલાખોરોએ કેમ્પમાં આગ લગાડી અનેક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. મજૂરો સરકારી બાંધકામ પ્રોજેક્ટમાં કામ કરતા હતા. આ ઘટનાની અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી.
