એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે, તો બીજી તરફ ક્રિકેટમાં પણ નવા રેકોર્ડ બની રહ્યા છે. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ટી 20 મેચોમાં બેટ્સમેન દરરોજ બેટથી ચોક્કા અને છક્કા ફટકારીને નવા રેકોર્ડ બનાવે છે. ક્રિકેટનાં આ ટૂંકા ફોર્મેટને બોલરો માટે કાળ માનવામાં આવે છે, પરંતુ જ્યારે બોલરોનો દિવસ આવે છે ત્યારે તેઓ પોતાની બોલિંગની તાકાત પર એવા પરાક્રમો કરે છે જે હંમેશા યાદ રહી જાય છે.

આ પણ વાંચો – Cricket / ભારે કરી!! ન્યૂઝીલેન્ડ સીરીઝ પહેલા પાકિસ્તાનનો આ ખેલાડી કોરોના પોઝિટિવ
આપને જણાવી દઇએ કે, આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપનાં આફ્રિકા પ્રદેશ ક્વોલિફાયર દરમિયાન શનિવારે આવી જ એક યાદગાર મેચ ઇસ્વાતિની અને ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાઇ હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેનાં બોલરોએ તબાહી મચાવી હતી અને ઇસ્વાતિનીની ટીમને 9.2 ઓવરમાં માત્ર 17 રન બનાવીને પેવેલિયન પરત કરી દીધી હતી. મેચની પહેલી જ ઓવરમાં ઝિમ્બાબ્વેનાં ઝડપી બોલર એસ્થર બોફાનાએ ઇસ્વાતિનીનાં ત્રણ બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલીને ઇશારો કરી દીધો હતો કે આજે તેમનો દિવસ છે. આશ્ચર્યની વાત એ છે કે ત્રણેય ખેલાડીઓ તેમનું ખાતું ખોલી પણ શક્યા ન હોતા અને LBW આઉટ થઇ પેવેલિયન પરત ફર્યા હતા. પ્રથમ ઓવરમાં માત્ર 1 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ ઇસ્વાતિનીનાં બેટ્સમેનોએ ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને આગામી ત્રણ ઓવરમાં એકપણ વિકેટ પડી ન હોતી. પરંતુ પાંચમી ઓવરનાં છેલ્લા બે બોલમાં બોફાનાએ વધુ બે વિકેટ લીધી હતી. તેણે એક બેટ્સમેને LBW અને બીજાને બોલ્ડ કર્યો હતો. આ સાથે ઇસ્વાતિનીનો સ્કોર 12 રનમાં 5 વિકેટ બની ગયો હતો.

આ પણ વાંચો – કોરોના પ્રોટોકોલ / લંડનમાં રવિ શાસ્ત્રીના પુસ્તક વિમોચન સમારોહ અંગે ઉભા થયા અનેક પ્રશ્નો, BCCI એકશન લેશે?
છઠ્ઠી ઓવરમાં નોમવેલો સિબાન્ડાએ પોતાની ટીમને છઠ્ઠી સફળતા અપાવી. ટૂંક સમયમાં 9.2 ઓવરમાં 17 રન બનાવ્યા બાદ સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. એસ્થર બોફાનાએ 4 ઓવરમાં 11 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ સિવાય લોરિન ફિરીએ 3 અને નોમવેલો સિબાન્ડાએ 1 સફળતા હાંસલ કરી હતી. ઇસ્વાતિની ટીમનાં કોઇ બેટ્સમેન બે પોઇન્ટનાં આંકડાને સ્પર્શી શક્યા નહોતા અને સાત ખેલાડીઓ તો ખાતું પણ ખોલી શક્યા નહી. તેમની તરફથી સૌથી વધુ રન બનાવનાર નોમ્બિજિની ગેબુ હતી. તેણે ટીમનાં 17 રનનાં સ્કોરમાં 6 (8) રનનું યોગદાન આપ્યું હતું. મેચનો રોમાંચ અહીં સમાપ્ત થયો ન હતો, ઝિમ્બાબ્વેની ટીમે 18 રનનાં ટાર્ગેટને માત્ર 2 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર હાંસલ કરી લીધો હતો. ઝિમ્બાબ્વેની ઓપનિંગ જોડીએ ઝડપી રન બનાવ્યા અને માત્ર 12 બોલમાં મેચ સમાપ્ત કરી દીધી. મોડેસ્ટર મુપાચિક્વાએ 7 બોલમાં અણનમ 13 રન બનાવ્યા હતા અને પ્રીસિયસ મરાંગે 2 * (5) રન બનાવ્યા હતા. સમગ્ર મેચ માત્ર 11.2 ઓવરમાં સમાપ્ત થઈ.
