રાજકોટ મહાનગરપાલિકામાં હવે તમે ફરિયાદ કરશો તો કર્મચારીઓએ નિયત સમયમાં આ ફરિયાદનું નિરાકરણ લાવવું પડશે અને જો ફરિયાદનું નિરાકરણ નહિ આવે તો ઓટોમેટીક ઉપરી અધિકારી સુધી આ ફરિયાદ પહોંચી જશે.જીહા, રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પીન આધારીત ફરિયાદ નિવારણ સેવાનો પ્રારંભ કર્યો છે.
આ સેવા થકી અરજદાર મનપાના ટોલ ફ્રી નંબર 1800 123 1973 પર ફોન કરી શકશે.અરજદારની ફરિયાદના ધારે તેનું નિયત સમયમાં નિવારણ થાય તે જોવાની જવાબદારી જે તે વિભાગના અધિકારીની રહેશે.જો અધિકારી દ્રારા નિયત સમયમાં આ ફરિયાદનું નિવારણ કરવામાં નહિ આવે તો મ્યુનિસિપલ કમિશનર સુધી આ ફરિયાદ ઓટોમેટિક પહોંચી જશે.
ફરિયાદીને એક પીન મળશે જે એડ કરશે તો જ ફરિયાદનો નિકાલ ગણાશે
આધુનિક પધ્ધતિથી સજ્જ આ સુવિધામાં ફરિયાદનું નિવારણ થયા બાદ ફરિયાદીને એક પીન આપવામાં આવશે.ફરિયાદી સબંધિત અધિકારીને પોતાની ફરિયાદનું નિરાકરણ થયું છે તે અંગેનો પીન આપશે અને અધિકારી સિસ્ટમમાં આ પીન એડ કર્યા બાદ જ તેની ફરિયાદનો નિકાલ ગણાશે એટલે કે ફરિયાદી પોતે તેની ફરિયાદના નિકાલની ખરાઇ કર્યા બાદ જ માન્ય ગણાશે.
લોકોની સુખાકારીમાં વધારો થશે-મેયર
આ અંગે મેયર પ્રદિપ ડવે કહ્યું હતુ કે લોકોની સુખાકારીમાં વધારો થાય અને તેના પ્રશ્નોનું જલદી નિરાકરણ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ સિસ્ટમમાં જે તે વિભાગની કામગીરી પણ જોઇ શકાશે અને જ્યાં સુઘારો કરવાની જરૂર છે તે પણ કરી શકાશે.ફરિયાદી પોતાના કામ થયા બાદ રેટીંગ પણ આપી શકશે જેના આધારે પણ મૂલ્યાંકન કરી શકાશે.
