Surat News: સુરતના ભેસ્તાન વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેગ્નન્ટ મહિલાના પ્રેમી સાથેના આડા સંબંધમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરતા ચકચાર મચી છે. સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્રનો અને સુરતના નવાગામ ડિંડોલી ખાતે રહેતા 33 વર્ષીય રાહુલ દિલીપ પાટીલના લગ્ન આઠ વર્ષ પહેલા શીતલ નામની યુવતી સાથે થયા હતા. સંતાનમાં તેને એક દીકરો પણ હતો. જોકે, તેનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું. 3 મહિના અગાઉ રાહુલને પત્ની શીતલ ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. રાહુલને તેની પત્નીના આડાસંબંધોની અંગેની જાણ તેના ભાઈ ગણેશને કરી હતી. ત્યારબાદ રાહુલ તેના ઘરે ગયો તો તે વખતે પણ પ્રશાંત(પ્રેમી) તેના ઘરે હાજર હતો અને તે દિવસે પણ રાહુલ અને પ્રશાંત વચ્ચે પ્રેમ સંબંધ બાબતે જ ઝઘડો થયો હતો.
8 જુલાઈના રોજ ગણેશને શીતલનો કોલ આવ્યો હતો, તેને કહ્યું કે, મને ભેસ્તાન પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે અને કહ્યું કે, મારા પતિ રાહુલનું એક્સિડન્ટ થયું છે. જેથી તમે પોલીસ સ્ટેશન આવો તેવું જણાવ્યું છે. જેથી પોલીસ સ્ટેશન જવાનું છે. તો તમે પણ મારા ઘરે આવો અને આપણે સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન જઈએ.
રાહુલને માથામાં પાછળના ભાગે કોઈ હથિયાર વડે ઇજા કરી હોય તેવું જણાતું હતું. આ સાથે જ બન્ને કાનમાંથી લોહી નિકળ્યું હતું. જેથી શબવાહિની બોલાવી મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લાવી પી.એમ. રૂમમાં મુકાવી હતી. ત્યાર બાદ ચેક કરતા રાહુલને માથામાં પાછળના ભાગે મારા મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તે સિવાય શરીરે બીજી કોઈ જગ્યાએ કોઇ ઇજા ન હતી.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાહુલની પત્ની શીતલ સાથે રાહુલના મિત્ર પ્રશાંતના છેલ્લા 3 વર્ષથી આડા સંબંધ હતા. જેની જાણ રાહુલને અંદાજે 15 દિવસ પહેલાં જ થઈ હતી. 15 દિવસથી સતત ઝઘડાઓ થઈ રહ્યા હતા. જેમાં રાહુલના મોટા ભાઈને પણ જાણ થઈ હતી. દરમિયાન 8 જુલાઈના રોજ પ્રશાંત અને પ્રદિપ રાહુલને બાઈક પર લઈને ભાણોદરા સીમમાં ગયા હતા. રાહુલને ભણોદરા સીમમાં લઈ ગયા બાદ શીતલ સાથેના આડા સંબંધને લઈને ઝઘડો થયો હતો. પ્રેમમાં આડખીલી રૂપ બનેલા રાહુલને પ્રશાંતે માથામાં લાકડાનો ફટકો મારીને પતાવી દીધો હતો. જેમાં પ્રશાંતને પ્રદિપે સાથ આપ્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે પ્રશાંત અને પ્રદિપ પાટીલની ધરપકડ કરી હતી. ભેસ્તાન પોલીસે પ્રશાંત અને પ્રદિપ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. મૃતક રાહુલની પત્ની શીતલની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ કોંગ્રેસ ભવન પર પથ્થરમારાનો મામલો, કાર્યકરની લાગણી સેલ બનાવવા માંગ
આ પણ વાંચો: શિક્ષણ વિભાગની તપાસમાં પીપળિયાની નકલી શાળાનો થયો પર્દાફાશ
આ પણ વાંચો: ઊંઝા APMCના 5 ડિરેક્ટરોનો મામલો, હાઈકોર્ટે ફગાવી અરજી
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં લાંચ લીધાની સાગઠિયાની કબૂલાત
