Rajkot news:ગોંડલ તાલુકાના (Gondal) રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજાની (Aniruddhasinh Jadeja) અમિત ખુંટ આત્મહત્યા કેસમાં ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી છે. શુક્રવારે જૂનાગઢ જેલમાંથી ધરપકડ કર્યા બાદ, અનિરુદ્ધસિંહને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. આ રિમાન્ડ દરમિયાન,પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે અને આ ચોંકાવનારા આત્મહત્યા કેસમાં તેની સંડોવણીની તપાસ કરશે.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાના 37 વર્ષ જૂના હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ધરપકડના આદેશ બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ શુક્રવારે ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું.આ કેસમાં તેમને જૂનાગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ અમિત ખુંટ આત્મહત્યા કેસમાં ગોંડલ તાલુકા પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. શુક્રવારે રાત્રે તેમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા.
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સંડોવણીની શંકાના આધારે પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરી છે. પોલીસ જાણવા માંગે છે કે પાંચ મહિનાની ગેરહાજરી દરમિયાન અનિરુદ્ધસિંહે ક્યાં આશરો લીધો હતો, તેનો પુત્ર રાજદીપસિંહ તેની સાથે હતો કે કેમ, અને તેનો જૂનાગઢના રહીમ મકરાણી સાથે કોઈ સંપર્ક હતો કે કેમ. વધુમાં, આત્મહત્યા કેસમાં ભૂમિકા ભજવી શકે તેવા અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવશે. પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજા માટે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ ગોંડલ કોર્ટે ફક્ત બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે સોમવાર બપોર સુધી ચાલશે. આ બે દિવસ દરમિયાન, પોલીસ કેસની હકીકતો ઉજાગર કરવા માટે વ્યાપક પૂછપરછ કરશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રિમાન્ડ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી અને સત્ય બહાર આવવાની શક્યતા છે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા પરનો સ્ટે હટાવ્યો, આજે જેલમાં જશે
આ પણ વાંચો:પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે આત્મસમર્પણ કરશે
આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અનિરુદ્ધસિંહ જાડેજાની માફી રદ
