Kheda: ચૂંટણીપંચે મતદારયાદી સુધારણાની શરૂ કરેલી કાર્યવાહી બહુ જબરદસ્ત બાબત છે, પરંતુ તેના કારણે સરકારી તંત્ર પર પડેલા અકલ્પનીય બોજને કદાચ ચૂંટણીપંચ સમજી શક્યું નથી. ચૂંટણીપંચ પાસે મતદારયાદી સુધારણાના પગલાં લેવા માટે કોઈ અલગ તંત્ર નથી. તેના માટે તેણે રાજ્ય સરકારના જ કર્મચારીઓ પર આધાર રાખવો પડે છે.
હવે સરકારે વર્ષોથી ભરતી જ કરી ન હોવાના કારણે આ સરકારી કર્મચારીઓ કામના બોજા હેઠળ દટાયેલા છે. તેઓ તેમના વર્તમાન કામને જ માંડ-માંડ પહોંચી વળે છે, ત્યાં આ નવું કામ કેવી રીતે કરવું તે તેમના મગજમાં ઉઠતો મોટો સવાલ છે. આ દબાણના કારણે ખેડાના કપડવંજના નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અને બીએલઓ રમેશ પરમારનું અવસાન થયું છે.
તેમનું આ મોત BLOની કામગીરીના કારણે ડિપ્રેશનમાં સરી જવાથી મોત થયાનો આરોપ છે. રમેશ પરમારનું પણ હૃદયરોગના હુમલાથી મોત થયું છે. તેઓની સ્થિતિ એવી હતી કે શાળાનું કામકાજ પૂરુ થયા પછી BLOની કામગીરી કરવી પડતી હતી. તેમણે મોડી રાત સુધી BLOની કામગીરી કરવી પડતાનો આરોપ પણ મૃતકના સ્વજનોએ મૂક્યો છે.
મૃતકના કુટુંબીજનોનો દાવો છે કે રમેશભાઈ પરમાર 18મી નવેમ્બરના રોજ મોડી રાત સુધી મતદારયાદીની કામગીરી કરીને ઘરે આવ્યા હતા. તેમના પર કામના ભારણના કારણે એટલો બોજો હતો કે તે ખૂબ જ થાકી ગયા હતા અને થાકના કારણે જમ્યા પણ ન હતા. રાત્રે તે સૂઈ ગયા હતા અને પછી સવારે ઉઠ્યા જ નહીં. તેમને તરત જ બાયડની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
કુટુંબીજનોનો આરોપ છે કે રમેશભાઈ છેલ્લા પખવાડિયાથી બીએલઓની ફરજના કારણે ખૂબ જ તનાવમાં હતા. તેમને રાતના ઉજાગરા કરવા પડતા હતા. તેમની નોકરીનું સ્થળ ઘરથી 48 કિ.મી. દૂર છે. તે બાઇક પર આવતા જતા હતા. આમ તે રોજની 94 કિ.મી.નો મુસાફરી કરતા હતા. તે પણ બીએલઓની કામગીરીના કારણે વધી ગઈ હતી. આમ સતત કામના સ્ટ્રેસ, સતત ઉજાગરા અને મુસાફરીના થાકના કારણે તેમનું નિધન થયું છે.
આ અંગે ખેડા જિલ્લાના કલેક્ટર વિષ્ણુકુમાર બારોટે જણાવ્યું હતું કે અમે મૃતકના કુટુંબીજનોને સાંત્વના પાઠવીએ છીએ. તેઓને તેમના કામના બેવડા ભારણને જોતાં તેમને સરકાર તરફથી વધુને વધુ વળતર મળે તે જોવા પ્રયત્નશીલ છીએ.
આ પણ વાંચો: Kheda News/ઓસ્ટ્રેલિયાના નામે છેતરપિંડી : NRIના પિતા પાસેથી 3.5 લાખ પડાવ્યા
આ પણ વાંચો: Kheda News/ખેડાની બૈડપ પ્રાથમિક શાળામાં શિક્ષકની ગેરહાજરીનો મામલો ગરમાયો
આ પણ વાંચો: Kheda News/9 મહિના પહેલા ફેફસાના અભાવે પુત્ર ગુમાવ્યો હતો, પરંતુ હવે બ્રેઈન ડેડ માતાએ 5 લોકોને નવું જીવન આપ્યું
