Rajkot News/ રાજકોટમાં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો

લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું

Gujarat Rajkot

Rajkot News : છેલ્લા કેટલાક સમયથી રાજકોટ શહેરમાં શરદી-ઉધરસ અને તાવના દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રદુષણનું પ્રમાણ શહેરના અમુક વિસ્તારોમાં વધ્યું છે. જેને કારણે શરદી-ઉધરસનાં કેસોમાં વધારો થતો હોવાનું નિષ્ણાંતોનું કહેવું છે. જોકે શિયાળામાં સવારના સમયમાં પ્રદુષણનું પ્રમાણ વધુ હોવાનું સ્વાભાવિક છે. જેને લઈ વહેલી સવારે બહાર નીકળતા લોકોએ માસ્ક પહેરવું હિતાવહ હોવાનું મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું. તેમજ લોકોએ ડરવાની નહીં પરંતુ સાવચેત રહેવાની જરૂર હોવાનું જણાવ્યું હતું.

છેલ્લા અઠવાડિયા દરમિયાન રાજકોટમાં વિવિધ રોગના 2382 કેસ નોંધાયા

આજે મનપાએ સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓ જાહેર કર્યા હતા. જેમાં શરદી-ઉધરસનાં 1314 કેસ અને તાવના 865 કેસ નોંધાયા છે. આ સિવાય ઝાડા-ઉલટીનાં 198 કમળાનાં 2 અને ડેંગ્યુનાં 3 સહિત વિવિધ રોગના મળી કુલ 2,382 કેસ નોંધાયા છે. આમ શરદી-ઉધરસ અને સામાન્ય તાવના દર્દીઓ વધ્યા હોવાનું સાપ્તાહિક રોગચાળાનાં આંકડાઓ દર્શાવે છે.

શિયાળાની શરૂઆતથી એટલેકે છેલ્લા ત્રણેક સપ્તાહથી શિયાળાની શરૂઆતથી આ કેસો સતત વધી રહ્યા છે. અગાઉ ગત સપ્તાહે તાવના 856 અને શરદી ઉધરસનાં 1048 કેસો હતા. એ પહેલાં 10 નવેમ્બરે શરદી ઉધરસના 807 અને સામાન્ય તાવના 717 કેસો સામે આવ્યા હતા. આમ છેલ્લા ત્રણેક સપ્તાહમાં શરદી-ઉધરસનાં કેસો ડબલ જેટલા થયા છે. પ્રદુષણનો આંક વધે તેની સાથે શરદી-ઉધરસનાં કેસોમાં પણ વધારો થાય છે. જેને લઈને લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.

પ્રદુષણથી બચવા લોકોએ શક્ય હોય તો માસ્કનો ઉપયોગ કરવો
રાજકોટ મનપાનાં પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળામાં પ્રદુષણનો આંકડો ઉપર જતો હોય છે. તેમાં પણ ખાસ કરી વહેલી સવારથી લઈને સૂર્યોદય સુધી પ્રમાણ વધારે રહે છે. જો કે હાલ કોર્પોરેશન ચોક, રામાપીર ચોકડી, જામટાવર ચોક, નાનામૌવા ચોક અને સોરઠીયા વાડી સર્કલ સહિત પાંચેક વિસ્તારોમાં આંકડો 300ને પાર પહોંચ્યો છે. જે ખરેખર નોંધનીય બાબત છે. પરંતુ આ વિસ્તારોમાં ખૂબ ટ્રાફિક રહેતો હોવાને કારણે પ્રદુષણ વધ્યું છે. ત્યારે હવે ટ્રાફિકનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બન્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શિયાળામાં જ આપણે સામાન્ય રીતે તો જ પ્રદુષણ વધુ જોવા મળે છે. પરંતુ આખું વર્ષ આવી સ્થિતિ ન રહે તેના માટે વૃક્ષો વાવવા એ પણ એટલું જ જરૂરી છે. તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ લોકોએ શક્ય તેટલો વધારવો જોઈએ. પ્રદુષણને લઈ ખાસ નાના બાળકો અને વૃદ્ધોમાં વધુ અસર થાય છે. તો આવા લોકોએ વહેલી સવારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ઉપરાંત બહાર જવુ પડે તો ખાસ માસ્ક પહેરવું જોઈએ. જેનાથી પ્રદુષિત હવાને કારણે થતા શરદી-ઉધરસ સહિતના રોગોથી બચી શકાય છે.

મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ઘરેઘરે પોરાનાશક કામગીરી
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી કરાય છે.. ઉપરાંત પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છરની ઉત્પત્તિ બદલ બેદરકારી રાખનારાઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આવા 20 આસમીઓને છેલ્લા અઠવાડિયામાં નોટિસ આપવામાં આવી છે.

પાણીજન્ય રોગચાળો અટકાવવા જ્યાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય તેમજ હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના અમુક કેસ છૂટાછવાયા કેસો સામે આવતા હોય તે વિસ્તારોમાં અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરવામાં આવે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ મહાપાલિકા પાણીનું ડિસ્ટ્રિબ્યુશન કરે છે. અને એમાં સચોટ ક્લોરીનેશન શરૂ છે. અને એન્ડ પોઈન્ટ ઉપર 0.5 ppm જેટલું પાણીમાં ક્લોરિનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરાય છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા 649 ક્લોરીન ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં તા. 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વોલેન્ટીયર્સ દ્વારા 16,749 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 683 જેટલા ઘરમાં ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીનથી ફોગીંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 144 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગર્ભવતી મહિલાઓ માટે જોખમી બની રહી છે પ્રદુષિત હવા: સંશોધન

આ પણ વાંચો: આ રાજધાનની હવા સતત થઈ રહી છે પ્રદુષિત, લોકોમાં પણ ગંભીર બીમારીના કેસો વધ્યા

આ પણ વાંચો: દિલ્લી : પ્રદુષિત હવા અને ઠંડીની સીઝનમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો