કોરોનાના કહેર વચ્ચે લોકોને જાગૃત કરવા અનિવાર્ય છે. એકબાજુ લોકો કોરોનાની વેક્સિનની ડિમાન્ડ કરે છે તો બીજી બાજુ રસી મુકાવતા ડરે પણ છે. આવા સમયે તેમને રંગોળીના માધ્યમથી વેક્સિન માટે તૈયાર કરવાનો પ્રયાસ નડિયાદના રહેવાશી અને વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષકે વિશાળ રંગોળી બનાવીને કર્યો છે.

નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાએ કોરોનાની મહામારીમાં લોક જાગૃતિના અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ અને પ્રેરક પ્રયોગો આદર્યા છે. હવે જ્યારે 18 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિ માટે રસીકરણનો આરંભ કરવામાં આવ્યો છે, ત્યારે શાળાના શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે પોતાના ઘરના આંગણે 51 ચોરસ ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરીને જનજાગૃતિની ઉમદા કામગીરી કરી છે.
“વેક્સિનેશનના પગલે ચાલ ,એ છે કોરોનાનો મહાકાલ” નામની આ રંગોળીમાં કોરોનાથી બચવા માટે રસીકરણ ખૂબ અસરકારક એ વાતને ખુબ જ બારીકાઇથી દર્શાવવામાં આવી છે. જ્યારે બે પગલાં વેક્સિન અને સિરિન્જ દેખાય છે. તેના દ્ધારા દર્શાવવામાં આવ્યુ છે કે, એ રસ્તે ચાલવાથી કોરોના સંક્રમણ અટકશે. ઉપરાંત વેક્સિનેશન કોરોનાની ચેઈન તોડી તેને જળમૂળથી નષ્ટ કરશે તેમ સૂચવવામાં આવ્યુ છે. સાથે જ 18 વર્ષથી ઉપરના તમામે આ રસી લેવી જ જોઈએ તે પણ રંગોળીમાં જોવા મળે છે. કોરોના સમયમાં હંમેશા બધાને આશ્વાશન આપતા શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે આ પહેલા પણ અનેક સરકારી અભિયાનમાં પ્રેરક રંગોળી દ્વારા જન જાગૃતિના સફળ પ્રયાસ કર્યા છે. જો આ રીતે દરેક લોકો એકબીજાને સમજાવે કે કોરોનાથી ડરવાની નહીં પરંતુ તેની સામે લડવાની જરૃર છે, તો ચોક્કસથી આ કપરો સમય પસાર થઇ જશે.
