Kheda News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. નડિયાદ નજીક કેમિકલ ભરેલું એક ટેન્કર પલટી મારીને રોડની બાજુમાં લગભગ 30 ફૂટ નીચે ખાબક્યું હતું. આ ટેન્કરમાં નાઇટ્રોજન ભરેલું હતું, જે લીક થતાં આસપાસના વિસ્તારમાં સફેદ ધુમાડા ફેલાઈ ગયા હતા અને રસ્તા પર ધુમ્મસ છવાઈ ગયું હતું.
કેમિકલ લીક થવાના કારણે આસપાસના ગામો, ખાસ કરીને મરીડા અને સલુણના વિસ્તારોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. લગભગ 300થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ખેડા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કેમિકલને ન્યુટ્રલાઇઝ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને એક્સપ્રેસ વે પરનો નડિયાદથી અમદાવાદ તરફનો વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.

કેમિકલના ધુમાડાના કારણે ગામના લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ હતી. 4 મહિલાઓની તબિયત લથડી હતી, જેમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. આ મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ઊલટીની ફરિયાદ હતી. તેમને તાત્કાલિક સલુણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી અને બાદમાં નડિયાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારીએ સલુણ આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિ દરમિયાન હાજર રહીને પરિસ્થિતિ પર નજર રાખી હતી અને લોકોને કોઈપણ તકલીફ હોય તો આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવાની સૂચના આપી હતી.
આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ
