MP Dhaval Patel Valsad Speech: વલસાડના નાનાપોંઢાં ખાતે આયોજિત આદિવાસી મહાસંમેલનમાં વલસાડના સાંસદ ધવલ પટેલે (Dhaval Patel) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારિયાએ આદિવાસી મહિલાઓ અંગે આપેલા અત્યંત વિવાદાસ્પદ અને શરમજનક નિવેદન મુદ્દે ધવલ પટેલે કોંગ્રેસની વિચારધારા સામે સવાલો ઉઠાવ્યા છે.
શું હતો વિવાદ?
મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારિયાએ આદિવાસી મહિલાઓ વિશે અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે બળાત્કાર જેવી ઘટનાઓને જોડીને વિવાદિત ટિપ્પણી કરી હતી. આ નિવેદનને સાંસદ ધવલ પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે અને તેને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ મૌન કેમ?
સાંસદ ધવલ પટેલે નિશાન સાધતા કહ્યું કે, “ફુલસિંગ બારિયાએ આવું હીન નિવેદન આપ્યું હોવા છતાં રાહુલ ગાંધી તેમની સાથે સ્ટેજ શેર કરી રહ્યા છે. કોંગ્રેસે તેમના વિરુદ્ધ કોઈ એક્શન લીધા નથી, જે સાબિત કરે છે કે કોંગ્રેસના મનમાં આદિવાસી સમાજ માટે કેટલી ખરાબ વિચારધારા છે. કોંગ્રેસ માત્ર આદિવાસીના નામે રાજનીતિ કરે છે, પણ હકીકતમાં તેમની માનસિકતા આદિવાસી વિરોધી છે.”
ભાજપ હંમેશા આદિવાસીઓની પડખે : સાંસદ Dhaval Patel
ધવલ પટેલે આદિવાસી સમાજને જાગૃત કરતા જણાવ્યું કે, સમાજે હવે સમજી જવું જોઈએ કે તેમનો વિકાસ કોણ ઈચ્છે છે અને તેમનું આરક્ષણ કોણ છીનવવા માંગે છે. તેમણે ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સમાજની સાથે છે અને તેમના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. કોંગ્રેસ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છે, જ્યારે ભાજપ સન્માન અને સુરક્ષા આપે છે.
