Surat News : સુરતમાં સારોલીના કુંભારીયાની સારથી રેસિડન્સીમાં મોડલ સુખપ્રીત કૌરના આત્મહત્યા કેસમાં લિવ ઈન પાર્ટનર એવા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. મૃતકની બેગમાંથી પોલીસ અધિકારીને લખેલી અરજીમાં લિવ ઇન પાર્ટનર એવા પ્રેમી મહેન્દ્ર રાજપૂતના અમાનુષી અત્યાચાર અને બ્લેકમેઈલિંગથી કંટાળી મોડલ આપઘાત કરવા મજબૂર બની હોવાનું સામે આવ્યું હતું. મહેન્દ્રએ મોડલને સંબંધ તોડી નાંખવા બદલ હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ આપીને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરી હતી. સારોલી પોલીસે મહેન્દ્ર રાજપૂત સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. ત્યારે સારોલી પોલીસને આરોપીને ઝડપી પાડવામાં ચાર મહિને સફળતા મળી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશ શિવપુરાની વતની 19 વર્ષીય સુખપ્રીત કૌર વર્ષ પહેલાં મોડલિંગના કામ માટે સુરત આવી હતી. તેણી સારોલી કુંભારીયા ગામ પાસે સારથી રેસિડેન્સીમાં ફ્રેન્ડ્સ સાથે રહેતી હતી. બાદમાં સુખપ્રિતે 2 મે 2025ની રાત્રિએ ફ્લેટના રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક સુખપ્રીતનાં માતા-પિતાને જાણ થતા સુરત આવી પહોંચ્યા હતાં. જે બાદ સ્મીમેર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. સુખપ્રીત કૌરની ડેડબોડી મૃતકના પિતા લખવિંદરસિંહ બલવંતસિંહ (ઉ.વ. 58, રહે. શિવપુરી, મધ્યપ્રદેશ) અંતિમક્રિયા માટે વતન મધ્યપ્રદેશ લઇ ગયા હતા.
ફ્લેટમાં રહેલો તેનો સામાન પણ સાથે લઈ ગયા હતા. અંતિમક્રિયા બાદ તેમણે તેણીનો સામાન ચેક કર્યો હતો. બેગમાંથી સુખપ્રીત કૌરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી. પોલીસ અધિક્ષક, ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત (રહે. રેજન્ટ પ્લાઝા, ડિંડોલી) સામે ગંભીર આરોપ મૂક્યા હતા. જેમાં મહેન્દ્રએ મોડલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરવા ઉપરાંત હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામ પણ આપ્યા હતા. આ સાથે બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું.
આ અરજી પિતાએ સારોલી પોલીસને સોંપી હતી. મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હોવાનું પોલીસે જણાવ્યું હતું. જોકે તે પોલીસ સુધી પહોંચી ન હતી. આમ, લિવ ઇનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના બ્લેકમેઇલિંગથી અને માનસિક-શારીરિક અત્યાચારથી કંટાળીને મોડલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો. સારોલી પોલીસે સુખપ્રીત કૌરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂત (રહે. રેજન્ટ પ્લાઝા, ડિંડોલી) સામે દુષ્પ્રેરણા ગુનો નોંધ્યો હતો.મહેન્દ્રના ઘરે પોલીસે તપાસ કરતા તે ઘરને તાળુ મારી ભાગી છૂટયો હોવાનું જણાયું હતું.
પોલીસને આરોપીને ઝડપી પાડવામાં ચાર મહિને સફળતા મળી છે.હું સુખપ્રીત સંધુ, હું સુરતમાં મુખ્ય મોડલિંગ એજન્સીમાં મોડલ તરીકે કામ કરતી હતી, ત્યાં 6ઠ્ઠી ઓગસ્ટે મારી મુલાકાત એક છોકરા મહેન્દ્ર રાજપૂત સાથે થઈ. અમે સારાં મિત્રો બની ગયાં અને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યાં. લગભગ એક મહિના પછી તેણે મને ત્રાસ આપવાનું શરૂ કર્યું, હું તેનાથી નારાજ થઈ ગઈ અને તેને છોડી દીધો, પરંતુ તે મને સતત બ્લેકમેલ કરતો હતો કે મારા અંગત ફોટો ઇન્ટરનેટ પર અપલોડ કરીશ.
જાનથી મારી નાખવાની ધમકીઓ, અપશબ્દો વગેરે અને આ બહાને તે મને બ્લેકમેઇલ કરતો રહ્યો. 19 ડિસેમ્બરના રોજ તેણે મને તેના ફ્લેટમાં બોલાવી અને મને એક દિવસ સુધી ગોંધી રાખી અને મારા હાથ, પગમાં બ્લેડના ઘા માર્યા અને મારપીટ કરી હતી. મારા પગમાં ડામ આપ્યા હતા. હું ત્યાંથી ભાગીને મારા ઘરે આવી હતી. આ બધા પછી તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ અને તારા અંગત ફોટો ઈન્ટરનેટ પર અપલોડ કરી દઇશ. તેણે મને આત્મહત્યા કરવા માટે પણ ઉશ્કેરી હતી.
19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌર મધ્યપ્રદેશના શિવપુરી ખાતે રહેતી હતી અને એપ્રિલના અંતમાં સુરત આવી હતી. સુરતમાં સારોલી વિસ્તારમાં આવેલા કુંભારિયા ગામના સારથિ કોમ્પ્લેક્સના એક રૂમમાં પોતાની ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી. સુખપ્રીત કૌરે ગત 2 મે, 2025ના રોજ ઘરમાં એકલી હતી, સુકતમાં તે મોડલિંગ માટે આવી હતી. બાદમાં સુખપ્રીત કૌરે પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોતાની બહેનપણીઓ જ્યારે રૂમ પર આવી ત્યારે સુખપ્રીતે દરવાજો નહીં ખોલતાં તેમણે પાડોશીઓને બોલાવી દરવાજો તોડ્યો હતો.
દરમિયાન સુખપ્રીત લટકતી હાલતમાં જોવા મળી હતી.ઘટના બન્યા બાદ તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવતાં સારોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરતા મૃતકના રૂમમાંથી સુસાઇડ નોટ કે અન્ય કોઈ પુરાવા મળ્યા નહોતા. સુખપ્રીતના આપઘાતને પગલે મધ્યપ્રદેશના શિવપુરી રહેતા તેમના પિતાને જાણ કરવામાં આવી હતી. તેઓ તાત્કાલિક સુરત આવ્યા હતા. પરિવારે આપઘાત પગલે શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ લિવ ઇનમાં રહેતા પ્રેમી મહેન્દ્ર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને ચાર મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ
આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત
