Gujarat News : સરકારે મગફળી બાદ કપાસની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.બીજીતરફ છેલ્લા 10 દિવસથી સર્વર ઠપ્પ થઇ જતા CCI દ્વારા કપાસની ખરીદી બંધ કરવામાં આવી હતી, જેને પગલે ખેડૂતોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દરમિયાન, હવે આજથી (21 ફેબ્રુઆરી) ફરી સર્વર શરૂ થઇ જતા CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં CCI દ્વારા 6 જગ્યા ઉપર ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવી રહી છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસથી CCI દ્વારા કપાસની ખરીદી બંધ હોવા પાછળનું કારણ સર્વરમાં ટેક્નિકલ પ્રોબ્લેમ હતી. સર્વર ઠપ્પ થઇ જવાના કારણે CCI દ્વારા ખરીદી કરવામાં આવી શકતી નહોતી. જો કે, આજથી ફરી સર્વર પ્રોબ્લેમ સોલ્વ થઇ જતા ફરી રાબેતા મુજબ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. 70% જેટલી ખરીદી CCI દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને 15 માર્ચ સુધી ખરીદી ચાલુ રહેવાની હોવાથી બાકીની ખરીદી આ સમય દરમિયાન પૂર્ણ કરી દેવામાં આવશે.તેમને વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 1494 રૂપિયાના મહત્તમ ભાવથી કપાસની ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવી રહી છે.
ખેડૂતોએ ગભરાવવાની જરૂર નથી તમામ આગામી 15 માર્ચ સુધીમાં 100% ખરીદી પૂર્ણ કરી દેવામાં આવશે. આજથી ફરી ખરીદી શરૂ થઇ જતા રાજકોટના અલગ અલગ 6 કેન્દ્રો ઉપર જે ખરીદી CCI દ્વારા કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ પહોંચી અને કપાસનું વેચાણ કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, CCI કેન્દ્ર પર ખરીદી બંધ થતા ખેડૂતો 10 દિવસ સુધી કપાસ ફરજિયાત પણે ખુલા બજારમાં ઓછા ભાવે પણ વેચવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
થોડા સમય પહેલા રાજ્યભરમાં મગફળીની ખરીદીમાં બાબુઓની લાલિયા વાડીના આક્ષેપો ખુદ ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડણીએ કર્યા હતા. પરંતુ સરકાર તરફથી કોઈ દરકાર લેવામાં ન આવતા 10 દિવસ સુધી કપાસની ખરીદીમાં પણ ખેડૂતો અધિકારી ભરોશે મુકાયા હતા. જો કે, હવે ખરીદી આજથી જ શરૂ થતા ફરી સર્વર ઠપ્પ ન થાય તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું, ધારાસભ્ય રમણલાલ વોરા નકલી ખેડૂતના નામે જમીન ખરીદી મામલે
આ પણ વાંચો: સાબરકાંઠામાં આશાપુરા મેડીકલ એજન્સી નકલી દવા મામલે માલિક સામે નોંધ્યો ગુનો
આ પણ વાંચો: સાબરકાંઠા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગને ખુલ્લો પડકાર આપનાર ખનન માફીયાઓ બેફામ…
