રાજકોટની મધ્યમાં આવેલી હોટેલમાં તરુણી મળવાની ઘટનામાં પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે.રાજકોટ પોલીસના નાક નીચે રાજકોટના સદર બજારમાં આવેલી હોટલ પાર્કઇનમાં તરૂણી પાસે દેહ વ્યાપાર કરાવી ચાલતા કુટણખાનાના રેકેટનો પર્દાફાશ થયો છે.અસામાજિક તત્વો દ્વારા રાજકોટની હોટલમાં પરપ્રાંતીય તરૂણીને ગોંધી રાખવાની ઘટનામાં ગઇકાલે છેક મુંબઇથી આવેલા એક એનજીઓના સભ્યોએ સાથે રહી મહિલા પોલીસ પાસે દરોડો પડાવ્યો હતો. હોટલના રૂમમાંથી એક 16 વર્ષની તરૂણી પણ મળી આવી હતી,પ્રાથમિક તારણ મુજબ હ્યુમન ટ્રાફિકિંગ હોય તેવું લાગ્યું હતું.પરંતુ અહીં લાંબા સમયથી દેહનો કાળો કારોબાર ચાલતો હતો. ગઈકાલે પોલીસે કુટણખાનાના ગુનામાં એક મહિલા અને એક શખ્સની અટકાયત હતી ત્યારે બીજા દિવસે હોટેલના મેનેજર મેહુલની પણ ધરપકડ કરી તેમને પણ ગુનામાં આરોપી બનાવ્યો છે.

મહિલા પીએસઆઇ જે.જી.ચૌધરીએ સરકાર તરફે ફરિયાદ નોંધાવતા પ્રદ્યુમનનગર પોલીસના પીઆઇ એલ.એલ.ચાવડાએ હાલ રાજકોટ અને મૂળ જૂનાગઢના પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ કક્કડ અને હાલ રાજકોટ મૂળ વડોદરાની જયશ્રીબેન ચાવડા સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ 1956ની કલમ 3,4,5 મુજબ ગુનો નોંધી બંનેની રાત્રે જ અટકાયત કરી હતી. જ્યારે આજે હોટલ મેનેજર મેહુલને પણ આરોપી બનાવ્યો છે. આ રેકેટમાં કોણ-કોણ સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઇ છે. જયારે સંતોષને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગે પત્રકાર પરિષદમાં ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમ, પીઆઇ એસ.આર પટેલે માહિતી આપ્યા મુજબ જે સગીરા મળી છે તે 2 મહિનાથી હોટલમાં રહેતી હતી અને સંતોષકુમાર નામના શખ્સ સાથે અહીં આવી હતી.
જોકે બાદમાં સંતોષ છેલ્લા 4 દિવસથી મથુરા જવાનું કહી નીકળી ગયો હતો. આ સંતોષ અને સગીરા બન્ને અલીગઢના રહેવાસી હોવાનું જાણવા મળે છે. પોલીસને તપાસમાં એ પણ વિગત મળી છે કે સગીરાના કોઈ રિલેટિવ પણ રાજકોટમાં રહે છે.
હાલ બાળ સુરક્ષાના મહિલા અધિકારીઓ દ્વારા સગીરાનું કાઉન્સિલિંગ કરવા પ્રયત્ન થઈ રહ્યા છે. પરંતુ સગીરા પૂછપરછમાં પૂરતો સહકાર આપી રહી નથી.
આ અંગે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલા પોલીસના પીઆઇ એસ.આર.પટેલ, એએસઆઇ ઇકબાલ શેખ, પીબીએસસીના મહિલા કાઉન્સીલર કૃપાબેન જોશી, રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ, સમાજ સુરક્ષા વિભાગના લીગલ ઓફિસર અલ્પેશભાઇ ગોસ્વામીને મુંબઇના એક એનજીઓના સભ્યો અવિનાશ સુરેશભાઇ લુહાર (રહે.મુંબઇ, કાંદીવલી ઇસ્ટ, ઠાકોર કોલોની) અને તેમના કર્મચારી સોહમ પ્રવિણભાઇ બ્રાહ્મણ, નૂરબેન મહંમદ મહમુદ્દીન અલી, હનીબેન મુકેશભાઇ અગ્રવાલે માહિતી આપી હતી કે રાજકોટના સદર બજારમાં આવેલી પાર્ક ઇન હોટલમાં સંતોષ નામનો વ્યકિત એક સગીરાને બહારથી વેચવા માટે લાવ્યો અને હોટલમાં રાખી હતી .
જેથી મહિલા પોલીસ, સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓ, એનજીઓના સભ્યોને સાથે રાખી સાંજે 6 વાગ્યા આસપાસ હોટલ પાર્ક ઇનમાં દરોડો પાડયો હતો. હોટલમાં હાજર મેનેજર મેહુલભાઇને પોલીસે હકિકતથી વાકેફ કરી હોટલમાં ચેકીંગ હાથ ધર્યુ હતું.
જેમાં રૂમ નં.102માં ચેક કરતા બે સ્ત્રીઓ જોવા મળી હતી. જેમાં એક યુવતી હાલ મુંબઇ અને મૂળ પશ્ચિમ બંગાળની હોવાનું જણાવ્યું હતું. જયારે બીજી મહિલા જયશ્રીબેન મનવીરભાઇ ઉર્ફે મુન્નાભાઇ ચાવડા (ઉ.વ.42, રહે.વિરાટ મેઇન રોડ નાલંદા વિદ્યામંદિરની બાજુમાં સાપરીયાવાળી શેરી નં.3, રાજકોટ, મૂળ આજયા પેટ્રોલપંપ પાસે, વડોદરા) હોવાનું જણાવ્યું હતું.
મહિલા પોલીસ, સમાજ સુરક્ષા અધિકારીઓ અને મહિલા કાઉન્સીલ પશ્ચિમ બંગાળની યુવતી જે હિન્દીમાં બોલતી હોય તેની પુછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું.કે રૂમમાં હાજર જયશ્રીબેન અને અન્ય વ્યકિત પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ ચંદુભાઇ કક્કડ (ઉ.વ.56, રહે.રામનગર જયંત કે.જી.સોસાયટી, ગોંડલ રોડ, સીટી રાઇડ બિલ્ડીંગ, મૂળ ગામ કેશોદ, જૂનાગઢ), બહારથી ગ્રાહકો બોલાવી તેમની પાસેથી રૂા.2000 લઇ તેણીને રૂા.500 આપી દેહ વ્યાપારનો ધંધો કરાવતા હતા અને રૂા.1500નો પોતે ભાગ પાડી લેતા હતા.
પ્રભુદાસની ઝડતી લેતા પોલીસને તેના ખીસ્સામાંથી રૂા.500ની 28 ચલણી નોટો એટલે કે રૂા.14000 મળી આવયા હતા. તેમજ જયશ્રીબેનના પર્સમાંથી રૂા.6000 મળી આવતા રૂા.20,000ની રોકડ કબ્જે કરી હતી.
પોલીસે રેડ દરમિયાન એક-એક રૂમ ચેક કર્યો હતો. જેમાં રૂમ નં.405માંથી એક સગીરા મળી આવી હતી. જિલ્લા સુરક્ષા બાળ અધિકારી મિત્સુબેન વ્યાસે તેણીની પુછપરછ કરતા તે ખૂબ જ ગભરાયેલી હોવાથી તેનું વધુ કાઉન્સીલીંગ થયા બાદ કરી શકાય તે માટે તેણીને સ્પેશ્યલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી દેવામાં આવી હતી.
જો કે ગભરતા સ્વરે સગીરાએ તેનું નામ કહ્યું હતું અને સંતોષકુમાર નામનો વ્યકિત તેને હોટલે મુકી ગયા બાદ મથુરા ચાલ્યો ગયો હોવાનું કહ્યુ હતું.

