સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ જબરદસ્ત નિરીક્ષણ કર્યુ છે અને જણાવ્યું છે કે દેશમાં એક સરકાર હોય ત્યારે નેતાઓ સામે સંખ્યાબંધ કેસ થઈ જાય અને સરકાર બદલાય ત્યારે આ બધું જ એવું ગાયબ થઈ જાય કે તે ક્યારેય બન્યું જ ન હતું….આખા દેશમાં આ પ્રકારની ઘટનાઓ અપવાદરૂપ હોવી જોઈએ તેના બદલે એક બીમારીની જેમ ફેલાઈ રહી છે….આ તો રીતસર જાણે ન્યાયને મજાક બનાવી દેવાયો હોય તેમ લાગે છે….
સુપ્રીમ કોર્ટે આ વાત તમિલનાડુમાં સરકાર બદલાયા પછી કેટલાક રાજકારણીઓ પર કેસ ચલાવવાની મંજૂરી જ પરત લેવાની અરજી પર સુનાવણી કરતી વખતે કરી હતી…. કોર્ટે રાજકારણીઓ અને મહત્વના સરકારી અધિકારીઓની સામેના મામલાને ટાંકીને જણાવ્યું હતું કે સંખ્યાબંધ કેસો જાદુઈ રીતે ખતમ થઈ જાય છે અથવા તો નવી સરકાર તેઓને બચાવવા તેમની સામેના કેસો પરત ખેંચવાની મંજૂરી લેવા પ્રયત્ન કરે છે……
ઉલ્લેખનીય છે કે અગાઉની ભારતીય દંડસંહિતા અને નવી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બંને મુજબ ચુકાદો આપવામાં આવે તે પહેલાં કોઈપણ તબક્કે કેસ પરત ખેંચવાની મંજૂરી કે છૂટ આપે છે…. આમ આ પ્રક્રિયામાં કાયદા મુજબ તો છૂટ મળે છે…. છતાં પણ સુપ્રીમ કોર્ટે તેના માર્ગદર્શક સિદ્ધાંતો નક્કી કર્યા છે…..તમિલનાડુના કેસમાં પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ આ જ મુદ્દો છે, શું આ રીતે કેસ ચલાવવાની મંજૂરી પરત ખેંચવી તે કાયદાકીય રીતે શક્ય છે?……
આ નેતાઓ સામેના અરજદાર ચેન્નઈ સ્થિત વકીલ કરુપ્પૈયા ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે વર્તમાન રાજ્યમંત્રીઓ સામેનો કેસ તમિલનાડુની બહાર ચલાવવામાં આવે, જેથી રાજ્ય સરકાર તેમાં કોઈ દરમિયાનગીરી ન કરી શકે…. તેમા અરજીમાં ડીએમકેના 18 નેતાઓના નામ છે….તેમાના મોટાભાગના કેસ ભ્રષ્ટાચાર અને આવક કરતાં વધુ સંપત્તિના છે, જે અન્નાદ્રુમુક સત્તા પર હતી તે દરમિયાન નોંધવામાં આવ્યા હતા…..
છેલ્લી સુનાવણીમાં ગાંધીના વકીલ સીનિયર એડવોકેટ એસ નાયડુએ દલીલ કરી હતી કે તપાસ પાટા પરથી ઉતરી ગઈ છે…. નિર્દોષતાના દાવાઓ સામેલ કરવા માટે આરોપપત્રો ફરીથી લખવામાં આવ્યા છે…. તેની સાથે વાદી તરફથી પહેલેથી આપવામાં આવેલી મંજૂરી પરત ખેંચવામાં આવી છે…. તેમની દલીલ હતી કે ન્યાયશાસ્ત્ર મુજબ આ રીતે વાદી દ્વારા જ મંજૂરી લેવામાં આવવી અસામાન્ય ઘટના છે…. બસ આના પર જ વાત સુપ્રીમ કોર્ટમાં ગઈ છે….
તમિલનાડુ સરકારે જણાવ્યું હતું કે તપાસ વિધિવત પૂરી થઈ ગઈ છે અને તેને તાર્કિક પરિણામ સુધી પહોંચાડવામાં આવી છે….ન્યાયાધીશ સૂર્યકાંત, યુ ભુઈયા અને જસ્ટિસ એનકે સિંહની બેન્ચે રાજ્યને તે ચાર કેસની વિગત આપવા જણાવ્યું જેમા 2021માં સરકાર બદલાયા પછી ભ્રષ્ટાચારના કેસમાં વાદીએ ફરિયાદ પરત ખેંચી હતી…. આ વર્ષે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં આવા કેસ સામે આવ્યા છે….જૂનમાં મહારાષ્ટ્ર સરકારે રાજકીય અને સામાજિક આંદોલનો સાથે જોડાયેલા મામલામાં 31 માર્ચ 2025 પહેલાં દાખલ કરવામાં આવેલા બધા આરોપપત્ર પરત ખેંચતો પ્રસ્તાવ પસાર કર્યો…. દિલ્હીમાં કાર્યકર્તા શેહલા રશીદ સામેના આરોપ હટાવી લેવામાં આવ્યા….શેહલા પર 2019માં લશ્કરે અત્યાચાર કરવાનો આક્ષેપ કરતી ટ્વીટ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો….
આ જ રીતે ગુજરાતમાં 2015માં પાટીદાર આંદોલનનો ચહેરો રહેલા હાર્દિક પટેલને આ જ રીતે રાહત આપવામાં આવી….હાર્દિક પર રમખાણો કરાવવાનો અને રાજદ્રોહનો આક્ષેપ હતો, પરંતુ ભાજપમાં ભળ્યા પછી તેની સામેના બધા આરોપો પરત ખેંચાયા હતા….
કેરળમાં એલડીએફ સરકારે 2015માં બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ઘુસીને અધ્યક્ષની ખુરશી પાડી દેવા બદલ અને સરકારી સંપત્તિને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ બે આરોપી મંત્રીઓ સામેનો કેસ પરત ખેંચવા માંગ કરી હતી…. સુપ્રીમ કોર્ટે આ પગલું ફગાવી દીધું હતું….
આ જ રીતે કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વવાળી સરકારે રાજકારણીઓ સામેના 61 કેસ પરત ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો….આમાનો એક કેસ તો યેદિયુરપ્પા સામે જ નોંધાયેલો હતો. આ ઉપરાંત ભાજપના નેતા સી ટી રવિ અને જેસી મધુસ્વામી સામે રમખાણો ભડકાવવાનો અને ગેરકાયદેસર રીતે સભા કરવાનો આરોપ હતો….2019થી 2023ની વચ્ચે કર્ણાટકની ભાજપ સરકારે 385 કેસમાં આ પ્રકારે કેસ રદ કરવા માટે સાત જુદાં-જુદાં આદેશ જારી કર્યા હતા….તેમા 182 કેસ નફરત ભરેલા ભાષણ, ગોરક્ષકો દ્વારા હિંસા અને સાંપ્રદાયિક હિંસા સાથે જોડાયેલા હતા. તેનો ફાયદો સીધા એક હજાર આરોપીઓને થયો હતો….તેમા ભાજપના વર્તમાન સાંસદ અને વિધાનસભ્ય પણ છે. આવું થાય પછી તો ગુનાખોરીને સીધી છૂટ જ મળેને….
ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે 2017માં સત્તા પર આવ્યા પછી 2013માં મુઝફ્ફરનગર રમખાણ સાથે જોડાયેલા 131 કેસ પરત ખેંચ્યા હતા….આ રમખાણમાં કમસેકમ 60 લોકો માર્યા ગયા હતા અને 50 હજાર વિસ્થાપિત થયા હતા…. સરકારે ભાજપના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ સ્વામી સામે રેપનો કેસ પણ પરત ખેંચવા માંગ કરી હતી….તેના પહેલાની સપા સરકારે 2007માં થયેલા બોમ્બ વિસ્ફોટની સાથે જોડાયેલા 19 આરોપીઓ સામે આતંકવાદ સામેનો કેસ પરત ખેંચવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ અલ્હાબાદ હાઇકોર્ટે તેમ થવા દીધું ન હતું….
મહારાષ્ટ્ર સરકારે પણ જૂનમાં ખેડૂત આંદોલનને લઈને મરાઠા અનામત સુધી રાજકીય અને સામાજિક મામલાઓ સાથે જોડાયેલા આંદોલમાં 31 માર્ચ 2025 સુધી દાખલ બધી જ ચાર્જશીટ પરત કરવાનો પ્રસ્તાવ જારી કર્યો હતો…. આમ અહીં તો આવા ગણ્યાગાંઠ્યા ઉદાહરણ આપવામાં આવ્યા, પણ વાસ્તવમાં એવા સંખ્યાબંધ કેસો છે જેમા સરકાર બદલતા કેસો પણ તે રીતે બદલાઈ જાય છે….
આ આખા બનાવના કાયદાકીય પાસામાં જોઈએ તો દંડપ્રક્રિયાની ધારા 257 અને 321 તથા બીએનએસએસની જોગવાઈ 280 અને 360 તે પરિસ્થિતિઓ દર્શાવે છે જેના હેઠળ કોઈ મામલાને પરત ખેંચી શકાય છે….તેમા કલમ 321 અને 360 વધુ પ્રાસંગિક છે, કેમકે તે સરકારી વકીલ દ્વારા રાજ્ય દ્વારા કેસ પરત ખેંચવાના સંદર્ભની જોગવાઈ છે….
આ બધામાં અપવાદરૂપ બનેલો કેસ હોય તો તે 1986નો કેસ છે….તેમા ચીફ જસ્ટિસ પીએન ભગવતીની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે બિહારના સીએમ જગન્નાથ મિશ્રા દ્વારા પટણા શહેરી બેન્ક કૌભાંડના પોતાની સામે ભ્રષ્ટાચારના કેસને પરત ખેંચવાના પ્રયત્નને ફગાવી દીધો હતો…. તેમા યોગ્ય કાર્યવાહી વગર લોન આપવાથી લઈને ઉચાપતનો સમાવેશ થતો હતો….તે સમયે સુપ્રીમે જણાવ્યું હતું કે આ રીતે આરોપીને બચાવવા માટે કેસ પરત ન ખેંચી શકાય, કોર્ટોએ હંમેશા આ પ્રકારના કેસોમાં તેની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. કેસ પરત ખેંચવાઈની જોગવાઈનો ઉપયોગ શક્તિશાળીઓને રક્ષણ આપવા ન થવો જોઈએ….
સામાન્ય નાગરિક માટે જોઈએ તો સ્થિતિ ઘણી ગંભીર છે, કારણ કે એક જ શાસનમાં શરૂ થતો ભ્રષ્ટાચારનો કેસ આગામી શાસનમાં રાજકારણથી પ્રેરિત મામલો બની જાય છે….તેનું પરિણામ એ આવે છે કે આખો કેસ જાણે ન્યાયની વિભાવનાવાળો ઓછો પણ બદલાની ભાવનાવાળો વધુ લાગે છે….તેનો આધાર તેના પર છે કે સત્તા કોની પાસે છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
