નિધન/ ડૉ. નિત્યા આનંદનું 99 વર્ષની જૈફ વયે અવસાન,દેશમાં પહેલી ગર્ભનિરોધક ગોળી બનાવી હતી

ડોક્ટરોના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન સેપ્ટિક શોકના કારણે શનિવારે તેનું મોત થયું હતું.

Top Stories India

ડૉ. નિત્યા આનંદનું 27મી જાન્યુઆરીના રોજ 99 વર્ષની જૈફ વયે નિધન થઇ ગયું છે. તેમની તબિયત બગડ્યા બાદ તેમને 29 નવેમ્બર 2023ના રોજ લખનઉના પીજીઆઈના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન ઈન્ફેક્શન વધતાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સારવાર દરમિયાન સેપ્ટિક શોકના કારણે શનિવારે તેનું મોત થયું હતું.

ડૉ. નિત્યા આનંદને ત્રણ બાળકો છે. IIT કાનપુરમાંથી ભણેલા નીરજ નિત્યાનંદ યુએસએમાં છે. તેમનો નાનો પુત્ર નવીન કેનેડામાં છે, જે રસીના ક્ષેત્રમાં કામ કરે છે. નાની પુત્રી ડૉ. સોનિયા નિત્યાનંદ કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (KGMU)ના વાઇસ ચાન્સેલર અને લોહિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર છે. ડૉ. નિત્યા આનંદના નિધનના સમાચાર મળતાં જ KGMU, લોહિયા ઈન્સ્ટિટ્યૂટ અને CDRI જેવી સંસ્થાઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડૉ. નિત્યા આનંદના પાર્થિવ દેહને નિરાલાનગરમાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો.

ડૉ. નિત્યા આનંદની ગણના દેશના મહાન વૈજ્ઞાનિકોમાં થતી હતી. તેમણે દેશની પ્રથમ ગર્ભનિરોધક ગોળી બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ટીબી, મેલેરિયા અને રક્તપિત્ત જેવા રોગોની દવાઓ બનાવવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે. અહેવાલ અનુસાર, ડૉ. નિત્યા આનંદે 400થી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા હતા અને 130 પર પેટન્ટ મેળવ્યા હતા.