ગુજરાત ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને એક પણ સીટ મળી નથી. કોંગ્રેસની હાલત તો અતિ ખરાબ જોવા મળી હતી ભાજપે ઐતિહાસિક જીત સાથે 156 બેઠક જીતી જયારે કોંગ્રેસ માત્ર 17 બેઠકો પર સમેટાઈ હતી. આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી અને લગભગ 13 ટકા વોટ શેર સાથે ત્રીજી સૌથી મોટી પાર્ટી બની. વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજકીય પક્ષોમાં મંથનનો સમય ચાલી રહ્યો છે. આ પરિણામ પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે ટ્વિટ કરીને ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે, જ્યારે ઇશારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.
ઓવૈસીએ ટ્વીટમાં લખ્યું છે કે ગુજરાત ચૂંટણીના આંકડા દર્શાવે છે કે હિન્દુ સમાજની દરેક જાતિએ માત્ર ભાજપને જ વોટ નથી આપ્યો, પરંતુ 2017ની ચૂંટણીની તુલનામાં ભાજપ માટે તેમનું સમર્થન પણ વધુ મજબૂત કર્યું . મતલબ કે, આજે ગુજરાતમાં મોદીની A-Z ટીમ બહુમતી સમાજ છે. કોંગ્રેસ અને અન્ય સેક્યુલર પાર્ટીઓ હવે શું કરશે? આ પહેલા એક ટીવી ચેનલના ઈન્ટરવ્યુમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે મુસ્લિમોને આ સપનું બતાવવામાં આવે છે કે તમે તેમને હરાવી શકશો. મોરબીમાં 140 લોકોના મોત થયા, પણ ભાજપ જીતી ગઇ.જેણે બિલ્કીસ બાનોના બળાત્કારીને સંસ્કારી કહ્યો તે જીતી ગયો, આપણે આ વાત સમજવાની જરૂર છે… આજે નહીં તો કાલે ચોક્કસ સમજી જશે.
ગુજરાતમાં AIMIMએ 13 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડી હતી. પાર્ટી એક પણ સીટ જીતી શકી નથી. સ્થિતિ એવી બની કે AIMIM ને NOTA કરતા ઓછા વોટ મળ્યા. હા, ચૂંટણી પંચના આંકડા મુજબ, AIMIMને ગુજરાતમાં 0.29 ટકા વોટ મળ્યા છે, જ્યારે NOTAને 1.57 ટકા વોટ મળ્યા છે. બીજી તરફ કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે AIMIMએ ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવ્યો છે.
