સાઉથ આફ્રિકાએ સેન્ટ લ્યુસિયામાં બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 158 રને કરારી હાર આપી છે. 2-ટેસ્ટની શ્રેણી માં 2-0થી સાઉથ આફ્રિકાએ કબજે કરી છે. મેચ દરમિયાન આખી કેરેબિયન ટીમ દક્ષિણ આફ્રિકાના બોલરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. કાગિસો રબાડાએ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચમાં સારી બોલિંગ કરતા તેણે 5 વિકેટ ઝડપી હતી. આ ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને ઇનિંગ્સ અને 63 રનથી હરાવ્યું હતું.
બીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે રમતના દરેક ક્ષેત્રમાં કેરેબિયન ટીમને પરાજિત કરી હતી. આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સમાં 298 રન બનાવ્યા હતા. જયારે, વેસ્ટ ઇન્ડીઝની ટીમ તેની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 149 રન બનાવી શકી હતી. આ પછી દક્ષિણ આફ્રિકા તેની બીજી ઇનિંગ્સમાં સારૂ પ્રદર્શન કરી શક્યું નહીં અને આખી ટીમ 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડીઝ તરફથી ઘણી અપેક્ષાઓ હતી અને માનવામાં આવી રહ્યું છે કે કેરેબિયન ટીમ બદલો લેશે. પરંતુ આવું થઈ શક્યું નહીં.
વેસ્ટ ઇન્ડીઝને ટેસ્ટ મેચ જીતવા 324 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરતાં કેરેબિયન ટીમની શરૂઆત સારી નહોતી અને પ્રથમ વિકેટ 16 રનમાં પડી હતી. ક્રેગ બ્રેથવેટ 6 રન બનાવીને રવાના થયો હતો. કિઅરન પોવેલ ચોક્કસપણે સંઘર્ષ કરી રહ્યો હતો અને તેણે 51 રન બનાવ્યા હતા. જો કાયલ મેયર્સને મધ્યમ ક્રમમાં છોડી દેવામાં આવે તો કોઈ પણ બેટ્સમેન વધુ સમય ટકી શકયો નહીં. મેયરે 35 રન બનાવ્યા.
વેસ્ટ ઇન્ડીઝનો કોઈ પણ બેટ્સમેન દક્ષિણ આફ્રિકાના બોલરોની બોલિંગ સામે ટકી શકયા નહી . કાગિસો રબાડાએ ઘાતક બોલિંગ કરી અને પ્રથમ ત્રણ વિકેટ ખેરવી હતી જેના કારણે કેરેબિયન ટીમ મેચમાં પરત ફરી શકી ન હતી. બાદમાં કેશવ મહારાજે સારી બોલિંગ કરીને હેટ્રિક લઇને 5 વિકેટ લીધી હતી. જ્યારે એક વિકેટ લુંગી એનગિડીને લીધી હતી. આ રીતે વેસ્ટ ઇન્ડીઝની ટીમ બીજી ઇનિંગમાં 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં પાંચ વિકેટ લેનાર કાસિગો રબાડાને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, આખી શ્રેણીમાં રન બનાવનાર ક્વિન્ટન ડી કોકને મેન ઓફ ધ સીરિઝનો ખિતાબ મળ્યો હતો.
