Vadodara News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના પછી તંત્ર તો જાગતા જાગશે, પરંતુ મંતવ્યે ન્યૂઝે ગુજરાતના અગ્રણી શહેરોના નદી પરના મહત્વના પુલોનું રિયાલિટી ચેક હાથ ધર્યુ હતુ. આ રિયાલિટી ચેકમાં રીતસરની આઘાત લાગે તેવી વાતો બહાર આવી છે. આ રિયાલિટી ચેકમાં તે તો જોઈ શકાયું કે તંત્ર રીતસરનું ઘોર નિંદ્રામાં છે અને રાજ્યના વિવિધ શહેરોના જર્જરિત પુલો પરથી લોકો મોતને હાથમાં લઈને મુસાફરી કરે છે.
વડોદરામાં ઉમેટા સિંધરોટ પુલ
આવા જ એક રિયાલિટી ચેકમાં મંતવ્ય ન્યૂઝમાં એંસીના દાયકામાં માધવસિંહ સોલંકીની સરકારે બનાવેલો વડોદરા-આણંદને જોડતાં ઉમેટા સિંધરોટ પુલનું રિયાલિટી ચેક કર્યુ હતુ. આ પુલ જોઈને એમ જ વિચાર આવે કે આ પુલ હજી ઊભો છે કેમ પડ્યો કેમ નથી. આજે આ પુલ બને 48 વર્ષ થઈ ગયા છે અને તે જર્જરિત હાલતમાં છે. તંત્ર રીતસરની નિંદ્રામાં છે. હવે વડોદરામાં બનેલી દુર્ઘટના પછી આ પુલનું રિપેરિંગ કરશે કે નહીં તે સવાલ છે કે ત્યાં પણ દુર્ઘટના પછી જ જાગશે.
મહેસાણા હિંમતનગર હાઇવે પરનો પુલ ક્ષતિગ્રસ્ત
આ જ રીતે મંતવ્ય ન્યૂઝે મહેસાણા જિલ્લામાં પાલાવાસણાથી હિંમતનગર જતા હાઇવે પરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાનું જાણ્યું છે. આ પુલ બ્રોડગેજ રેલ્વે લાઇન પર બન્યો છે. હવે જો આ બ્રિજના સળિયા અત્યારથી જ બહાર દેખાવવા લાગયા છે. કોઈ એકાદ નહીં મોટાપાયા પર લોખંડના સળિયા બહાર દેખાવવા લાગ્યા છે. આમ છતાં પણ આ પુલ પરથી ભારેખમ વાહનો પસાર થઈ રહ્યા છે. મોટાપાયા પર વાહનો પસાર થતાં હોવાથી આ પુલ પર ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે. હવે તંત્ર પુલની બિસ્માર સ્થિતિને લઈને ક્યારે જાગશે તે સમયનો સવાલ છે.
અંબાજી હાઇવે પરનો ઉમરશી પુલ બિસ્માર
આવા જ એક અન્ય રિયાલિટી ચેકમાં અંબાજી હાઇવે પર ઉમરદશી પુલ બિસ્માર સ્થિતિમાં જોવા મળ્યો હતો. પાલનપુર-અંબાજી હાઇવે પરનો આ પુલ જોઈને કોઈ એમ જ કહે કે આ ગમે ત્યારે તૂટી પડી શકે છે. આ પુલને 60 વર્ષ થઈ ગયા છે. હવે તેના લીધે તેનું બધું જ બાંધકામ જર્જરિત થઈ ગયું છે. લાખો પદયાત્રીઓ દર વર્ષે ભાદરવી પૂનમે આ જ પુલ પર થઈ જાય છે.આ પુલ પરથી પ્રવાસીઓ પદયાત્રા કરે છે. હજી બે મહિના અગાઉ જ આ પુલ પર મસમોટું ગાબડું પડ્યું હતું.
વલસાડમાં ધરમપુરનો પુલ જર્જરિત સ્થિતિમાં
આ જ રીતે વલસાડના ધરમપુરના કરંજવેરી ગામ પાસેનો પુલ પણ જર્જરિત સ્થિતિમાં છે. માન નદી પર આવેલા પુલને જોઈએ તો એમ કહી શકાય કે બસ તેનું આવી રહ્યુ છે. તે ગમે ત્યારે ધબાય નમઃ થવાની સ્થિતિમાં છે. આ પુલ 70 વર્ષ કરતાં પણ જૂનો છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં આ પુલ પર મસમોટા ખાડા પડેલા જોવા મળ્યા હતા. જર્જરિત પુલના કારણે રાહદારીઓ હેરાન થાય છે. જો કે હવે ગંભીરા બ્રિજની દુર્ઘટનાના પગલે તંત્ર જાગ્યુ છે અને હાઇવે ઓથોરિટીએ પુલ પરથી ભારે વાહનો પસાર કરવાની મનાઈ કરી દીધી છે. આમ તંત્ર વાહનોને અટકાવશે, પરંતુ તેને રિપેરિંગ કરવાના મુદ્દે કશું નહીં કરે.
અમદાવાદમાં દહેગામ-નરોડા પુલની સ્થિતિ બિસ્માર
અમદાવાદમાં નરોડાથી દહેગામને જોડતા પુલ પર એક વખત પસાર તો થઈ જઈએ, પરંતુ ફરીથી તેના પર જવાની હિંમત ન કરી શકીએ એવી આ પુલની હાલત છે. મંતવ્ય ન્યૂઝે આ પુલનું રિયાલિટી ચેક કર્યુ તો તે પણ સ્તબ્ધ થઈ ગયું અને તે જોઈ શક્યું કે લોકો કેવી જીવના જોખમે મુસાફરી કરે છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં પુલ જર્જરિત સ્થિતિમાં જોવા મળ્યો. આ પુલ કંઈ આજકાલમાં તો જર્જરિત નહીં જ થયો હોયને. આ પુલ પરથી શું અધિકારીઓ કે પ્રધાનો પસાર નહીં પસાર થતાં હોય, તો કેમ એમને પુલની આ સ્થિતિ દેખાતી નથી. આ પુલ પરથી રોજના હજારો વાહન પસાર થાય છે. તંત્ર દુર્ઘટના પછી જાગવાનો નિયમ ત્યજે તો સારું. કમસેકમ લોકોનો જીવ બચશે.
અમદાવાદમાં ભોગાવો નદી પરનો પુલ ગમે ત્યારં ભાંગી જાય તેવી સ્થિતિમાં
અમદાવાદમાં આ ઉપરાંત બગોદરા ગામ પાસે ભોગાવો પુલ પણ જર્જરિત છે. બગોદરા નેશનલ હાઇવે 47 પર વાહનોનો અવિરત પ્રવાહ ચાલતો હોય છે. આ પુલ બન્યે 60 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે. 60 વર્ષે તો સરકાર પણ લોકોને નોકરીમાંથી નિવૃત્ત કરી દે છે, પણ તંત્ર હજી સુધી આ પુલને નિવૃત્ત કરતું નથી. આ પુલના સળિયા દેખાવવા લાગ્યા છે, પોપડા ઉખડી ગયા છે. તંત્રની આંખે એવા તે કયા પાટા છે જેના કારણે તેને પુલની આ સ્થિતિ દેખાતી નથી. આ પુલ ત્રણ કિલોમીટર લાંબો છે. મોટા-મોટા ખાડાના કારણે આ પુલ પણ ઘણી વખત ટ્રાફિક જામ થાય છે. પણ તંત્રને આ કશાની પડી નથી. હવે સીએમ ભુપેન્દ્ર પટેલે બધા પુલના સ્ટ્રકચરલ ઓડિટનો અને રિપેરિંગનો આદેશ આપ્યો છે ત્યારે તો તંત્ર જાગશેને.
આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત
આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે
આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે
