Ahmedabad News: અમદાવાદની ચાર સ્કૂલો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી (Ahmedabad Bomb Threat) મળતાં સુરક્ષા તંત્ર હરકતમાં આવ્યું છે. આ અંગેની માહિતી મળ્યા બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સંબંધિત સ્થળોએ પહોંચી તપાસ હાથ ધરી હતી. છેલ્લા 11 મહિનામાં અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાનો આઠમો કિસ્સો નોંધાયો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
Ahmedabad Bomb Threat: અમદાવાદની ચાર સ્કૂલોને ધમકીભર્યો ઈમેલ મળ્યો
અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Ahmedabad School Bomb Threat) મળતાં સંબંધિત સંસ્થાઓમાં સુરક્ષાની દૃષ્ટિએ તપાસ કરવામાં આવી હતી. ધમકીના સંદેશમાં જે ચાર સ્કૂલોનો ઉલ્લેખ થયો હોવાનું સામે આવ્યું છે, તેમાં નીચેની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
– શ્રી નારાયણ ગુરુ સ્કૂલ, સેટેલાઇટ
– પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, ચાંદખેડા
– વિદ્યા ભારતી સ્કૂલ, સેટેલાઇટ
– સી.એન. વિદ્યાલય, આંબાવાડી
ધમકીની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્કૂલો પર પહોંચી હતી. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્થળોની તપાસ હાથ ધરાઈ હતી. વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપીને તેમને સ્કૂલની બહાર લઈ જવા અને વાલીઓને સોંપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
દિલજીત દોસાંઝના અમદાવાદ કોન્સર્ટ પહેલાં ધમકી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium Threat)માં 21 નવેમ્બરે પંજાબી ગાયક દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવાનો છે. આ કાર્યક્રમ પહેલાં સ્ટેડિયમને પણ નિશાન બનાવવાની ધમકી (Diljit Dosanjh Ahmedabad Concert) મળી હોવાની માહિતી સામે આવી છે.
ઈમેલ દ્વારા મુંબઈ અને અમદાવાદમાં બોમ્બ હુમલો કરવાની ધમકી અપાઈ હતી. આ ઉપરાંત, અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંઝને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં અમદાવાદની એક સ્કૂલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો.
અહેવાલો પ્રમાણે, આ ઈમેલ ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલવામાં આવ્યો હતો. ઈમેલ મોકલનારની ઓળખ અને તેમાં કરાયેલા દાવાઓની સત્યતા તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.
બોમ્બની ધમકીને પગલે પરીક્ષાર્થીઓને અટકાવાયા
સેટેલાઇટ વિસ્તારમાં આવેલી શ્રી નારાયણ ગુરુ સ્કૂલ-કોલેજમાં ગુજરાત યુનિવર્સિટીની MA સેમેસ્ટર-3ની પરીક્ષા યોજાવાની હતી. પરીક્ષાનો પ્રારંભ સવારે 11 વાગ્યે થવાનો હતો. જોકે, સુરક્ષાની તપાસ ચાલી રહી હોવાથી અંદાજે 750 પરીક્ષાર્થીઓને શરૂઆતમાં કેમ્પસમાં પ્રવેશ મળી શક્યો નહોતો.
તપાસ પૂરી થયા બાદ બોમ્બ સ્ક્વોડની મંજૂરીથી પરીક્ષાર્થીઓને કેમ્પસમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા.
DEO રોહિત ચૌધરીએ સ્કૂલોને આપી સૂચના
આ ઘટનાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રોહિત ચૌધરીએ સ્કૂલ સંચાલકોને સુરક્ષા સંબંધિત જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે સ્કૂલ સંચાલકોને ધમકી અંગેની જાણ થતાં જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું હતું.
તેમજ, વિદ્યાર્થીઓને સલામત રીતે સ્કૂલની બહાર કાઢીને તેમના વાલીઓને સોંપવા અને પોલીસની તપાસ દરમિયાન જરૂરી સહયોગ આપવા સૂચના આપવામાં આવી હતી.
હાલમાં પોલીસ ધમકીભર્યા ઈમેલ અને સંબંધિત સ્થળોની તપાસ કરી રહી છે. તપાસ પૂરી થયા બાદ ઈમેલ મોકલનાર કોણ છે અને સમગ્ર ઘટનાની પાછળનું કારણ શું છે તે જાણી શકાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં 10 સ્કૂલ, કોર્ટ અને મોદી સ્ટેડિયમને બોમ્બની ધમકી
આ પણ વાંચો: દિલ્હીની પાંચ મોટી લોકેશન પર બોમ્બની ધમકીથી હડકંપ; તપાસમાં કંઈ ન મળતા રાહત
આ પણ વાંચો: ટેકઓફ પહેલા IndiGo ફ્લાઇટને બોમ્બની ધમકી, લખનઉ એરપોર્ટ પર મચી અફરાતફરી
