અમદાવાદ
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે આઠમો દિવસ થયો. આજે હાર્દિક પટેલે ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ. પી. સ્વામીના હાથે પાણી પીધું છે. હાર્દિકના વજનમાં સાત કિલો વજનનો ઘટાડો થયો છે.
અત્યાર સુધી સરકારે તેમના કોઇપણ પ્રતિનિધિને હજી વિચારણા માટે મોકલેલ નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા બ્રિગેડિયર સુધીર સાવંત પણ હાર્દિકની મુલાકાત લઇ શકે છે.
ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ. પી. સ્વામીએ હાર્દિક પટેલ સાથે ગઇકાલે મુલાકાત કરી હતી. તેમણે હાર્દિકને પાણી પીને ઉપવાસ ચાલુ રાખવાની વિનંતી કરી હતી.
બીજી બાજુ સોલા પોલીસે પણ હાર્દિકના નિવાસસ્થાને એક એમ્બ્યુલન્સ મૂકી દીધી છે. જેથી ઇમરજન્સીમાં હાર્દિકને તાત્કાલીક રીતે હોસ્પિટલમાં ખસેડી શકાય. હાર્દિકના સમર્થનો પણ હાર્દિકને પાણી પીને ઉપવાસ કરવાનું કહી રહ્યાં છે.
શુક્રવારે હાર્દિક પટેલની મુલાકાતે તેના દાદા પહોંચ્યા હતા. આ દરમિયાન હાર્દિકની હાલત જોઈને તઓ ભાવુક થઈ ગયા હતા. શુક્રવારે દિલ્હીના આપના ધારાસભ્ય દેવેન્દ્ર શેરાવતે પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને હાર્દિકને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
હાર્દિક પટેલના ડોક્ટર અવિરાજ સાથે અમારી ટીમે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે, હાર્દિકની તબિયત ગંભીર છે. આજે શનિવારે આઠમો દિવસ ઉપવાસના થયા છે અને આજે ત્રીજો દિવસ થયો પાણી પણ નથી લીધું.
જે ઘણું ક્રિટિકલ કહી શકાય. રોજ જે બ્લડ અને યુરીનના સેમ્પલના ટેસ્ટ થાય છે તેમાં દેખાઇ રહ્યું છે કે, એસિટોનની માત્રા વધી રહી છે અને સોડિયમની માત્રા ધટી રહી છે. કિડનીમાં ઇન્ફેકશન થયું છે. જો આવું જ રહ્યું તો હાર્ટ અને લંગ્સ પર ગંભીર અસર થઇ શકે છે.
હાર્દિક પટેલના ઉપવાસના છઠ્ઠા દિવસે 6 પાસ ક્ન્વિનરોએ મુંડન કરાવી હાર્દિકને સહકાર આપ્યો હતો. મુંડન મામલે પાસ કન્વિનર નિખિલ સવાણીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર ઉપવાસની પરવાનગી આપતી નથી જેને કારણે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યો છે. રાજ્ય સરકારની નજર પડે તે માટે 6 પાસ કન્વિનરોએ મુંડન કરાવી ઉપવાસમાં હાર્દિકને ટેકો જાહેર કર્યો છે.
