Delhi High Court Bomb Threat Independence Day News: સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. મળતી માહિતી મુજબ દિલ્હીની કેટલીક મહત્વપૂર્ણ જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સ્થળોમાં દિલ્હી હાઈકોર્ટ, જામનગર હાઉસ, ઝંડેવાલાન ફ્લેટેડ ફેક્ટરી કોમ્પ્લેક્સ, એમબી સાકેત ઓફિસ/ડીએમ ઓફિસ, દિલ્હી એરપોર્ટનું ટર્મિનલ-3 અને દિલ્હી કેન્ટનું SDM ઓફિસ સામેલ છે.
Delhi હાઈકોર્ટને ઈ-મેલથી ધમકી
દિલ્હી(Delhi) હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલના સત્તાવાર ઈ-મેલ પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. ઈ-મેલમાં કોર્ટ પરિસર અને જજોના ચેમ્બરમાં બોમ્બ રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ બપોરે બે વાગ્યા સુધીમાં પરિસર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. ઈ-મેલ મળ્યા બાદ દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કોર્ટ પરિસર, કોર્ટરૂમ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ તથા એન્ટી-સેબોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તમામ સ્થળોએ તપાસ હાથ ધરાઈ
ધમકી મળ્યા બાદ ફાયર બ્રિગેડના વાહનોને સંબંધિત તમામ સ્થળોએ મોકલવામાં આવ્યા હતા. જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ ઈ-મેલને ગંભીરતાથી લઈને નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ મુજબ તપાસ કરી રહી છે. પ્રાથમિક રીતે આ ધમકી માત્ર દહેશત ફેલાવવાના અથવા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહી છે.
સ્પેશિયલ સેલ અને સાયબર ક્રાઈમ યુનિટ તપાસમાં
ધમકીભર્યો ઈ-મેલ કોણે મોકલ્યો અને તેનો સ્ત્રોત શું છે તે જાણવા માટે દિલ્હી(Delhi) પોલીસની સ્પેશિયલ સેલ અને સાયબર ક્રાઈમ યુનિટ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન ઈ-મેલ સાથે જોડાયેલા IP એડ્રેસ, સર્વર અને અન્ય ડિજિટલ વિગતો તપાસવામાં આવી રહી છે.
સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા
15 ઓગસ્ટના સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં(Delhi) પહેલેથી જ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સ્થળો પર પોલીસની હાજરી, પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવામાં આવ્યા છે. ડીસીપી નોર્થ રાજા બાંઠિયાના જણાવ્યા અનુસાર, સુરક્ષા વ્યવસ્થામાં આતંકવાદ વિરોધી તપાસ, એન્ટી-ટેરર રિસ્પોન્સ પ્લાન, ભીડનું સંચાલન અને VIP સુરક્ષા સહિતના તમામ પાસાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે.
હજારો સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે
સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન વિવિધ સુરક્ષા એજન્સીઓના આશરે 15 હજારથી 20 હજાર કર્મચારીઓ તૈનાત કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. સાથે જ CCTV કેમેરા, વીડિયો એનાલિસિસ અને અન્ય ટેક્નોલોજીની મદદથી પણ નજર રાખવામાં આવી રહી છે. હાલ તમામ ધમકીવાળા સ્થળોએ તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની બેદરકારી રાખવા માંગતી નથી.
આ પણ વાંચો:સુરતના ઉમરામાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ઈ-મેલથી ધમકી, બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ
આ પણ વાંચો:વિદેશમાં નિયમો પાળતા લોકો ભારતમાં કેમ ગંદકી કરે?’ બોમ્બે હાઈકોર્ટની લાલ આંખ
આ પણ વાંચો:બોમ્બે હાઈકોર્ટે તરુણ તેજપાલને સંભળાવી 10 વર્ષની સજા; 2013ના કેસમાં મોટો ચૂકાદો
