Surat News : તાજેતરમાં અમલમાં આવેલા ભારતીય ન્યાય સંહિતા – BNS – 2023 હેઠળ ભારતીય કાયદાના ઇતિહાસમાં સુરતની વિશેષ કોર્ટે એક અત્યંત દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ નવા કાયદા હેઠળ સુરત શહેરમાં નોંધાયેલા બળાત્કારના પ્રથમ કેસમાં આરોપીને કોર્ટે તેના જીવનના અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સખત સજા ફટકારી છે. બળાત્કારીએ પાંચ વર્ષની બાળકીને નિશાન બનાવી હતી.
સમગ્ર ભારત દેશમાં તા. જુલાઈ 1, 2024ના રોજ નવો ભારતીય ન્યાય સંહિતા – 2023 કાયદો અમલમાં આવ્યો. આ કાયદાના અમલના માત્ર બીજા જ દિવસે, એટલે કે તા. જુલાઈ 2, 2025ના રોજ, સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર અંગેનો આ ગંભીર ગુનો દાખલ થયો હતો.
ગુનાની વિગત મુજબ, આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામી (ઉંમર – 37 વર્ષ, રહે. નવાગામ, ડીંડોલી)એ ભોગ બનનાર પાંચ વર્ષની બાળકીને નિશાન બનાવી હતી. આરોપીએ બાળકીને બિસ્કિટ આપવાના બહાને પોતાના ઘરે લઈ જઈ, તેણી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત પોલીસ ફરિયાદમાં નોંધાઈ હતી.
ભોગ બનનાર પાંચ વર્ષની બાળકીના માતા-પિતા બંને દિવસ દરમિયાન નોકરી-ધંધા પર જતા હતા, જેના કારણે બાળકી તેના દાદા-દાદી સાથે રહેતી હતી. આરોપી સુરેશ ગોસ્વામી બાળકીના પડોશમાં રહેતો હતો અને આ પરિવારથી સારી રીતે પરિચિત હતો. એટલું જ નહીં, આરોપીનું બાળકીના ઘરે અવર-જવર પણ રહેતી હતી.
આ જ પરિચયનો લાભ લઈને આરોપી સુરેશે બિસ્કિટ આપવાના બહાને બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો, જેના કારણે દાદા-દાદીને શરૂઆતમાં કોઈ શંકા નહોતી થઈ. જોકે, લાંબા સમય સુધી બાળકી ન દેખાતા દાદા-દાદી ચિંતામાં મુકાઈને સુરેશના ઘરે પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે બાળકીને લોહીલુહાણ હાલતમાં અને ખૂબ જ ડરેલી જોઈ. પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સુરેશની પકડમાંથી છોડાવી હતી, પરંતુ તે દરમિયાન આરોપી સુરેશ ગોસ્વામી ઘરેથી નાસી છૂટ્યો હતો. જોકે, સુરત પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી.
સુરત પોલીસે નવા ભારતીય ન્યાય સંહિતા (BNS) કાયદા હેઠળ આ કેસમાં મજબૂત અને સમયસર પુરાવા એકઠા કરવા માટે ઝડપી કાર્યવાહી કરી હતી. આ કેસની તપાસમાં પોલીસે વીડિયોગ્રાફી દ્વારા તમામ પંચનામા કર્યા હતા, જે કોર્ટમાં નક્કર પુરાવા તરીકે કામ આવ્યા. આ ઉપરાંત, પોલીસે મહત્ત્વપૂર્ણ સાક્ષીઓના નિવેદનો પણ કાળજીપૂર્વક નોંધ્યા હતા.
આ પૈકી ચાર સાક્ષીઓના નિવેદનો B.N.S.S. (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) કાયદાની કલમ 183 મુજબ નામદાર કોર્ટ મારફતે મેળવવામાં આવ્યા હતા, જે કેસને મજબૂત બનાવવામાં નિર્ણાયક સાબિત થયા. આ ગુનામાં પોલીસે કુલ 25 જેટલા સાક્ષીઓને તપાસ્યા હતા અને માત્ર 16 દિવસના ટૂંકા ગાળામાં જ તપાસ પૂર્ણ કરીને 240 પાનાનું વિસ્તૃત ચાર્જશીટ તૈયાર કર્યું હતું.
આ કેસ સુરતની ફાસ્ટ ટ્રેક, સ્પેશિયલ કોર્ટમાં ચાલી ગયો. તમામ રજૂ કરાયેલા પુરાવાઓ, જુબાની અને સરકારી વકીલની ધારદાર દલીલોના આધારે, નામદાર કોર્ટે આરોપી સુરેશ ઉર્ફે સલમાન રામભાઉ ગોસ્વામીને તકસીરવાર ઠેરવ્યો હતો. ભારતીય ન્યાય સંહિતા – 2023 અધિનિયમની કલમ 65(2) હેઠળ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી છે. કોર્ટના ચુકાદા મુજબ, આરોપીએ તેના બાકી રહેતા કુદરતી જીવનની છેલ્લી ક્ષણો સુધી સખત કેદમાં રહેવું પડશે.
આ ઉપરાંત, પોક્સો એક્ટની કલમો હેઠળ પણ 10,000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. બાળકો અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કાયદો હવે બિલકુલ ઢીલ નહીં રાખે, તે BNS હેઠળ આટલો ઝડપી અને કડક ચુકાદો દર્શાવે છે.
આ પણ વાંચો: Gujarat News/દિવાળીના શુભેચ્છા કાર્ડમાં મંત્રી લખવું કે ધારાસભ્ય! મંત્રીઓ મૂંઝવણમાં કેમ?
આ પણ વાંચો: Gujarat News/મુખ્યમંત્રીએ મંત્રી મંડળના વિસ્તરણ અંગે મંત્રીઓ સામે શું કહ્યું? જો વિસ્તરણ થાય તો કોને મળી શકે છે સ્થાન
આ પણ વાંચો: MANTAVYA Vishesh/તંત્રથી તો તોબા-તોબાઃ ધારાસભ્યો તંત્રની તુમારશાહીથી અકળાયા, શિસ્તના ઉડ્યા લીરેલીરા
