Ahmedabad News : પાલડી વિસ્તારમાં પોલીસ (Police) અને વકીલ બંસરી ઠક્કર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ પ્રકરણમાં બંસરી ઠક્કર સામે પોલીસ (Police) સાથે ઘર્ષણ કરવા બદલ N ડિવિઝન ટ્રાફિક પોલીસ (Police) સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અંજલી ચાર રસ્તા પર શું બન્યું?
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલી ચાર રસ્તા પાસે 19 ડિસેમ્બરની રાતે ટ્રાફિક પોલીસ અને વકીલ યુવતી બંસરી ઠક્કર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. સિગ્નલ તોડવાના કારણે હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાએ બંસરીને રોકી હતી, જેના બાદ મામલો વકર્યો હતો.

લાયસન્સ માગતા જ ઉગ્ર બની યુવતી
પોલીસે લાયસન્સ માગતા બંસરી ઠક્કરે ઉગ્ર સ્વરમાં વાત શરૂ કરી હતી. વાતચીત દરમિયાન તું-તારી થતાં વાત વધુ બગડી હતી. પોલીસ દ્વારા ઓળખપત્ર બતાવવામાં આવતા બંસરી ઠક્કરે તે ID કાર્ડ હાથમાંથી ફેંકી દીધું હોવાનું બોડી વોર્ન કેમેરામાં નોંધાયું છે.
8 મિનિટમાં 16 વખત ગાળો
બોડી વોર્ન કેમેરા ના વીડિયોમાં દેખાય છે કે બંસરી ઠક્કરે હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાને ‘બે બાપના’, ‘બાયલા’ સહિત 16 વખત ગંદી ગાળો આપી હતી. જવાબમાં પોલીસ કર્મચારીએ પણ બે-ત્રણ ગાળો આપી હતી.
ગાળાગાળી બાદ લાફાનો બનાવ
યુવતી દ્વારા સતત ગાળો આપતા હેડ કોન્સ્ટેબલ રોષે ભરાયા હતા અને ગુસ્સામાં આવી યુવતીને લાફો માર્યો હતો. ત્યારબાદ પણ યુવતી ગાળો આપતી રહી હતી, જેને લઈ અન્ય પોલીસ (Police) કર્મચારીઓએ હસ્તક્ષેપ કરી સ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

બંને પક્ષે કંટ્રોલ રૂમમાં ફરિયાદ
ઘટના બાદ બંસરી ઠક્કરે 112 નંબર પર ફોન કર્યો હતો, જ્યારે હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાએ પણ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ત્યારબાદ બંનેને પાલડી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
બંને વિરુદ્ધ અલગ-અલગ ફરિયાદ
આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બંસરી ઠક્કર વિરુદ્ધ પોલીસ (Police) સાથે ઘર્ષણ અને ગેરવર્તન બાબતે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હેડ કોન્સ્ટેબલ ફરજ મોકૂફ
મામલો ગંભીર બનતા હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.
14 નવેમ્બરના જુના કેસનો ખુલાસો
બંસરી ઠક્કર સામે અગાઉ 14 નવેમ્બરે શ્યામલ ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ(Police) સાથે ગેરવર્તન કર્યાનો પણ કેસ નોંધાયો હતો. તે સમયે હેલ્મેટ ન પહેરવાના મુદ્દે રોકાતા તેણે પોતે વકીલ હોવાનું કહી પોલીસને ધમકી આપી હતી.

યુવતીના ગંભીર આક્ષેપ
બીજી તરફ, બંસરી ઠક્કરે પોલીસ પર હાથ ખેંચવા, માર મારવા, ફરિયાદ ન લેવા દબાણ અને પોલીસ સ્ટેશનમાં ધાકધમકી કર્યાના ગંભીર આક્ષેપ કર્યા છે. તેણીનું કહેવું છે કે સમગ્ર ઘટનામાં તેની સાથે અન્યાય થયો છે.
તપાસ ચાલુ
બોડી વોર્ન કેમેરાના વીડિયો, બંને પક્ષોની ફરિયાદ અને સાક્ષીઓના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આગામી દિવસોમાં તપાસ બાદ વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.
14 નવેમ્બરની ઘટનામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બંસરી ઠક્કર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગાળાગાળી, ધમકી અને મારપીટ સંબંધિત કલમો તેમજ મોટર વ્હિકલ એક્ટની એક કલમ લાગુ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, આ પ્રકારની કલમો સામાન્ય રીતે રસ્તા પર થયેલા ઝઘડા અને ટ્રાફિક નિયમોના ભંગના કેસમાં લાગુ કરવામાં આવે છે.
