ગુજરાત હાઇકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં હાઇકોર્ટના વકીલોની હડતાળ પાંચ દિવસમા સમેટાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ તરફથી સંદીપ ભટ્ટની બદલીને લઈને વિચારવાની હૈયાધારણા મળ્યા પછી અને ન્યાયના હિતમાં પણ આ હડતાળ લાંબા સમય સુધી ચાલુ રાખવાનો કોઈ અર્થ ન હોઈ વકીલોએ આ હડતાળ સમેટવાનો નિર્ણય લીધો છે. હાઇકોર્ટના વકીલોએ હડતાળ સમેટતા પક્ષકારોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ કોર્ટની કાર્યવાહી હવે રાબેતા મુજબ શરૂ થઈ જશે.
કેસોની ગુમ થતી ફાઇલો અંગે આકરા પગલાં ઉઠાવનાર અને ગુજરાત હાઇકોર્ટ રજિસ્ટ્રીના દરેક ખૂણામાં સીસીટીવી લગાવવાનો આદેશ કરનારા જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટના વકીલોએ મંગળવારથી હડતાળનું શસ્ત્ર ઉગામતા હાઇકોર્ટની કાર્યવાહી થંભી ગઈ હતી. વકીલોની સમિતિએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈ અને સૂર્યકાંતને મળીને આ અંગે રજૂઆત કરી હતી. આ અંગે કોલેજિયમના નિર્ણયની પણ રાહ જોવાઈ રહી છે. આગામી સમયમાં જો આ અંગે નિર્ણય ન લેવાયો તો એડવોકેટ એસોસિયેશન આ દિશામાં નવી રણનીતિ સાથે આગળ વધશે.
સંદીપ ભટ્ટની બદલી કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવાનો હાઇકોર્ટ વકીલ મંડળનો દાવો છે. તેના કારણે હાઇકોર્ટમાં ચાલતા પાંચથી સાત હજાર કેસનું કામકાજ ઠપ થઈ ગયું હતું. ગુજરાત હાઇકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં બાર એસોસિયેશન મેદાનમાં ઉતર્યુ હતું. આ વાત અહીંથી જ અટકતી ન હતી, તેને રાજ્યમાંથી સુરત અને રાજકોટના બાર એસોસિયેશનનો પણ ટેકો મળ્યો હતો.
વકીલોનો દાવો છે કે હાઈકોર્ટના રજિસ્ટ્રાર એ.ટી. ઉકરાણીને છાવરવા માટે સંદીપ ભટ્ટ જેવા નિષ્ઠાવાન જજનો ભોગ લેવાઈ રહ્યો છે. એ.ટી. ઉકરાણી સાત વર્ષથી હાઇકોર્ટમાં રજિસ્ટ્રાર છે. આ પહેલા તેઓ સુરત અને પાટણમાં રજિસ્ટ્રાર રહી ચૂક્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ બંને જગ્યાએ તેઓ રજિસ્ટ્રાર હતા ત્યારે કેસની ફાઇલ ગુમ થયાની બૂમો પડી હતી.
તેમણે લગભગ રાજકીય રીતે સંવેદનશીલ કહી શકાય તેવા મોટા રાજકીય માથાઓના, મોટો કોર્પોરેટ્સના, પ્રતિષ્ઠિત એનજીઓને લગતા 15થી 20 જેટલા કેસની ફાઇલ ગુમ કરી દીધી હોવાનું માનવામાં આવે છે. આના કારણે આ કેસો બંધ કરી દેવા પડ્યા છે અથવા તો લટકી પડ્યા છે. ન્યાયાધીશ સંદીપ ભટ્ટે આ પ્રકારે ફાઇલો ગુમ થવાની બાબતને ગંભીર ગણાવીને આમ કરનારા ઓફિસર સામે એફઆઇઆર દાખલ કરવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેની સાથે પારદર્શકતા સુનિશ્ચિત કરવા હાઇકોર્ટ રજિસ્ટ્રીમાં CCTV ગોઠવવાનો આદેશ પણ આપ્યો હતો. પણ તેમની આ જ નિષ્ઠા તેમની સામે કિન્નાખોરીનું કારણ બની ગઈ છે.
આ આખા ઘટનાક્રમના પગલે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે તેમની તાત્કાલિક મધ્યપ્રદેશમાં બદલી કરાવી છે. આવું કંઈ પહેલી જ વખત થયું નથી. આ પહેલાં પણ એ.ટી. ઉકરાણીને બચાવવા માટે ઉમેશ ત્રિવેદી જેવા સીટિંગ જજનો ભોગ લેવાયો હતો. આથી હાઇકોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની પણ બદલી કરવાની વકીલોએ માંગ કરી છે. વકીલોના પ્રતિનિધિમંડળે આ બધી રજૂઆત સુપ્રીમ કોર્ટના જજને લેખિતમાં કરી છે. ચીફ જસ્ટિસના આ પગલાંથી હાઇકોર્ટના અન્ય જજોમાં પણ અસંતોષ ફેલાયો છે.
વકીલોની દલીલ છે કે સંદીપ ભટ્ટ નિષ્ઠાવાન અને પારદર્શિતામાં માનનારા જજ છે. તેઓએ હાઇકોર્ટના સંકુલોમાં CCTV કેમેરા ગોઠવવાનો આપેલો આદેશ તેમની પારદર્શિતાનો પુરાવો છે. તે માને છે કે જો ન્યાયતંત્ર પારદર્શિતાની વાતો કરતુ હોય તો તે તંત્રએ સૌથી પહેલા પારદર્શિતા દાખવવી જોઈએ. આના જ ભાગરૂપે તેમણે હાઇકોર્ટના સંકુલોમાં CCTV કેમેરા ગોઠવવાનો આદેશ આપ્યો હતો. વકીલોનું મંડળ પણ તેમના આદેશને યોગ્ય માને છે. તેઓનું માનવું છે કે જો આજે સ્કૂલોમાં CCTV ગોઠવવા પડતા હોય, સોસાયટીમાં, બિલ્ડિંગોમાં, કોમર્સિયલ કોમ્પ્લેક્સોમાં, ઓફિસોમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવતા હોય તો પછી તેને હાઇકોર્ટના સંકુલમાં ગોઠવીને પારદર્શિતામાં વધારો કેમ ન કરાય. તેમા પણ રજિસ્ટ્રારની શંકાસ્પદ પ્રવૃત્તિ જોતાં તે જરૂરી પણ બન્યું હોવાનું સંદીપ ભટ્ટ માનતા હતા.
આથી જ હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચના આદેશની સામે બીજા કોઈએ નહીં પરંતુ હાઇકોર્ટની IT રજિસ્ટ્રીએ જ વાંધો ઉઠાવ્યો હતો. તેને આ નિર્ણય વાંધાજનક લાગ્યો હતો. તેથી IT રજિસ્ટ્રારે જસ્ટિસ સંદીપ ભટ્ટના જ ચુકાદાને હાઇકોર્ટની જ બે સભ્યોની બેન્ચ સમક્ષ પડકાર્યો હતો. હાઇકોર્ટની બે જજની બેન્ચે IT રજિસ્ટ્રીની દલીલો સ્વીકારી હતી અને આખી હાઇકોર્ટમાં સીસીટીવી કેમેરા ગોઠવવાનો ન્યાયાધીશ સંદીપ ભટ્ટનો આદેશ રદ કર્યો હતો. તેની સાથે તેમના દ્વારા કરવામાં આવેલા દરેક નિરીક્ષણો રદ કરવામાં આવ્યા હતા. આ દલીલોમાં હાઈકોર્ટના મેનેજમેન્ટ અને સલામતીના પાસાની દલીલ મુખ્ય હતી. બે જજની બેન્ચે ન્યાયાધીશ ભટ્ટનો હુકમ ફગાવી દેતા જણાવ્યું હતું કે હાઇકોર્ટની કામગીરીના સંદર્ભમાં યોગ્ય મર્યાદાઓ અને પ્રક્રિયાઓનું પાલન કરવું જરૂરી છે. જજના આ પ્રકારના ચુકાદાના પગલે હાઇકોર્ટના આંતરિક કાર્યોમાં અવરોધ સર્જાઈ શકે છે.
હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રતિનિધિમંડળનો દાવો છે કે પારદર્શિતાના આગ્રહી ન્યાયાધીશ સંદીપ ભટ્ટની બદલીના મામલે તંત્રએ કોઈ પારદર્શિતા જાળવી નથી. તેમની બદલી કયા કારણસર કરવામાં આવી તેવું કોઈ કારણ પણ જણાવાયું નથી. તેથી અમને લાગી રહ્યું છે કે તેમની બદલી કિન્નાખોરીના કારણે કરવામાં આવી રહી છે. હવે બે જજોની બેન્ચે તેમની સામે ચુકાદો રદ કરી દીધો, પછી વાત ત્યાં પૂરી થઈ જાય છે. આ વાત બદલી સુધી ગઈ એટલે તેની પાછળ બીજી જ કોઈ ગંધ આવી રહી છે.
હવે અહીં સવાલ થાય કે ન્યાયાધીશ સંદીપ ભટ્ટ છે કોણ જેને લઈને આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાતના રાજકોટમાં 16 સપ્ટેમ્બર 1967ના રોજ સંદીપ ભટ્ટનો જન્મ થયો હતો. તેમણે રાજકોટની કોટક સાયન્સ કોલેજમાંથી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આમ તે સાયન્સ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ થયા હતા. તેના પછી તેમણે 1992માં કાયદાની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ 1993માં તેમણે તેમના પિતા એન એસ ભટ્ટ સાથે રાજકોટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. 1994થી તેમણે ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી.
તેમણે ત્રણ દાયકા કરતાં પણ વધુ સમય ફેલાયેલી કારકિર્દી દરમિયાન નેશનલાઇઝડ બેન્કો, નગરપાલિકાઓ અને પંચાયતો માટે વકીલાત કરી છે. તેઓ ભારત સરકારના સહાયક સરકારી વકીલ અને સ્થાયી સલાહકાર પણ રહી ચૂક્યા છે. સિવિલ, ફોજદારી, બેન્કિંગ અને અને મહેસૂલી કાયદામાં તે નિષ્ણાત મનાય છે. તેમને 18 ઓક્ટોબર 2021ના રોજ પ્રમોશન આપીને ગુજરાત હાઇકોર્ટમાં જજ બનાવવામાં આવ્યા હતા. તેઓએ તેમના ચાર વર્ષના કાર્યકાળમાં 19 હજારથી પણ વધારે કેસોનો નિકાલ કર્યો છે. આ તેમની કાર્યક્ષમતા બતાવે છે.
આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર
