Ahmedabad News: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ધર્મનગર રેલવે સ્ટેશન નજીક ઉધારમાં પડીકી આપવાના મુદ્દે થયેલા વિવાદે (Sabarmati Murder) ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. પાનનો ગલ્લો ચલાવતા 55 વર્ષીય આધેડ પર એક યુવકે ધારદાર હથિયારથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગંભીર ઇજાઓ બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા રાજેશભાઈ ઠાકોરનું મોત થયું છે. ઘટનાને પગલે સાબરમતી પોલીસે અગાઉ નોંધાયેલી મારામારીની ફરિયાદમાં હવે હત્યાની કલમ ઉમેરવાની કાર્યવાહી હાથ ધરી છે.
Sabarmati Murder: અગાઉના ઉધારના રૂ.1,600ને લઈને બોલાચાલી
મળતી માહિતી મુજબ, રાજેશભાઈ ઠાકોર ધર્મનગરની લક્ષ્મણજીની ચાલી (Dharmanagar Railway Station) વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા અને ધર્મનગર રેલવે સ્ટેશનની બહાર ‘મહાકાળી પાન પાર્લર’ નામનો ગલ્લો ચલાવતા હતા.આક્ષેપ મુજબ, બે દિવસ પહેલાં ધર્મનગર મહુડા વાળી ચાલી વિસ્તારમાં રહેતો અનિલ ઠાકોર નામનો યુવક ગલ્લા પર તાનસેન નામની પડીકી ઉધારમાં લેવા આવ્યો હતો. રાજેશભાઈએ અગાઉના આશરે રૂ.1,600 ચૂકવી દેવામાં આવે ત્યાર બાદ જ ફરી ઉધાર આપવાની વાત કરી હતી. આ બાબતે યુવક રોષે ભરાયો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
ગલ્લા પર આવી છરીથી હુમલો કરવાનો આક્ષેપ
ત્યારબાદ સાંજે આશરે 7:30 વાગ્યે રાજેશભાઈ (Rajesh Thakor Murder) ગલ્લા પર હાજર હતા અને તેમનો મોટો પુત્ર પણ ત્યાં હતો. તે સમયે અનિલ ઠાકોર ધારદાર છરી લઈને આવ્યો અને રાજેશભાઈ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.પરિવારના જણાવ્યા મુજબ, હુમલા દરમિયાન આરોપીએ તેમના પુત્રને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં રાજેશભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે સાબરમતીની પંચશીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન મોત
ગંભીર ઇજાઓને પગલે રાજેશભાઈને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જોકે, ટૂંકી સારવાર બાદ આજે સવારે તેમનું મોત થયું હતું. મોતના સમાચાર મળતાં પરિવારજનો હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
અગાઉ મારામારીની ફરિયાદ, હવે હત્યાની કલમ ઉમેરાશે
પરિવારજનોનો આક્ષેપ છે કે શરૂઆતમાં પોલીસે ઘટનામાં હળવી કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી. જોકે, ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો છે.સાબરમતી પોલીસે(Sabarmati Police) હવે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી અનિલ ઠાકોરની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં હુમલાનું ચોક્કસ કારણ, અગાઉનો વિવાદ અને અન્ય પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: વિજયવાડામાં પૈસાના વિવાદમાં મહિલા મિત્રની હત્યા, આરોપીએ શરીરના 9 ટુકડા કરી નહેરમાં ફેંક્યા
આ પણ વાંચો: અમરેલીમાં દીકરીની હત્યા બાદ પિતાનો આપઘાત, 7.25 લાખના નાણાં મામલે મિત્ર સામે ફરિયાદ
આ પણ વાંચો: તાલાલામાં હત્યાથી ચકચાર, ખાટલામાં સૂતા ભત્રીજાને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
