Mehsana News: મહેસાણા તાલુકાના આંબલીયાસણમાં મહાદેવ મંદિરે (Temple Dispute) દર્શન કરવા ગયેલી બે બહેનો સાથે કથિત રીતે જાતિ વિષયક અપમાનજનક ટિપ્પણી, મારપીટ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. પીડિત પક્ષની ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, બંને બહેનો આંબલીયાસણ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્થાનિક મહાદેવ મંદિરે દર્શન કરવા ગઈ હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં દર્શન કરવા બાબતે વિવાદ (Temple Dispute) સર્જાયો હતો.
‘SC કેટેગરીના છો, મંદિરમાં દર્શન ન કરો’ કહી અટકાવ્યાનો આક્ષેપ
પીડિત પક્ષનો આક્ષેપ છે કે બંને બહેનો દર્શન કરી રહી હતી ત્યારે પૂજારીના પત્નીએ તેમને જાતિ અંગે અપમાનજનક શબ્દો કહી મંદિરના દર્શન કરતા અટકાવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમને ‘SC કેટેગરીના છો, મંદિરમાં દર્શન કરવા ન જવાય’ તેમ કહી અપમાનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને બહેનો સાથે ગાળાગાળી અને બોલાચાલી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Temple Dispute: વીડિયો બનાવતા મોબાઈલ છીનવ્યો હોવાનો આક્ષેપ
બંને બહેનો સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો બનાવવાનો પ્રયાસ કરી રહી હતી. પીડિત પક્ષના જણાવ્યા મુજબ, આ જોઈને પૂજારીના પત્નીએ એક યુવતી પાસેથી મોબાઈલ ફોન છીનવી લીધો હતો. ત્યારબાદ બંને બહેનો સાથે ઝપાઝપી અને મારપીટ થઈ હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પીડિતોના જણાવ્યા પ્રમાણે, એક યુવતીનું ગળું દબાવીને માર મારવામાં આવ્યો હતો. બીજી તરફ, નાની બહેનને ધક્કો મારવામાં આવતા તે દીવાલ સાથે અથડાઈ હતી અને માથાના ભાગે ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
Temple Dispute: પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી?
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મારપીટ બાદ બંને બહેનોને પોલીસ ફરિયાદ ન કરવા માટે ધમકી આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ, પોલીસમાં જશો તો ગામમાં રહેવા નહીં દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાથી ભયભીત બનેલી બંને બહેનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો આંબલીયાસણ ખાતે પહોંચ્યો હતો. પીડિત પક્ષની ફરિયાદના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ સહિત મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાના વીડિયો, સાક્ષીઓના નિવેદન અને અન્ય પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:જુનાગઢના અંબાજી મંદિર વિવાદમાં નવો વળાંક, મહંતની હત્યાના ષડયંત્રની અરજીથી ખળભળાટ
આ પણ વાંચો:રાજકોટના મુરલી મનોહર મંદિર વિવાદે લીધું ઉગ્ર સ્વરૂપ
આ પણ વાંચો:જૂનાગઢમાં ભવનાથ મંદિર વિવાદ, બે સાધુઓની આત્મવિલોપનની ચીમકી
