Ahmedabad News: અમદાવાદ શહેરના ઇસનપુર (Isanpur Demolition) વિસ્તારમાં આવેલા આંબા તળાવને દબાણમુક્ત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તળાવની જમીન પર વર્ષોથી ઉભા થયેલા ગેરકાયદેસર રહેણાંક અને વ્યાપારી બાંધકામોને દૂર કરવા માટે સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Isanpur Demolition:આંબા તળાવ થશે દબાણમુક્ત
માહિતી અનુસાર, દક્ષિણ ઝોનના લાંભા વોર્ડ હેઠળ આવેલા ઇસનપુર (Isanpur Demolition) વિસ્તારની મોની હોટેલ પાસે આવેલા આંબા તળાવમાં આશરે 160થી વધુ ગેરકાયદેસર દબાણો ઊભા થઈ ગયા હતા. જેમાં 147 જેટલા કાચા-પાકા રહેણાંક મકાનો અને 14 જેટલા વ્યાપારી એકમોનો સમાવેશ થાય છે. AMC દ્વારા અગાઉ નોટિસ આપી તમામ લોકોને સ્થળ ખાલી કરવા સૂચના આપવામાં આવી હતી.
ગુરુવારે સવારથી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પાંચથી વધુ જેસીબી અને હિટાચી મશીનોની મદદથી ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન ઇસનપુર અને નારોલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમને પણ સ્થળ પર તૈનાત રાખવામાં આવી હતી.
કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરના વિવિધ તળાવો પર થયેલા ગેરકાયદેસર દબાણો (Isanpur Demolition)ને દૂર કરીને તળાવોનું પુનઃજીવન અને ઊંડાણ વધારવાની યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત આંબા તળાવની અંદાજે 26 હજાર ચોરસ મીટર જેટલી જમીન ફરી ખુલ્લી કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં તળાવના વિકાસ અને જળસંગ્રહ ક્ષમતામાં વધારો થઈ શકે.
AMC દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે પણ વૈકલ્પિક વ્યવસ્થાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષોથી ત્યાં વસવાટ કરતા અને જરૂરી પુરાવા રજૂ કરનાર નાગરિકોને નિયમો મુજબ વૈકલ્પિક આવાસ ફાળવવા માટે ફોર્મ ભરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાત્કાલિક આશ્રયની જરૂરિયાત ધરાવતા લોકોને નજીકના રેન બસેરામાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.
આ કાર્યવાહી શહેરમાં તળાવો અને જાહેર મિલકતોને દબાણમુક્ત બનાવવાના વ્યાપક અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં રોડ કટમાં આવતા 8767 ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે
આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું
આ પણ વાંચો:અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું
