Ahmedabad Baghban Project Khanpur Controversy : અમદાવાદના ખાનપુર વિસ્તારમાં નિર્માણાધીન ‘બાગબાન’ પ્રોજેક્ટમાં અશાંત ધારા (Disturbed Areas Act) ની મંજૂરી મેળવવા માટે આચરવામાં આવેલી કથિત ગેરરીતિનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ પ્રોજેક્ટમાં મંજૂરી મેળવવા માટે એક હિન્દુ વ્યક્તિને માત્ર નામ પૂરતા ભાગીદાર બનાવ્યા બાદ મંજૂરી મળતા જ તેમને ભાગીદારીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.
Baghban Project: શું છે સમગ્ર વિવાદ?
રહેબર ડેવલપર્સ દ્વારા વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટમાં અશાંત ધારાની ક્લિયરન્સ મેળવવા માટે જયમીન ભરવાડ નામના હિન્દુ વ્યક્તિને 5 ટકાના ભાગીદાર તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જોકે, મંજૂરી મળી ગયાના થોડા સમય બાદ જ તેમને ભાગીદારીમાંથી હટાવી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

પહેલાની ભાગીદારીનું માળખું નીચે મુજબ હતું
પહેલાની ભાગીદારીના માળખા મુજબ, પઠાણ આદિલ ખાન વસ્તી ખાન 90 ટકા હિસ્સા સાથે મુખ્ય ભાગીદાર હતા. જ્યારે મુજીબ ખાન પઠાણ અને જયમીન ભરવાડ બંને 5-5 ટકાની ભાગીદારી ધરાવતા હતા, જોકે મંજૂરી મળ્યા બાદ જયમીન ભરવાડને કથિત રીતે આ ભાગીદારીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

ધારાસભ્ય કૌશિક જૈનની રજૂઆત
દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈને આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે, હિન્દુ વિસ્તારોમાં પ્લાન પાસ કરાવવા માટે માત્ર કાગળ પર જ હિન્દુ ભાગીદારો બતાવવામાં આવે છે અને કામ નીકળી ગયા પછી તેમને હટાવી દેવાય છે. ‘બાગબાન’ પ્રોજેક્ટમાં પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો છે.
હાઈકોર્ટનો સ્ટે અને સીલિંગની કાર્યવાહી
આ વિવાદને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ખાનપુર ખાતેની સાઈટને સીલ કરી દેવામાં આવી હતી. અગાઉ સપ્ટેમ્બર 2024માં પણ નિયમોના ઉલ્લંઘન બદલ આ સાઈટ સીલ કરાઈ હતી. હવે આ મામલો હાઈકોર્ટમાં પહોંચતા કોર્ટે હાલ પૂરતી બાંધકામ પર રોક લગાવી છે અને સાઈટ પર ‘સ્ટેટસ ક્વો’ (યથાસ્થિતિ) જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.
