@ ભાવિની વસાણી, મંતવ્ય ન્યૂઝ – રાજકોટ
23 તારીખથી શાળાઓ ફરી શરુ ન કરવાનાં સરકારના નિર્ણયથી ફક્ત શાળાઓને જ નહીં, પરંતુ વાલીઓને પણ હાશકારો અનુભવાયો છે. આમ તો શાળાઓ ખોલવા શાળા સંચાલકોની પૂરતી તૈયારી હતી, પરંતુ સરકારના નિર્ણયને ગુજરાતભરનાં શાળા સંચાલકો દ્વારા આવકારવામાં આવ્યો છે. જો કે, હાલના કોરોનાકાળમાં શાળાઓ ફરી નજીકના ભવિષ્યમાં પણ ન ખોલવાની તરફેણમાં વાલી મંડળ તેમજ તજજ્ઞો જોવામાં આવી રહ્યા છે.
કોરોના વકરવાની પરિસ્થિતિની વચ્ચે શુક્રવાર રાતથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી એટલે કે આજે રાતથી સોમવાર સુધી 57 કલાકનો કરફ્યું અમદાવાદમાં લાગુ કરવામાં આવ્યો છે. તેની વચ્ચે ગઈકાલે રાત્રે 23મીથી શાળા-કોલેજો શરૂ કરવાનો પહેલા જાહેર કરવામાં આવેલ નિર્ણય સરકારે મોકૂફ રાખતા વાલીઓના જીવમાં જીવ આવ્યો છે.

વાલીઓ માટે લડત ચલાવતી સંસ્થાઓ, શિક્ષણવિદો અને મનોચિકિત્સકોએ સરકારના નિર્ણયને એક અવાજે વધાવી લીધો છે. સરકાર દ્વારા શાળા-કોલેજો શરૂ કરવાની જાહેરાત થઈ, ત્યારથી જ વાલીઓમાં ચિંતા તેમજ આક્રોશ જોવા મળી રહ્યા હતા. દેશના કેટલાંક રાજ્યોમાં શાળા-કોલેજ ખોલવામાં આવ્યા બાદ ગુજરાતમાં પણ તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ જે રાજ્યોએ શાળા-કોલેજો ખોલી ત્યારબાદ બાળકો તેમજ શિક્ષકો બહોળી સંખ્યામાં સંક્રમિત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.
તમિલનાડુમાં 16 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાના નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યા બાદ ગુજરાતમાં પણ આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે, અગાઉની જેમ સરકાર શાળા ખોલવા અંગેના નિર્ણય માટે ફરી એક વખત યુ ટર્ન લેતા તમામ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોનાના મામલે વર્તમાન પરિસ્થિતિ માટે આમ જનતાની જાગૃતિનો અભાવ ઉપરાંત સરકારની ઢીલી નિર્ણયશક્તિ પણ જવાબદાર હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. તજજ્ઞો તેમજ વાલી મંડળે સરકારના વર્તમાન નિર્ણયને આવકારવાની સાથે નજીકના ભવિષ્યમાં સ્કૂલો ખોલવી કે કેમ તે અંગે “મંતવ્ય” સાથેની ચર્ચામાં પોતાના અભિપ્રાયો રજૂ કર્યા છે.

આ પણ વાંચો – Corona Guidelines / લાગે છે ફરી એક વખત કોરોનાની માર્ગદર્શીકા યાદ અપાવવાનો સમય આવ…
વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય એ વાલી મહામંડળનો વિજય : હિંમતભાઈ લાબડીયા
(રાજકોટ શહેર જિલ્લા વાલી મંડળ પ્રમુખ )
શાળાઓ ખુલ્યા બાદ બાળકોના જીવનું જોખમ ઉપરાંત કોરોના ફેલાવવાની પુરતી શક્યતા જણાઈ રહી હતી, તેની વચ્ચે રાજકોટ વાલી મહામંડળ દ્વારા શરૂઆતથી જ શિક્ષણ મંત્રીને લાલ બત્તી દર્શાવવાની સાથે કેટલાક સાવચેતીના પગલાં ભરવા તેમજ શાળાઓ પૂરી જવાબદારી લેવા તૈયાર હોય તો જ શાળાઓ ખોલવાનો નિર્ણય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. જેની વચ્ચે વાલીઓ પાસેથી પત્ર દ્વારા સંમતિની સાથે શાળા ખોલવાનો નિર્ણય લેવાનો હતો. પરંતુ અમે વિદ્યાર્થીઓને ડેથ સર્ટી લેવા માટે શાળાએ મોકલવા માગતા ન હતા. આ માટે અમે ઉચ્ચકક્ષાએ ઝુંબેશ ચલાવી હતી. અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાક સ્થળો પર કોરોનાની સ્થિતિ વણસવાના કારણે સરકારે નિર્ણય મોકૂફ રાખ્યો છે. આ નિર્ણયથી અમે ખુશ છીએ. આ નિર્ણય એ વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો છે જે વાલી મંડળનો વિજય છે.
માત્ર શાળા સંચાલકોની તરફેણમાં શાળાઓ ન ખોલવી જોઈએ : અલ્પેશ વેકરીયા
(જાગો ભારત-અધ્યક્ષ)
સરકારના નિર્ણયને વાલીઓ અને વાલી મંડળ વધાવે છે, પરંતુ સરકારે નિર્ણય ખૂબ મોડો લીધો છે, સૌપ્રથમ તો સ્કૂલ ખોલવાની જાહેરાત જ કરવાની જરૂર જ નહોતી. કોરોનાને લઈને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તે બધાને ખબર છે. કોરોના ગયો નથી વેક્સિન પણ શોધાઈ નથી ત્યારે માત્ર શાળાઓ સંચાલકોની તરફેણમાં શાળાઓ ન ખોલવી જોઇએ. સરકારી ઓફિસો એટલે સુધી કે કોર્ટમાં પણ કોરોનાના કારણે પ્રિકોશન રાખવામાં આવી રહ્યા છે, વીડિયો કોન્ફરન્સથી કામગીરી થઇ રહી છે ત્યારે બાળકો માટે શા માટે સાવચેતી ન રાખવી ? બાળકો પરિવાર સાથે ફરવા ગયા હોય તેની સરખામણી શાળાઓ સાથે ન થાય, ફરવાનું ક્યારેક હોય જ્યારે શાળાએ જવું એ રોજનો પ્રશ્ન છે. બાળકોને કોરોનાની અસર ભલે ઓછી થતી હોય પરંતુ સમાજમાં જાય ત્યારે સુપર સ્પ્રેડર બની શકે છે.
આ પણ વાંચો – Curfew / અમદાવાદમાં કરફ્યું જાહેર, રાજકોટ માટે નિર્ણય વિચારાધીન ̵…
વેક્સિન ન શોધાય ત્યાં સુધી શાળાઓ ખોલવી જોઇએ નહીં : ગિજુભાઈ ભરાડ (શિક્ષણવિદ)
આ શૈક્ષણિક વર્ષના પ્રારંભમાં જ મેં જણાવ્યું હતું કે આ વર્ષે સ્કૂલો ન ખુલે તો સારું, એક વર્ષ વિદ્યાર્થીઓ ન ભણે તો કશું ખાટા અને મોડું થવાનું નથી. શાળાઓ બંધ રાખવાની જાહેરાત પ્રથમથી જ કરી દેવાની જરૂરિયાત હતી. ભલે ચારે તરફ ટોળા થાય, પરંતુ સ્કૂલમાં ટોળા થશે, તે ચલાવી નહીં શકાય. મોટા વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલે તો કદાચ વાંધો ન આવે. શાળાઓ બંધ રાખવામાં આવે અને જો પરીક્ષા લેવાના હોય, તો વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાત પ્રમાણે સ્કૂલમાં માર્ગદર્શન આપી શકાય. કારણ કે ઓનલાઈન એજ્યુકેશનમાં પણ નેટવર્ક દર વખતે સાથ આપતું નથી. કદાચ એક વર્ષ શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવે તો પણ ખોટું નથી. સરકાર સંજોગોને આધિન નિર્ણય લઇ રહી હોય કદાચ નિર્ણય લેવામાં ઢીલ કરી રહી છે. હજુ બે-ત્રણ મહિના કોરોના જવાની શક્યતા દેખાતી નથી, ત્યારે ફેબ્રુઆરીમાં શાળાઓ શરૂ કરે તો પણ પરીક્ષા કઈ રીતે લેવી ? તેના કરતાં જુન થી જ શાળાઓ ખોલવી જોઇએ. રાજ્ય સરકાર દ્વારા પરિસ્થિતિને અનુરૂપ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા છે તે યોગ્ય છે અને તેનો અસ્વીકાર વિદ્યાર્થીઓને કરવો પડે તેમ છે. દેશના કેટલાક રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ શાળાઓ ખુલ્યા બાદ કોરોનાની પરિસ્થિતિ વણસી છે. તેઓનું જોઈને સરકાર દ્વારા યથા યોગ્ય નિર્ણય લેવામાં આવે તે આવકાર્ય છે. જ્યાં સુધી વેક્સિન ન શોધાય અને પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી શાળાઓ ખોલવી જોઇએ નહીં.
શાળાઓ ખોલવા પૂરતી તૈયારી હતી, પરંતુ સરકારનો નિર્ણય શિરોમાન્ય : ડી.વી.મહેતા
( સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત એડવાઈઝર)
અમે તો શાળાઓ ખોલવાની બધી જ તૈયારીઓ કરી લીધી હતી. શાળાઓ ખોલવાની હતી પરંતુ શાળાએ જવું કે નહીં તે સ્વૈચ્છિક નિર્ણય વિદ્યાર્થીઓએ તેમજ વાલીઓએ કરવાનો હતો ત્યારે સરકારે નિર્ણયમાં ફેરફાર કરવાની જરૂરિયાત ન હતી. તેના સ્થાને સાવચેતી વધારવાની જરૂરિયાત હતી. રાજકોટ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા ઝોન વાઇઝ કંટ્રોલ રૂમ તેમજ મીટીંગ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા તેમજ દરેક સ્કૂલની પોતાની એસઓપી તૈયાર કરવામાં આવી હતી. કોર્પોરેશન સાથે ઝોન વાઇઝ ટાઇઅપ કરવામાં આવ્યું હતું, તેમજ પબ્લિક હેલ્થ સેન્ટરનો સંપર્ક સતત થઈ શકે તથા 104ની સેવા પણ મળી રહે તે પ્રકારના પ્રબંધ ગોઠવવામાં આવ્યા હતા. હાલની પરિસ્થિતિ જોતા સરકારે નિર્ણય મુલતવી રાખ્યો છે તેમાં સરકારનો વાંક નથી. અમે વિદ્યાર્થીઓની સુવિધા માટે શાળાઓ ખોલવાના હતા અને ૫૦ ટકા કરતા વાલીઓના સંમતિપત્ર અમને મળી ચૂક્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશનથી કંટાળ્યા હતા અને પ્રત્યક્ષ માર્ગદર્શન માટે વાલીઓ ભલામણ કરી રહ્યા હતા. બાળકોને સંક્રમણની શક્યતા ઓછી હોય છે એ ઉપરાંત અમે તેમના માટે ફાયર ફાઈટર બનવા સુધીની તૈયારી કરી લીધી હતી. પરંતુ સરકારનો નિર્ણય શિરોમાન્ય છે.

આ પણ વાંચો – Virus / કોરોના હાહાકાર વચ્ચે ચૈપરે વાયરસનાં કહેરની આશંકા, જાણો શું છ…
સરકારના બદલાતા નિર્ણયથી કેટલાક વિદ્યાર્થીઓમાં ભય : પ્રતીક્ષા રાજાણી
(બાળ મનોચિકિત્સક)
વર્તમાન પરિસ્થિતિ જોતાં એકંદરે સ્કૂલ ન ખુલે તેજ વિદ્યાર્થીઓના તેમજ સમાજના હિતમાં છે. વિજ્ઞાન જણાવે છે કે બાળકોને કોરોનાની અસર ઓછી થાય છે પરંતુ જ્યારે વિદ્યાર્થી કોરોનાના લક્ષણ સાથે સમાજમાં જશે ત્યારે તે સુપર સ્પ્રેડર સાબિત થશે. કેટલાક વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે ભણાવી અને થાક્યા છે, જેથી તેઓ શિક્ષકોને એક બે કલાક શાળાએ બોલાવવા માટે વિનંતી કરતા હોય છે. જ્યારે બાળકને ઓનલાઇન એજ્યુકેશનમાં પ્રત્યક્ષ માર્ગર્શનની તેમજ હૂંફની ઉણપ લાગે છે આ ઉપરાંત કારકિર્દીને પ્રાધાન્ય આપતા સાયન્સના તેમજ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં સરકારના વારંવાર નિર્ણય બદલવાના કારણે વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળે છે. તેઓને સતત ચિંતા રહે છે કે સરકાર શું નિર્ણય લેશે ? પરંતુ અમારે એક જ સલાહ આપવાની હોય છે કે આ મહામારી પ્રથમ વખત જોવા મળી છે, તમને એકને તેની અસર થઇ રહી નથી સમગ્ર સમાજ પર અસર થઇ રહી છે ત્યારે સરકાર તેમની જગ્યા પર યથાયોગ્ય નિર્ણય જ લેશે.
