Sikkim News/ સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20 શ્રમિકોના મોત: 5થી વધુ હજુ પણ ફસાયેલા, બચાવ કામગીરીમાં મિથેન ગેસ બન્યો સૌથી મોટો પડકાર

સિક્કિમના નામચી જિલ્લામાં NHPCના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં થયેલા વિસ્ફોટમાં 20 શ્રમિકોના મોત. પાંચથી વધુ લોકો હજુ પણ ફસાયેલા, જ્યારે મિથેન ગેસ બચાવ કામગીરીમાં મોટો પડકાર.

India Breaking News
20 workers

Sikkim News: સિક્કિમના નામચી જિલ્લામાં આવેલા NHPCના તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં નિર્માણાધીન ટનલમાં થયેલા ભયાનક અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ટનલમાં થયેલા વિસ્ફોટ અને ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 20 શ્રમિકો (20 workers)ના મો થયા છે, જ્યારે પાંચથી વધુ લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. બચાવ કામગીરી દરમિયાન ટનલમાં ફસાયેલો મિથેન ગેસ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આ ઘટનાને લઈને સિક્કિમ સરકારે SIT તપાસની જાહેરાત કરી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની જાહેરાત કરી છે.

સિક્કીમમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્લખન થતા  20 workers ના મોત 

સોમવારે સિક્કિમ (Sikkim)ના નામચી જિલ્લાના સમરડુંગ-ઝોલુંગે વિસ્તારમાં આવેલા NHPC તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની નિર્માણાધીન ટનલમાં અચાનક વિસ્ફોટ અને ત્યારબાદ ટનલનો એક ભાગ ધરાશાયી (Sikkim Tunnel Accident)થયો હતો. તે સમયે અંદર 27 શ્રમિકો કામ કરી રહ્યા હતા. અકસ્માત બાદ બે શ્રમિકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં 20 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતકોમાં પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને અલીપુરદ્વાર જિલ્લાના શ્રમિકો ઉપરાંત પંજાબ અને સિક્કિમના રહેવાસીઓનો પણ સમાવેશ થાય છે.

પાંચથી વધુ લોકો હજુ પણ લાપતા

અકસ્માત બાદ હજુ પણ પાંચથી વધુ લોકો ટનલની અંદર ફસાયેલા હોવાનું માનવામાં આવે છે. ગુમ થયેલા લોકોમાં કેરળના 43 વર્ષીય ભૂસ્તરશાસ્ત્રી અનિશ મોહન પણ સામેલ છે. NDRF, SDRF, સ્થાનિક પ્રશાસન સતત બચાવ કામગીરીમાં જોડાયેલી છે. જોકે ટનલની સ્થિતિ અને અંદર રહેલા ગેસને કારણે રેસ્ક્યૂ ઓપરેશન અત્યંત મુશ્કેલ બન્યું છે.

મિથેન ગેસને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી

NHPCએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે ખડકોના સ્તરોમાં સંગ્રહિત મિથેન ગેસ અચાનક લીક થતાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ ટનલનો ભાગ ધરાશાયી થતાં અનેક શ્રમિકો અંદર જ ફસાઈ ગયા હતા. મિથેન ગેસની હાજરીને કારણે બચાવ ટીમોને ભારે સાવચેતી રાખવી પડી રહી છે. કોઈપણ પ્રકારની બેદરકારી વધુ મોટી દુર્ઘટના સર્જી શકે હોવાથી વિશેષ સાધનોની મદદથી શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

SIT તપાસના આદેશ

સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ (ગોલે)એ સમગ્ર ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ જલપાઈગુડી પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનોને અકસ્માત સ્થળ સુધી પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi)એ પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં દરેક મૃતકના પરિવારને ₹2 લાખ અને દરેક ઘાયલને ₹50 હજારની સહાય જાહેર કરી છે.

રાહત અને બચાવ કામગીરી યથાવત

અધિકારીઓના જણાવ્યા મુજબ ટનલની અંદર હજુ પણ શોધ કામગીરી ચાલુ છે. વિશેષ તકનીકી ટીમો સતત સ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે જેથી ફસાયેલા શ્રમિકોને સલામત રીતે બહાર કાઢી શકાય. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તમામ સંબંધિત એજન્સીઓ એલર્ટ મોડ પર છે.


આ પણ વાંચો: સુરક્ષાના અભાવની કિંમત શ્રમિકોએ ચૂકવી? સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 10 શ્નમિકોના મોત

આ પણ વાંચો: સિક્કિમમાં ભૂસ્ખલન બાદ નિર્માણાધીન ટનલમાં 27 મજૂરો ફસાયા, મિથેન ગેસના ભય વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

આ પણ વાંચો: સિક્કિમથી સિલિગુડી જતાં પરિવારના 4 સભ્યો ગુમ, તિસ્તા નદીમાંથી કાર મળી