Ahmedabad News : દુનિયાભરમાં માઇક્રોસોફ્ટ કંપનીનું સર્વર ઠપ થતાં એરલાઈન્સની કામગીરીને અસર જોવા મળી રહી છે. જેના કારણે એરલાઈન્સનું બુકિંગ તેમજ ચેક ઇનમાં પણ વિલંબ થતાં વિવિધ એરલાઇન્સ દ્વારા પોતાના મુસાફરો માટે અડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા પણ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેથી કોઇ મુસાફરો પરેશાન ન થાય. માઇક્રોસોફ્ટને કારણે સૌથી વધુ દેશના મુખ્ય એરપોર્ટ એટલે કે દિલ્હી અને મુંબઇથી ટેક ઓફ થતી ફ્લાઇટ અને ત્યાં લેન્ડિંગ કરતી ફ્લાઈટને અસર થઈ રહી છે. તથા તેના કારણે અમદાવાદ એરપોર્ટને પણ માઇક્રોસોફ્ટના ટેકનિકલ ખામીની અસર થઈ છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર અવર જવર કરતી ઇન્ડિગો એરલાઇન્સની 9થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. હૈદરાબાદ, મુંબઇ બેંગ્લોર, પટના, ગોવા ચંદીગઢની ફ્લાઇટને અસર જોવા મળી રહી છે.
માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામી હોવાથી મુસાફરો પરેશાન થયા અનેક મુસાફરોને ટિકિટ બુક થઈ રહી નથી. ત્યારે અમદાવાદથી દિલ્હી જઈ રહેલા ઇન્ડિગો એરલાઇન્સના મુસાફર પરેશાન થયા છે. તેમને તાત્કાલિક પણે દિલ્હી જવાનું હોવાથી તેવું એરપોર્ટ પહોંચ્યા છે, પરંતુ અહીંયાથી ફ્લાઇટ બુકિંગ થઈ રહી નથી.ફ્લાઈટ કેન્સલ થઈ છે. પરંતુ મુસાફરોને તે માટે કોઈ અપડેટ આપવા મેસેજ જઈ રહ્યા નથી તેથી મુસાફરો એરપોર્ટ પહોંચી રહ્યા છે અને ફ્લાઈટ રદ થતાં પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ભરત સોની નામના રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની અમદાવાદથી ભુવનેશ્વર જઈ રહ્યા હતા, પરંતુ તેમની ફ્લાઈટ રદ થઈ છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દિવસ દરમિયાન લગભગ 200થી 250 ફ્લાઈટની અવરજવર રહે છે. ત્યારે આજે માઇક્રોસોફ્ટમાં ટેકનિકલ ખામીને કારણે ફ્લાઈટને ટેક ઓફ ભરવામાં અથવા લેન્ડિંગ કરવામાં વિલંબ થઈ શકે છે. તેમાં પણ ખાસ કરીને પેસેન્જર માટે ચેક ઇનમાં વિલંબ થઈ શકે છે. જેથી અમદાવાદ એરપોર્ટ દ્વારા મેન્યુઅ ચેક ઇનની શરૂઆત કરવામાં આવી છે. જેથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં વિલંબ ના થાય અને એરપોર્ટ ઉપર મુસાફરોનો જમાવડો ન થયા તે માટે ઝડપથી પગલાં લેવામાં આવ્યા છે. આ માટે ઇન્ડિગો એરલાઈન્સ, અકાસા એરલાઈન્સ, વિસ્તારા એરલાઇન્સ તરફથી પોતાના મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ફક્ત અમદાવાદની એરલાઇન્સ દ્વારા જ નહીં પરંતુ દેશના વિવિધ મુખ્ય એરપોર્ટ દ્વારા પણ એડવાઈઝરી જાહેર કરીને મુસાફરોને માહિતગાર કરવામાં આવ્યા છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફથી પણ પોતાના મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક ITમાં ટેકનિકલ ક્ષતિને કારણે કામગીરીને અસર થઈ છે. દેશભરમાં ફ્લાઈટ્સ પર અસર પડી છે. આ સમય દરમિયાન બુકિંગ, ચેક ઇન, બોર્ડિંગ પાસ અને ફ્લાઈટના એક્સેસને અસર થવાની શક્યતા છે. અમદાવાદ એરપોર્ટ કામગીરીનું સંચાલન કરવા અને વિલંબ ઘટાડવા માટે એરલાઈન્સ સાથે સહયોગ કરી રહ્યા છે. કૃપા કરીને માહિતી માટે તમારી સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરો. ધૈર્ય રાખવા બદલ આભાર.ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે મુંબઈમાં અત્યંત ભારે વરસાદને કારણે ફ્લાઇટ ઓપરેશનને અસર થઈ હતી. જેને કારણે મુંબઈથી ટેક ઓફ કરતી અને મુંબઈ લેન્ડિંગ કરતી ફ્લાઈટ વિલંબિત થઈ હતી. ત્યારે અમદાવાદથી પણ મુંબઈ જતી કેટલીક ફ્લાઈટને વાતાવરણની અસર થઈ હતી. જ્યારે આજે માઇક્રોસોફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ વિલંબિત થવાની શક્યતા છે. મહત્વનું છે કે, મુંબઈ અને દિલ્હી એરપોર્ટથી દેશભરમાં સૌથી વધુ ફ્લાઈટ ઉડાન ભરે છે. ત્યારે ટેકનિકલ ક્ષતિને કારણે ફ્લાઈટમાં મુસાફરોનું ચેક ઇન અને બોર્ડિંગ વિલંબિત થઈ શકે છે તેથી ફ્લાઇટ ઉડાન ભરવામાં વિંબલ થઈ શકે છે.
માઈક્રોસોફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને હેન્ડ રિટર્ન બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યો છે, ત્યારે હૈદરાબાદ એરપોર્ટ પર આ પ્રકારની ઘટના બનતા એક મુસાફરે ટ્વિટર ઉપર હેન્ડ રિટર્ન બોર્ડિંગ પાસનો ફોટો અપલોડ કરીને જણાવ્યું હતું કે, જીવનમાં પહેલી વખત હવાઈ મુસાફરી માટે હેન્ડ રિટન બોર્ડિંગ પાસ મેળવ્યો છે.
આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોના હિતાર્થે રૂ.50કરોડની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકાઈ
આ પણ વાંચો: જૂનાગઢમાં તંત્રએ આપ્યું એલર્ટ; પોરબંદર, દ્વારકામાં વરસાદે વિનાશ વેર્યો
