Ahmedabad News/ AMCની હોસ્પિટલોમાં હવે ડૉક્ટરોએ દિવસમાં ત્રણ વખત બાયોમેટ્રિક હાજરી પૂરવી પડશે, ગેરહાજરીની ફરિયાદો બાદ નવો આદેશ

અમદાવાદ AMC સંચાલિત SVP, LG, શારદાબેન અને નગરી હોસ્પિટલોમાં ડૉક્ટરોની ગેરહાજરીની ફરિયાદો બાદ સવારે 9, બપોરે 2 અને સાંજે 5 વાગ્યે બાયોમેટ્રિક હાજરી ફરજિયાત (AMC Hospitals), સુપ્રિટેન્ડેન્ટે રોજનો રિપોર્ટ આપવો પડશે

Gujarat Top Stories Ahmedabad Breaking News
AMC

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત હોસ્પિટલોમાં ડૉક્ટરો ફરજ દરમિયાન ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ તંત્રએ હાજરીની વ્યવસ્થા કડક બનાવી છે. હવેથી ડૉક્ટરોએ દિવસમાં ત્રણ વખત, સવારે 9, બપોરે 2 અને સાંજે 5 વાગ્યે, બાયોમેટ્રિક હાજરી નોંધાવવી ફરજિયાત રહેશે. અત્યાર સુધી માત્ર બે વખત હાજરી લેવાતી હતી.

AMC: સવાર-સાંજ વચ્ચેના સમયમાં ગેરહાજરીની ફરિયાદો

SVP,એલ.જી.હોસ્પિટલ, (LG Hospital) શારદાબેન અને નગરી સહિતની કોર્પોરેશનની હોસ્પિટલોમાં ડૉક્ટરોની હાજરી (Attendance)અંગે લાંબા સમયથી ફરિયાદો મળતી હતી. જૂની વ્યવસ્થામાં ડૉક્ટરો સવારે આવીને અને સાંજે જતી વખતે એમ બે જ વાર પંચિંગ કરતા હતા. બંને વચ્ચેના સમયમાં તેઓ હોસ્પિટલમાં હાજર છે કે નહીં તેની કોઈ ચકાસણી થતી નહોતી. પરિણામે હાજરી પૂરીને બહાર જઈ ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની રજૂઆતો તંત્ર સુધી પહોંચી હતી.

બપોરે 2 વાગ્યાનું પંચિંગ ઉમેરાયું

આ મુદ્દો મ્યુનિસિપલ કમિશનરના ધ્યાને આવતા હાજરીની પદ્ધતિ બદલવાનો નિર્ણય લેવાયો છે. તમામ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોના સુપ્રિટેન્ડેન્ટને સર્ક્યુલર મોકલી નવી વ્યવસ્થા લાગુ કરવા સૂચના અપાઈ છે. હવે બપોરે 2 વાગ્યે પણ બાયોમેટ્રિક પંચિંગ કરવું પડશે, જેથી દિવસના મધ્યભાગમાં ડૉક્ટરોની હાજરીનો રેકોર્ડ મળી શકશે.

સુપ્રિટેન્ડેન્ટે ડેપ્યુટી કમિશનરને રોજનો રિપોર્ટ આપવો પડશે

નવી વ્યવસ્થામાં દેખરેખની જવાબદારી પણ નક્કી કરાઈ છે. દરેક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે ડૉક્ટરોની દૈનિક બાયોમેટ્રિક  (Biometric) હાજરીનો રિપોર્ટ તૈયાર કરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો રહેશે. આ રિપોર્ટની સમીક્ષા મ્યુનિસિપલ કમિશનર કરશે, જેથી હાજરીની માહિતી નિયમિત રીતે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચશે.

ઓપરેશનમાં વ્યસ્ત ડૉક્ટરોને છૂટ

એક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે ડૉક્ટરોની ગેરહાજરી અંગે તેમને અને મ્યુનિસિપલ કમિશનરને અનેક ફરિયાદો મળી હતી, તેના આધારે તમામ હોસ્પિટલોને પત્ર મોકલાયો છે. જોકે, નિર્ધારિત સમયે કોઈ ડૉક્ટર ઓપરેશનમાં વ્યસ્ત હોય તો કામગીરી પૂરી થયા બાદ હાજરી નોંધાવવાની છૂટ અપાઈ છે.


આ પણ વાંચો: નિકોલમાં ફટાકડાના સ્ટોલમાં આગ બાદ AMC કમિશનરનો આદેશ, 2 દિવસમાં પોલીસ ફરિયાદ

આ પણ વાંચો: ડ્રગ્સ કેસના આરોપીઓના 3 ગેરકાયદે મકાનો પર બુલડોઝર, AMC-પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો: ચાલુ લાઇટ પોલની બાજુમાં નવા પોલ, AMCના આયોજન સામે સવાલ