ગર્ભપાત કરાવવું એ ગુનો છે અને તે ગુનામાં કોઈ પણ વ્યક્તિ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જોડાય તો તે પણ કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર સાબિત થાય છે. આવી ગુનેગાર વ્યક્તિને કડકમાં કડક સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવતી હોય છે. પરંતુ, ઘણી વાર પુરાવાના અભાવને કારણે આવી વ્યક્તિઓ નિર્દોષ છૂટી જતી હોય છે.
તાજેતરમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો જેમાં જામનગરના જોલી બંગલા વિસ્તાર પાસેથી બાર વર્ષ પહેલાં એક તાજું જ જન્મેલું પરંતુ મૃત્યુ પામેલું એક બાળક મળી આવ્યું હતું. તે બાળકને જન્મ આપી આ બાબત છૂપાવી હોવાનો અને તે મહિલાને ડિલેવરી કરાવનાર નર્સ સામે મદદગારીનો ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં નર્સનો અદાલતમાં છૂટકારો થયો છે.
જામનગરના લાખોટા મિગ કોલોની વિસ્તારથી જોલી બંગલા બાજુના રોડ પરથી ગઈ તા. ૧૨-૧૨- ૨૦૦૯ના દિને એક નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેની પોલીસને જાણ થતાં તે બાળકને જન્મ આપી તેને છુપાવનાર મહિલા તેમજ સુવાવડ કરાવનાર નર્સ દયાબેન ઉર્ફે દિવ્યાબેન શામજીભાઈ જોશી સામે આઇપીસી ૩૧૮, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધાયો હતો.
તે કેસ ચાલવા પર આવતા નર્સ તરફથી હાજર થયેલા વકીલે દલીલ કરી હતી કે, તે રોડ પર ઘણી હોસ્પિટલ આવેલી છે અને ત્યાં સતત લોકોની અવરજવર રહે છે તેથી આ કૃત્ય કોનું છે તે શંકાસ્પદ છે. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નર્સનો છુટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ મનોજ ઝવેરી રોકાયા હતા.
