ગીરગઢડાના થોરડી ગામે વ્યાજખોરના ત્રાસથી એક વિધવા મહીલાએ ઝેરી દવા પી આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં મહીલાને સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બાબતે પોલીસ મહીલાનુ નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
થોરડી ગામે રહેતી વિધવા મહીલા કુસુમબેન પુનાભાઇ વોરાના પતિ પુનાભાઈ વોરાએ અગાઉ દશેક વર્ષ પહેલા પોતાની ખેતીની જમીન સાડા સોળ વીઘા ઉપર લોન લીધી હતી. આ જમીન પર તાલાળા તાલુકાનાં આંકોલવાડી ગામે રહેતા અજય મેરામ મકવાણાને ગીરોખતથી રૂ. 30 લાખ 20 ટકા લેખે વ્યાજે લીધા હતા. આ રૂપિયા વ્યાજ સાથે અજય મકવાણાને આપી દીધા હતા. છતાં વ્યાજખોર અજય મકવાણા પોતાના પતિને ધાકધમકી આપી મરવા માટે મજબૂર કરતો હતો. અને બાદમાં મહિલાને પણ હેરાન કરતો હતો. તે સહન ન થતાં વિધવા મહિલાને પણ વ્યાજખોર દ્વારા ત્રાસ અપાતો હોવા અંગે અવારનવાર પોલીસમાં વ્યાજખોર સામે અરજી કરી હતી. છતાં કોઇ કાર્યવાહી ન થતાં અંતે કંટાળી જઇ મોત વ્હાલું કરવા એક પાનાની સુસાઈટ નોટ લખી ઝેરી દવા ગટગટાવી હતી.
ગંભીર રીતે બેભાન હાલતમાં તેણીને તાત્કાલીક સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદમાં વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર ચાલુ હોય અને આ બાબતે ગીરગઢડા પોલીસે મહિલાનુ નિવેદન નોધી વ્યાજખોરો વિરૂધ્ધ પોલીસે ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી હતી.
મહીલાએ લખેલ સુસાઈટ નોટ અનુસાર
જિંદગીમાં જીવવું કોને ગમતું નથી બધાને ગમે છે મારે પણ મરવું નહોતું પણ મને મરવા માટે મજબૂર કરનાર તાલાળા તાલુકાના આકોલવાડી ગામનો અજય મેરામ મકવાણા મને મરવા મજબૂર કરેલ છે. મારી ખેતીની જમીન સાડા 16 વીઘા જેના ઉપર ગીરોખતથી મારા પતિ પુનાભાઈ વોરા જીવતા હતા. તે સમયે રૂ.30 લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધેલ હતા. આ રૂપિયા વ્યાજ સાથે પરત આપેલ હોવા છતાં વ્યાજખોર અજય મેરામ મકવાણા એ મારા પતિને ધાકધમકી આપી મરવા માટે મજબૂર કર્યા હતા. અને આ જમીનનો ગીરોખતને બદલે વેચાણ દસ્તાવેજ કરી લીધા છે. મારા પતિના મૃત્યુ બાદ મને જમીનની જાણ થતા મારી જમીન પરત મેળવવા માટે અજય મેરામને ખૂબ આજીજી કરેલ તેમ છતાં આજ દિન સુધી મને દસ્તાવેજ કરી આપેલ નથી. અને મારી પાસેથી જમીનનો કબ્જો બળજબરી પૂર્વક જુટવી લઈ મને તથા મારા પરિવારને નોંધારા કરી અને આ અજય મેરામ એ અમારા પરિવાર ઉપર છેતરપિંડી કરી છે. મેં ન્યાય માટે સરકાર અને પોલીસ વિભાગને ખૂબ જ લેખિત અને રૂબરૂ અરજીઓ કરેલ તેમ છતાં મને ન્યાય મળેલ નથી. જેથી મારે આ અઘટીત પગલું લેવાની ફરજ પડી છે.
મારી જમીન ઉપર વ્યાજે લીધેલા પૈસા અમે લોકોએ સંપૂર્ણ ચૂકવી આપેલ છે. જેથી આવા વ્યાજખોર લોકો અમારા જેવા નોંધારા પરિવારને મરવા મજબૂર કરે છે. મારું મરવાનું કારણ માત્ર અજય મેરામ એ મારી સાડા સોળ વીઘા જમીન અને રૂ. 43 લાખ 50 હજાર આ બંને પચાવી પડેલ છે જેથી મને ન્યાય મળતો નથી. પરંતુ મારા મૃત્યુ બાદ આ સાડા સોળ વીઘા જમીન અજય પાસેથી મારા પુત્રને અપાવજો એવી મારી માંગણી છે. હું મરવા માંગતી ન હતી પરંતુ મને અજયએ મરવા મજબૂર કરેલ છે. જેથી આ વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થાય તોજ મારા આત્માને શાંતિ મળશે.. કુસુમબેન પુનાભાઈ વોરા…
