Ahmedabad DEO Notice to Schools: અમદાવાદ શહેરની શિક્ષણ આલમમાં અત્યારે હડકંપ મચી ગયો છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા શહેરની 153 ગ્રાન્ટેડ શાળાઓને કડક નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ શાળાઓના ઓડિટ રિપોર્ટ અને નાણાકીય હિસાબો રજૂ કરવા બાબતે આપવામાં આવી છે. લાંબા સમયથી ઓડિટમાં આનાકાની કરતી શાળાઓ સામે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
ઓડિટ નહીં તો ગ્રાન્ટ પર વાગશે તાળાબંધી
DEO દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો નિર્ધારિત સમય મર્યાદામાં ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં નહીં આવે, તો શાળાઓની ગ્રાન્ટ તાત્કાલિક અસરથી અટકાવી દેવામાં આવશે. આ નિર્ણયની સીધી અસર શાળાઓના નિભાવ ખર્ચ અને શિક્ષકોના પગાર પર પડી શકે છે. શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીનો હેતુ ગ્રાન્ટેડ શાળાઓમાં નાણાકીય પારદર્શિતા અને શિસ્ત લાવવાનો છે.
Ahmedabadની જાણીતી શાળાઓના નામ પણ સામેલ
નોટિસ મેળવનાર 153 શાળાઓમાં અમદાવાદની અનેક નામાંકિત શાળાઓનો પણ સમાવેશ થાય છે, જેમાં મુખ્યત્વે વિશ્વનિકેતન સ્કૂલ, ન્યુ સર્વોદય સ્કૂલ અને મીરાંબિકા સ્કૂલ જેવી જાણીતી શાળાઓના નામ સામે આવ્યા છે.
આ સહિતની તમામ શાળાઓએ આગામી 7 મેથી 30 મે સુધીમાં પોતાના તમામ હિસાબો અને ઓડિટ રિપોર્ટ DEO કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
શિસ્તભંગના પગલાંની તૈયારી
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ગ્રાન્ટ અટકાવવી જ નહીં, પરંતુ જો શાળાઓ નિર્ધારિત સમયગાળામાં હિસાબ આપવામાં નિષ્ફળ જશે, તો તેમના વિરુદ્ધ શિસ્તભંગના કડક પગલાં પણ લેવામાં આવશે. સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા અને શાળાઓના વહીવટમાં સચોટતા લાવવા માટે આ કાર્યવાહી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં નવો વળાંક, હાઇકોર્ટથી સગીર આરોપીને જામીન
આ પણ વાંચો:સેવન્થ ડે સ્કૂલનો વિવાદ: 2,400 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ ન આપ્યો
આ પણ વાંચો:અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ: વિદ્યાર્થી પર બ્લેડથી હુમલા બાદ NSUIએ મોડી રાતે તાળાબંધી કરી
