Kapadvanj News : કપડવંજમાં એક યુવકે રોડ મામલે સોશિયલ મિડીયા પર કોમેન્ટ કરતા કપડવંજના BJP ના ધારાસભ્યના માણસો દ્વારા અપહરણ અને માર મારવાની ઘટના સામે આવી છે. બીજીતરફ દોષિતો સામે કાર્યવાહી માટે કપડવંજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
કપડવંજ તાલુકાના આંત્રોલી ગામના યુવકે સોશિયલ મીડિયામાં રોડ બાબતે કોમેન્ટ કરતા સ્થાનિક ધારાસભ્યએ તેમના મળતીયાઓ પાસે તેમના પર હુમલો કરાવ્યો હોવાનો અને પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો આક્ષેપ કરાયો છે. કપડવંજ તાલુકાના આંત્રોલી ગામમાં રહેતાં નિકુંજભાઇ પટેલે સોશિયલ મીડિયામાં બિસ્માર રોડને લઇને એક કમેન્ટ કરી હતી.
જેમાં તેમણે કપડવંજના ધારાસભ્ય વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા, તેમજ હું આ માર્ગ પરથી પસાર થયો હતો અને રોડ પર પડેલા ખાડાઓને કારણે મારા બાળક સાથે રોડ પર પડી ગયો હોવાનું જણાવીને ધારાસભ્યને બિસ્માર રોડ મામલે આડે હાથ લીધા હતા. જે બાદ ત્રણ જુલાઈના રોજ નિકુંજભાઇ પાસે ચાર પાંચ લોકો કાર લઈને આવ્યા હતા અને ધારાસભ્ય બોલાવે છે તેમ કહીને ગાડીમાં બેસી જવા જણાવ્યું હતું, પરંતુ નિકુંજ પટેલ ગાડીમાં ન બેસી મારું સ્કુટર લઇને આવીશ તેમ કહી નીકળ્યા હતા. જ્યાં માંડ 700 થી 800 મીટર દૂર ગયા ત્યાં કપડવંજના દાણા રોડથી નડિયાદ રોડને જોડતા માર્ગ પર આવતા બાયપાસ રોડ પર નિકુંજ પટેલને ગાડીમાંથી કેટલાક શખ્સોએ ઉતરીને માર માર્યો હતો.
હુમલાથી ગભરાયેલાં નિકુંજ પટેલ દોડીને સીધા કપડવંજ કોર્ટમાં દોડી ગયા હતા અને ત્યાંથી પોલીસને કોલ કરી પોલીસ વાન બોલાવી, કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જોકે સારવાર માટે દાખય થતાં તબીબે વર્ધી લખાવી હોવાછતાં હુમલા બાબતે પોલીસે ફરિયાદ લીધી ન હતી. હાલમાં આ મામલાને લઇને રાજકીય ગરમાવો આવ્યો છે. ધારાસભ્ય પોતાનો બચાવ કરી રહ્યા છે અને પોલીસ પણ પોતાની છબી ન ખરડાય તે માટેના પ્રયાસ કરી રહી છે. જોકે, હુમલાનો ભોગ બનનાર યુવકે ધારાસભ્ય અને પોલીસ પર કરેલાં ગંભીર આક્ષેપને લઇને મામલો ગરમાયો છે.
મેં રોડ પર પડેલા ખાડા મામલે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી હતી. જેથી ધારાસભ્યના માણસો અપહરણ કરવાના ઈરાદાથી આવ્યા હતા. હું તેમની કારમાં ન ગયો અને મારૂં સ્કૂટર લઈને સાથે જતો હતો ત્યારે મને રસ્તામાં આંતરી માર માર્યો હતો. મેં કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હોવાછતાં પણ હજી સુધી તે લોકો સામે ફરિયાદ નોંધાઈ નથી.> નિકુંજ પટેલ,ભોગ બનનાર
કપડવંજના આંત્રોલીના યુવાનને અપહરણ અને માર મારવાની વાત પાયા વિહોણી છે. કપડવંજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય તરીકે મને બદનામ કરવાનું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ષડયંત્ર છે. વાત રહી ભ્રષ્ટાચારની તો મેં કોઈની પાસે એક રૂપિયો લીધો હોય કે ભ્રષ્ટાચાર કર્યો હોય અને કોઈ સાબિત કરી બતાવે તો હું જાહેર જીવન છોડી દઉં. વાત રહી પોલીસ ફરિયાદની તો પોલીસ તપાસ કરીને જે ગુનેગાર હોય તેના પર ફરિયાદ કરે. મને મારા વિસ્તારમાં જેટલા પણ પ્રશ્નો તેમજ વિકાસની બાબતોની રજૂઆતો મળી હતી, તે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી વિકાસના કામો પણ કરાવેલા છે.
આ પણ વાંચો:વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં
આ પણ વાંચો:વડોદરામાં 12 દિવસમાં ત્રીજી સ્કૂલ નિશાના પર,સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી
