Ahmedabad News/ અમદાવાદ સાયન્સ સિટી ગાર્ડનમાં વૃદ્ધોને ધમકી: યુવતી સાથેના વર્તનનો વિરોધ કરતા ટોળું આવ્યું, 3ની ધરપકડ

સાયન્સ સિટી ગાર્ડન (Sardar Patel Garden)માં યુવતી સાથેના વર્તનનો વિરોધ કરનાર સિનિયર સિટીઝનોને ટોળું લઈને ધમકી આપવાના મામલે 3ની ધરપકડ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Sardar Patel Gardenમાં યુવતી સાથે બીભત્સ વર્તન, વિરોધ કરતા વૃદ્ધોને જાનથી મારી નાખવાની ધમકી

Ahmedabad News: અમદાવાદના સાયન્સ સિટી રોડ (Ahmedabad Science City ) પર આવેલા સરદાર પટેલ ગાર્ડન (Sardar Patel Garden)માં યુવતી સાથે જાહેરમાં બીભત્સ વર્તન કરી રહેલા યુવકને ઠપકો આપ્યા બાદ સિનિયર સિટીઝનોને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. યુવક પોતાના સાથીદારો સાથે ગાર્ડન પાસે પહોંચ્યો હતો અને વૃદ્ધોને ધમકી આપીને ગાળો ભાંડી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનામાં બોડકદેવ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Sardar Patel Gardenમાં રોજ 211 સિનિયર સિટીઝનો ભેગા થાય છે

સોલા વિસ્તારમાં આવેલા પંચામૃત બંગ્લોઝમાં રહેતા 77 વર્ષીય રમણભાઈ પટેલ નિવૃત્ત જીવન જીવે છે. તેઓ ‘સિનિયર સિટીઝન પરિવાર’ નામનું ગ્રુપ ચલાવે છે. આ ગ્રુપમાં 211 સભ્યો છે. ગ્રુપના સભ્યો દરરોજ સાંજે સરદાર પટેલ ગાર્ડન (Sardar Patel Garden)માં એકત્ર થાય છે. સિનિયર સિટીઝનો માત્ર એકબીજા સાથે સમય પસાર કરતા નથી, પરંતુ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.

અમુલ પાર્લર પાસે યુવક યુવતી સાથે ઝઘડતો હતો

થોડા દિવસ અગાઉ રમણભાઈ પટેલ પોતાના ગ્રુપના સભ્યો સાથે ગાર્ડનમાં બેઠા હતા. તે સમયે સાંજે આશરે સાત વાગ્યાની આસપાસ અમુલ પાર્લર પાસે લગભગ 25 વર્ષનો એક યુવક યુવતી સાથે બીભત્સ વર્તન કરતો હોવાનું સિનિયર સિટીઝનોના ધ્યાનમાં આવ્યું હતું. યુવક અને યુવતી વચ્ચે ઝઘડો પણ ચાલી રહ્યો હતો. જાહેર સ્થળે આ પ્રકારનું વર્તન જોઈ રમણભાઈ સહિતના સિનિયર સિટીઝનો ત્યાં પહોંચ્યા હતા.

77 વર્ષના રમણભાઈએ યુવકને ઠપકો આપ્યો

રમણભાઈ પટેલે યુવકને સમજાવતા કહ્યું હતું કે ગાર્ડન (Sardar Patel Garden)માં બહેન-દીકરીઓની અવરજવર રહે છે, તેથી જાહેરમાં આ પ્રકારનું વર્તન ન કરવું જોઈએ. આ દરમિયાન યુવક અને સિનિયર સિટીઝન વચ્ચે બોલાચાલી થઈ હતી અને રમણભાઈએ યુવકને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ યુવક અને યુવતી બાઈક પર ત્યાંથી નીકળી ગયા હતા. જોકે, થોડા સમય બાદ યુવક એકલો નહીં પરંતુ 15થી વધુ લોકોના ટોળા સાથે ફરી ગાર્ડન પાસે આવ્યો હતો.

ટોળું લઈને આવી વૃદ્ધોને ધમકી આપી

ફરિયાદ મુજબ, યુવક સાથે આવેલા ટોળાએ ગાર્ડન (Sardar Patel Garden) પાસે બૂમાબૂમ કરી સિનિયર સિટીઝનોને ધમકી આપી હતી. ‘બધા ક્યાં ગયા, કાલે તમે તૈયાર રહેજો’ તેમ કહી ટોળકી ત્યાંથી જતી રહી હતી. આ ઘટનાથી સિનિયર સિટીઝનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રમણભાઈ પટેલે હિંમત ન હારતા સમગ્ર મામલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેના કારણે પોલીસને ઘટનાની અગાઉથી જાણ થઈ ગઈ હતી.

ફરી ગાર્ડનમાં આવી વૃદ્ધોને ગાળો આપી

બીજા દિવસે રમણભાઈ પોતાના મિત્રો સાથે ગાર્ડન (Sardar Patel Garden)માં બેઠા હતા ત્યારે યુવક ફરી ચાર શખ્સોને સાથે લઈને ત્યાં આવ્યો હતો. આ શખ્સોએ સિનિયર સિટીઝનોને ગાળો ભાંડી હતી અને ત્યાંથી જતા રહ્યા હતા. રમણભાઈએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં બોડકદેવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ યુવક વધુ બે શખ્સોને સાથે લઈને ફરી ત્યાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ છે.

બોડકદેવ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી

સમગ્ર મામલે બોડકદેવ પોલીસે કાર્યવાહી કરીને વિપુલ દેસાઈ, વિષ્ણુ દેસાઈ અને રોહિત દેસાઈની ધરપકડ કરી છે. આ ઉપરાંત અગાઉ ટોળકી સાથે બબાલ કરવા આવેલા અન્ય શખ્સો અંગે પૂછપરછ કરતાં તેમના નામ કિસ્મત રબારી, શ્રેયાંગ દેસાઈ અને પ્રણવ દેસાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ધરપકડ કરાયેલા ત્રણેય શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર ઘટનામાં અન્ય લોકોની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે. જાહેર સ્થળે યુવતી સાથેના વર્તનનો વિરોધ કરનાર 77 વર્ષીય વૃદ્ધ અને અન્ય સિનિયર સિટીઝનોને ટોળું લઈને ધમકી આપવાના આક્ષેપથી સાયન્સ સિટી વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં કારમાંથી લાશ મળતા ચકચાર: Ahmedabad Science City પર ટાટા હેરિયરમાંથી મૃતદેહ મળી આવ્યો

આ પણ વાંચો:બોડી વોર્ન કેમેરા વીડિયોએ ખોલ્યો મામલો: બંસરી ઠક્કર સામે ગુનો

આ પણ વાંચો:અમરેલીના કોલેજના નિયામકે વિદ્યાર્થીનીઓની છેડતી કરતાં જેનીબેન ઠુમ્મર લાલઘૂમ