Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ગુજરાત ATS દ્વારા પકડવામાં આવેલા આતંકીઓનો મુદ્દો ઊઠ્યો હતો. જેમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે આતંકીઓ પાસેથી રાઇઝિન કેમિકલ મળ્યું હતું, જેને હવા તેમજ પાણીમાં ભેળવી શકાય છે. શહેરમાં જનતાને પાણી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ કેમિકલ પાણીમાં ભેળવાય તો અનેક લોકો મૃત્યુ પામી શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 238 વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર આવેલાં છે, જ્યાંથી પાણી નાગરિકોને પૂરું પાડવામાં આવે છે, પરંતુ અહીં તકોઈ પ્રકારની સિક્યોરિટી નથી.
કોઈપણ વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં આ કેમિકલ જો કોઈ આતંકીઓ દ્વારા પાણીમાં નાખી દેવામાં આવ્યું હોત તો સવારે પાણી આવે, એને પીવાથી ખૂબ મોટી જાનહાનિ થઈ શકે એમ છે. વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરમાં સિક્યોરિટી રાખવી જરૂરી છે. 3000 જેટલા સિક્યોરિટી ગાર્ડ આપણે રાખીએ છીએ, પરંતુ ક્યાંય સિક્યોરિટી નથી, જેથી કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવે છે કે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર પર સુરક્ષા રાખવામાં આવે, જેથી આવી ઘટનાઓ બને નહિ.
ગુજરાત ATSએ 9 નવેમ્બરના રોજ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ISISના ત્રણ આતંકીને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપી પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. જેમાં ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનું ખુલ્યું હતું.
મૂળ હૈદરાબાદનો રહેવાસી ડો. અહેમદ મોહ્યુદ્દીન ગુજરાતમાં હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધાં હતાં, જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા, જોકે તે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય એ પહેલાં જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકી પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતી કારતૂસ અને 4 લિટર કસ્ટર ઓઈલ કબજે કરાયું હતું.
સવાલઃ રાઇઝિન કેવા પ્રકારનું ઝેર છે અને માણસના કયા અંગોને અસર કરે છે
જવાબઃ રાઇઝિનની માણસના શરીરનાં 3 મહત્ત્વપૂર્ણ અંગો- આંતરડા, કિડની અને લિવરને અસર થાય છે. સૌપ્રથમ આંતરડાં અને પેટમાં અસર થાય છે, જેથી પેટમાં તીવ્ર પેટ દુખાવો થાય છે અને ઝાડા ઊલટી થાય છે, આથી શરીરમાં પાણી અને લવણની ખૂબ જ અછત થઇ જાય છે. કિડની ગંભીર રીતે અસરગ્રસ્ત થાય છે અને પેશાબ બનવાનું બંધ થઇ શકે છે. લિવરને અસર થવાથી શરીરમાં ઝેરી પદાર્થો એકઠા થવા લાગે છે. આ ઉપરાંત હૃદય, ફેફસાં અને રક્તવાહિનીઓને પણ નુકસાન થઇ શકે છે. બ્લડપ્રેશર ઘટી જાય છે અને અંગોને લોહી તેમજ ઓક્સિજન મળતો બંધ થાય છે.
સવાલઃ માણસના શરીરમાં આ ઝેર ગયા પછી કેટલા સમયમાં મોત થઈ શકે છે?
જવાબઃ આ ઝેરથી સામાન્ય રીતે 36થી 72 કલાક (દોઢ દિવસથી 3 દિવસ)માં માણસનું મોત થાય છે, જોકે આ સમય ઝેરના પ્રમાણ અને એ શરીરમાં કેવી રીતે પ્રવેશ્યું એના પર આધાર રાખે છે. જો ખૂબ જ મોટા પ્રમાણમાં આ ઝેર લેવામાં આવે તો 2 દિવસમાં જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ શકે છે.
સવાલઃ ઝેરની અસર કેવી રીતે શરૂ ઘાય છે અને તેના લક્ષણો શું છે?
જવાબઃ શરૂઆતના 4થી 8 કલાકમાં ઝેરનાં લક્ષણો દેખાવાં લાગે છે. પછીના 24થી 48 કલાકમાં વ્યક્તિની સ્થિતિ બગડતી જાય છે. કિડની અને લિવર નિષ્ફળ થવા લાગે છે. જો યોગ્ય સારવાર ન મળે તો ત્રીજા-ચોથા દિવસે મૃત્યુ થઇ શકે છે. તાત્કાલિક અને સઘન સારવાર મળે તો જીવ બચવાની શક્યતા વધે છે, પરંતુ સંપૂર્ણ રીતે સાજા થવામાં મહિનાઓ લાગી શકે છે.
સવાલઃ વૃધ્ધો અને બાળકોને આ ધેરની કેવી અસર થઇ શકે?
જવાબઃ બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ અને શરીરની સહનશક્તિ ઓછી હોવાથી આ ઝેર તેમના માટે વધુ જોખમી છે. નાનાં બાળકોનું વજન ઓછું હોવાથી તેમને થોડું જ ઝેર વધુ અસર કરે છે. તેમના શરીરમાં પાણી અને લવણોની ઝડપથી અછત થઇ જાય છે. બાળકોમાં ઝાડા-ઊસટી વધુ તીવ્ર હોય છે, તેથી ડિહાઇડ્રેશન જીવલેણ બની શકે છે.
વૃદ્ધોમાં મૂળભૂત રીતે જ કિડની અને લિવરની કામગીરી નબળી હોય છે, તેથી ઝેર વધુ હાનિકારક અસર કરે છે. બ્લડપ્રેશર ઘટવાથી વૃદ્ધોને હૃદયરોગ અને શ્વાસ લેવાની તકલીફ વધુ ઝડપથી ઊભી થઇ શકે છે.
આ પણ વાંચો:પાકિસ્તાનના બાયોટેરર નેટવર્કનો પર્દાફાશ કરતી ગુજરાત ATS
આ પણ વાંચો:ભારતમાં સૌપ્રથમ કેમિકલ એટેક કરવાનું આયોજન ધરાવતા હતાં ગુજરાત ATSએ પકડેલા આતંકીઓ
આ પણ વાંચો:ગુજરાત ATSના સકંજામાં આવેલા 3 આતંકવાદીઓ વિશે મોટો ખુલાસો
