Mahesana news: ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે એસીબી (ACB) સતત સકંજો કસી રહ્યું છે, ત્યારે મહેસાણામાંથી લાંચખોરીનો વધુ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં DILR ના સર્વેયરને ગાંધીનગર એસીબીની ટીમે છટકું ગોઠવીને રૂપિયા 70 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે.
DILR ના સર્વેયરે જમીન માપણી અને નકશા માટે માંગી હતી લાંચ
મળતી માહિતી મુજબ, અરજદારે પોતાની જમીનની માપણી કરાવવા અને તેનો સત્તાવાર નકશો બનાવી આપવા માટે DILR કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારનો સંપર્ક કર્યો હતો. આ કામ માટે DILRના સર્વેયર આશિષ પરમારે અરજદાર પાસે અધધ રૂપિયા 1,90,000 (એક લાખ નેવું હજાર)ની લાંચની માંગણી કરી હતી. જેમાંથી લાંચિયા સર્વેયર આશિષ પરમાર રૂપિયા 70 હજારની લાંચ લેતા જૂની કોર્ટ કેમ્પસમાંથી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી, તેમણે આ અંગે ગાંધીનગર એસીબી (ACB)નો સંપર્ક કર્યો હતો.
લાંચિયો DILR સર્વેયર રૂપિયા 70 હજારનો પહેલો હપ્તો લેતા જ ભેરવાયો
ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીની ટીમે મહેસાણાની જૂની કોર્ટ કેમ્પસમાં લાંચનું છટકું (Trap) ગોઠવ્યું હતું. સર્વેયર આશિષ પરમારે લાંચની કુલ રકમમાંથી 70 હજારનો પ્રથમ હપ્તો સ્વીકારવાનું નક્કી કર્યું હતું. જેવો જ આરોપી આશિષ પરમાર જૂની કોર્ટ કેમ્પસમાં અરજદાર પાસેથી રૂપિયા 70 હજારની રોકડા રકમ લેવા પહોંચ્યો અને નાણાં હાથમાં લીધા, કે તરત જ અગાઉથી વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.
એસીબીએ વધુ તપાસ હાથ ધરી
રંગેહાથ પકડાયેલા લાંચિયા સર્વેયર આશિષ પરમાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર એસીબી દ્વારા હાલ આરોપીની અટકાયત કરીને તેની ઓફિસ, રહેઠાણ અને મિલકતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દિવસદહાડે કોર્ટ કેમ્પસ જેવા જાહેર સ્થળે થયેલી આ કામગીરીથી મહેસાણાના સરકારી વિભાગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: સુરત મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયર સામે ACBનો કસાયો સકંજો: 69 લાખની અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ
આ પણ વાંચો: કલેક્ટર કચેરીમાં ACBની ટ્રેપ , DILRના સિનિયર સર્વેયર લાંચ લેતા ઝડપાયા , અતુલ વ્યાસ 1 લાખની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો: નવસારીમાં રૂ. 90ની લાંચ લેતા સ્ટેમ્પ વેન્ડર અને પત્ની ACBના છટકામાં ઝડપાયા
