@ચિરાગ પંચાલ , અમદાવાદ
આમ આદમી પાર્ટી, આમતો દિલ્હીમાં કેજરીવાલની સરકાર બન્યા પછી આ પક્ષનું નામ સૌ કોઇ જાણતા થયા છે. પણ ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ધમાકેદાર એન્ટ્રી પછી તે વધારે ચર્ચામાં છે. કારણ કે મહાનગરપાલિકામાં ખાસ કરીને જે રીતે સુરતમાં પરિણામો જોવાયા છે તેનાથી ગુજરાતમાં ભવિષ્યને લઇને આમ આદમી પાર્ટીનો આત્મ વિશ્વાસ વધી ગયો છે. અને તેમાંય જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામોએ બળતામાં ઘી હોમ્યુ છે.

મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત ને તાલુકાપંચાયતની ચૂંટણીમાં જે પરિણામો સામે આવ્યા છે. તેમાં ભાજપને ભવ્ય જીત મળી છે તેમાં કોઇ બેમત નથી. પણ તેમાં કેટલાક સ્થળોએ જે રીતે આમ આદમીપાર્ટીએ એન્ટ્રી કરી છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે તે રાજકારણનું લેસન સાબિત થઇ શકે છે. ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ચૂકી છે. અને તેમાં ખાસ કરીને સુરતમાં આમ આદમી પાર્ટીએ અપેક્ષા કરતાં વધારે સારૂ પ્રદર્શન કર્યુ છે. તેને લઇને હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેજરીવાલના દિલ્હી મોડલને જીત તરીકે જોઇ રહી છે. અને આ પ્રદર્શન પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ભવિષ્ય પણ જોઇ રહી છે.

ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં ભલે ભાજપ વિજયોત્સવ મનાવી રહયુ છે. પણ એ વાત પણ ચોકકસ છે કે ગુજરાતમાં આપનો ગૃહપ્રવેશ થઇ ગયો છે. અને તેમાંય વળી જેવી તેવી રીતે નહી..પણ સુરત જે અત્યાર સુધી ભાજપનો ગઢ હતું. અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ પાટીલનું હોમટાઉન કહેવાય છે ત્યાં આમ આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું અને સીધું વિક્ષપનું સ્થાન લીધું. જે પાર્ટી ગુજરાતમાં અત્યાર સુધી કોઇ પિક્ચરમાં જ ન હતી તેનું ધમાકેદાર ટ્રેલર સુરતમાં જોવા મળ્યુ છે.

ગુજરાતની આ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ આગામી વિધાનસભાની ચૂંટણીઓને જોઇને એટલું મહત્વ આપ્યુ કે ખુદ ગૃહમંત્રી અમિતશાહ પોતાના પરિવાર સાથે મત આપવા પહોચ્યા હતા. પણ આ વખતે ચૂંટણીનો જંગ ભાજપ કે કોંગ્રેસ વચ્ચે નહી. પણ જાણે કે એવું લાગ્યું કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે થઇ ગયો. કારણ કે સુરતમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સપાટો બોલાવીને સીધા વિપક્ષની ભૂમિકામાં એન્ટ્રી મારી દીધી. જો કે કહેવા માટે તો આમ આદમી પાર્ટીની આ નાની જીત છે. પણ જો તેના રાજકીય સમીકરણો જોઇએ તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે મોટું એલાર્મ છે .

આમ તો ગુજરાતના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી કરવાની તૈયારી આમ આદમી પાર્ટી લાંબા સમયથી કરી રહી હતી. અત્યાર સુધીમાં ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે જઇને પ્રશ્રોને વાચા આપવાના કામ સાથે વિરોધપક્ષની ભૂમિકામાં ફીટ બેસવાના તમામ પ્રયત્નો કર્યા હતા. અને આ પ્રયાસોમાં આમ આદમી પાર્ટીને લોકોનો પ્રેમ પણ મળવા લાગ્યો હતો. એટલું જ નહી આ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ત્રણ ફોર્મયુલા એટલે કે કરપ્શન નહી., ક્રિમિનલ રેકોર્ડ નહી, અને શિક્ષિત ઉમેદવારો. આ ફોર્મુલાને લઇને છેલ્લા ઘણા સમયથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહયા હતા. સ્થાનિક સ્વરાજની એન્ટ્રી બાદ હવે આપ ગુજરાત વિધાનસભામાં એન્ટ્રી મારવાની તૈયારી કરી રહી છે.
લાંબા સમયથી વિરોધપક્ષની ભૂમિકામાં કામ પર્યા પછી હવે સત્તા પર નવા શિક્ષિત ચહેરાઓ અને નવા વિચારોની લીડરશીપ જોવા માંગતી આમ આદમી પાર્ટીહવે ગુજરાતમાં દીલ્હી મોડલ પર કામ કરી રહી છે. આમ આદમી પાર્ટીના વિઝન પર ગોપાલ ઇટાલીયા જણાવી ચૂકયા છે કે તેઓ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન સાથે લોકો માટે વિકલ્પ ઉભો કરવા માંગે છે. પણ શું ગુજરાતમાં કોઇ એવો ત્રીજો પક્ષ શક્ય છે. જે ભાજપ અને કોંગ્રેસને માત આપી શકે..,? આ એક ખુબજ રોચક પ્રશ્ન છે કે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સિવાય એકપણ બીજો પક્ષ કેમ નથી ચાલતો ? શું ગુજરાતની જનતાને ભાજપ અથવા કોંગ્રેસથી જનતા સંતુષ્ટ છે. એટલા માટે તેઓ માત્ર ભાજપ કે કોંગ્રેસની સાથે જવા માગે છે.

પણ વાત કરી એ ગુજરાતમાં નવા પક્ષની તો હાલમાં એક નામ ખૂબ ચર્ચામાં છે. અને તે છે આમ આદમી પાર્ટી..,શું લોકો આ વિકલ્પને નવો સતાધારી પક્ષ તરીકે મંજૂર કરશે ? હાલમાં મોટા ભાગની રાજનીતિ જમીન પરથી ઊઠીને એનાલિસિસ દ્વારા સતા કેવી રીતે મેળવાય તે શોધી રહી છે. પણ ચૂંટણીઓના પરિણામો કહે છે કે આમ આદમી પાર્ટી ગુજરાત માટે આવનારા સમયમાં લોકો માટે વિકલ્પ બની શકે છે. જે માત્ર વાતો કે ખોટો પ્રચાર કરી ને નહીં, પણ જમીની હકીકત દિલ્હી સરકાર, અરવિંદ કેજરીવાલના કામ અને નામ પર ગુજરાતમાં પોતાનો પગ પેસારો કરી શકે છે.
