Ahmedabad News/ ચંડોળા તળાવના રહેવાસીઓનો રિવરફ્રન્ટ હાઉસ ખાતે ઘેરાવ, 200થી વધુ લોકોનો વિરોધ

અમદાવાદના ચંડોળા તળાવ (Ahmedabad Chandola Lake)ના રહેવાસીઓએ આવાસ ફાળવણીમાં વિલંબના વિરોધમાં સાબરમતી રિવરફ્રન્ટ હાઉસનો ઘેરાવ કર્યો. 200થી વધુ લોકો ₹10 હજાર ભાડાની ખાતરી અને આવાસની માંગ સાથે પહોંચ્યા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Chandola Lake: આવાસ ન મળતા 200થી વધુ લોકોનો રિવરફ્રન્ટ હાઉસ ખાતે વિરોધ

Ahmedabad News: ચંડોળા તળાવ (Ahmedabad Chandola Lake) વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકાનો દૂર કરાયા બાદ રહેવાસીઓને આવાસ ફાળવવાની પ્રક્રિયા વિલંબમાં પડતાં વિરોધ શરૂ થયો છે. આજે 3 સપ્ટેમ્બરે સવારે 200થી વધુ લોકો સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણની આગેવાનીમાં રહેવાસીઓએ રિવરફ્રન્ટ હાઉસ ખાતે ઘેરાવ કરી આવાસ ફાળવવાની માંગ ઉઠાવી હતી.

Ahmedabad Chandola Lake: 6 મહિનાથી વધુ સમયથી આવાસની રાહ

ચંડોળા તળાવ (Ahmedabad Chandola Lake) વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અસરગ્રસ્ત ભારતીય નાગરિકોને પુરાવાના આધારે આવાસ ફાળવવાની પ્રક્રિયા માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હોવાનું રહેવાસીઓનું કહેવું છે. જોકે, ફોર્મ ભરાવ્યાને છ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આવાસ ફાળવણી અંગેની કાર્યવાહી આગળ ન વધતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, મકાનો દૂર થયા બાદ ઘણા પરિવારોને બહાર ભાડાના મકાનોમાં રહેવાની ફરજ પડી રહી છે. આવી સ્થિતિમાં તાત્કાલિક આવાસ ફાળવવા અથવા ભાડાની સહાય આપવા માટે માંગ કરવામાં આવી છે.

બેનરો સાથે મોટી સંખ્યામાં લોકોનો વિરોધ

3 સપ્ટેમ્બરની સવારે ચંડોળા તળાવ (Ahmedabad Chandola Lake) વિસ્તારના 200થી વધુ લોકો સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને રિવરફ્રન્ટ હાઉસની બહાર બેસી ગયા હતા. રહેવાસીઓએ આવાસ ફાળવણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિવરફ્રન્ટ હાઉસ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

‘ભાડું આપવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી અહીં બેસીશું’

પૂર્વ વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોંગ્રેસ કોર્પોરેટર શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના મકાનો માટે લોકો પાસેથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો કે ઘણા લોકો હાલ બહાર ભાડું ચૂકવીને રહેવા મજબૂર બન્યા છે. તેમની માંગ છે કે જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર દર મહિને ₹10,000 ભાડું ચૂકવવાની ખાતરી નહીં આપે, ત્યાં સુધી તેઓ રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેસી રહેશે.

કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા, પરંતુ મુલાકાત ન થઈ

વિરોધ કરી રહેલા લોકો મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરવા માટે રિવરફ્રન્ટ હાઉસ પહોંચ્યા હતા. જોકે, કમિશનર સાથે તેમની મુલાકાત થઈ ન હોવાનું જણાવાયું છે. દરમિયાન, પોલીસે રિવરફ્રન્ટ હાઉસના દરવાજા બંધ કરી દીધા હતા. શહેઝાદખાન પઠાણ સહિત 200થી વધુ લોકો બહાર બેસીને પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા. હવે તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને આવાસ ફાળવણી અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને ભાડાની સહાય અંગે કોઈ ખાતરી આપવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:રાજકોટ PM આવાસ યોજનામાં વધુ એક ગોટાળો? પત્નીને ઘર છતાં પતિને પણ ફાળવાયું આવાસ

આ પણ વાંચો:સાબરકાંઠામાં BZ પોન્ઝી કૌભાંડમાં રોકાણકારોનો આક્રોશ, કોર્ટમાં હંગામો

આ પણ વાંચો:મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના નામે 55 લાખની છેતરપિંડી, 5 સામે ફરિયાદ