નવી દિલ્હીઃ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ(FICCI) દ્વારા રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આરેગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.
26 ઓક્ટોબરે નવી દિલ્હી ખાતે યોજાયેલ 15મા FICCI હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2023 કાર્યક્રમમાં જાણીતા અભિનેત્રી શર્મિલા ટાગોરના હસ્તે આ એવોર્ડ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ સ્વીકાર્યો હતો. આ પ્રસંગે એવોર્ડના જ્યૂરી સી.કે. મિશ્રા, આરોગ્ય અને પરિવાર નિયોજન વિભાગના પૂર્વ સચિવ ડો. હર્ષ મહાજન, ફિક્કીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યાં હતાં.
સિવિલ હોસ્પિટલને Excellence in Patient Care & Safety કેટેગરી માં (દર્દીની શ્રેષ્ઠ સારવાર, સંભાળ અને સલામતી) માટે બાળરોગ સર્જરી વિભાગને બ્લેડર એક્સટ્રોફી સર્જરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે. તેમજ Digital Transformation Initiative of the year ( વર્ષની સૌથી ઉત્તમ ડિજિટલ પરિવર્તન અંગેની પહેલ) કેટેગરીમાં સિવીલ હોસ્પિટલ દ્વારા અમલમાં મુકાયેલ ઓનલાઈન રેફરન્સ પોર્ટલ માટે એવોર્ડ એનાયત થયો છે.
નોંધનીય બાબત છે કે કુલ 12 કેટેગરીમાં અન્ય તમામ સંસ્થાને માત્ર 1 એવોર્ડ મળ્યો હતો, જ્યારે એક્માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલને 2 એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા આ બહુમાન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.
