Ahmedabad News: અમદાવાદ સીઆઇડી ક્રાઇમે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ધરપકડ કરી છે. સીઆઇડી ક્રાઇમમાં અગાઉ નોંધાયેલા ગુનાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. સીઆઇડી ક્રાઇમે દસ દિવસના રિમાન્ડની માંગ કરી છે. તેના પગલે 11 માર્ચ 2025 સુધીના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યના કુખ્યાત ભૂમાફિયાઓની યાદીમાં ટોચ પર રહેલા લોકપ્રિય બિલ્ડર સામે CID ક્રાઈમમાં વધુ એક ફરિયાદ દાખલ કરાઈ હતી તે સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. રમણ પટેલ અને દશરથ પટેલની જોડી પશ્ચિમ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં અબજો રૂપિયાની જમીન હડપ કરવા માટે કુખ્યાત સાબિત થઈ છે. અમદાવાદ શહેરના મકરબા ખાતે કરોડો રૂપિયાના જમીન પચાવી પાડવાના કેસ સંદર્ભે રમણ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ ગયા CID ક્રાઈમ અમદાવાદ ઝોનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 1980માં મૃત્યુ પામેલી મહિલા માટે 1992માં નકલી દસ્તાવેજો તૈયાર કરીને અમદાવાદના મકરબામાં કરોડો રૂપિયાની જમીન હડપ કરવાના કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ કરી રહી હતી. જમીન વિવાદ કેસમાં સીઆઈડી ક્રાઈમની એન્ટી ઇકોનોમિક વિંગના તપાસ અધિકારીને કેટલાક નક્કર પુરાવા મળ્યા હતા. જેના આધારે ખેડા જિલ્લાના નાની કલોલી ગામના કનુભાઈ ઠાકોરે બિલ્ડર રમણ પટેલ એન્ડ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નકલી દસ્તાવેજો તૈયાર કરીને કરોડોની જમીન હડપ કરવાના મામલે રમણ ભોળીદાસ પટેલ, મણિકાંત શાહ, ગૌતમ ત્રિકમલાલ, હિતેશ રમણલાલ, રામુ ભુલાભાઈ ભરવાડ, બેચર ભલાજી ઠાકોર, ચંદુ ઠાકોર અને અંબિકા દર્શન કંપની લિમિટેડ સોસાયટીના પદાધિકારીઓ સામે CID ક્રાઈમ અમદાવાદ ઝોનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ ત્રણ વર્ષ પછી જામીન પર છૂટશે, પણ ગુજરાતમાં નહીં રહી શકે
