Amritsar News : દિલ્હીથી અમૃતસર જતી એર ઇન્ડિયા (Air India)ની એક ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે નિર્ધારિત રૂટ પરથી ભટકી જતા ભૂલથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્ર (Pakistan Airspace)માં પ્રવેશી ગઈ હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પાકિસ્તાનની એર ટ્રાફિક કંટ્રોલ (Pakistan ATC Warning)સત્તાવાળાઓએ વિમાનને ચેતવણી આપી હતી, ત્યારબાદ પાઇલટે તાત્કાલિક દિશા બદલીને ભારતના હવાઈ ક્ષેત્રમાં પરત ફર્યું હતું.
મળતી માહિતી અનુસાર એર ઇન્ડિયા (Air India)નું એરબસ AI-321 વિમાન સોમવારે રાત્રે દિલ્હી એરપોર્ટથી અમૃતસર માટે ઉડાન ભર્યું હતું. ઉડાન દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા વિમાનનો માર્ગ બદલાઈ ગયો અને તે પાકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ગયું. પાકિસ્તાન તરફથી મળેલી ચેતવણી બાદ પાઇલટે વિમાનને યુ-ટર્ન કરાવીને ભારત તરફ પરત લાવ્યું.

વિમાન અમૃતસર પહોંચ્યું ત્યારે એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક વધેલો હોવાથી તેને તરત લેન્ડિંગની મંજૂરી મળી શકી નહોતી. એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા વિમાનને દિલ્હી પરત જવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ વિમાન સુરક્ષિત રીતે દિલ્હી ઉતારવામાં આવ્યું.
થોડા સમય બાદ ફરી મંજૂરી મળતાં ફ્લાઇટને અમૃતસર માટે રવાના કરવામાં આવી હતી. લગભગ ચાર કલાકના વિલંબ બાદ વિમાન મોડી રાત્રે અમૃતસર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ટેકનિકલ ખામી (Technical Fault)ના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ થઈ રહ્યા છે.
એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ રનવે પર ટ્રાફિક અથવા અન્ય કામગીરીને કારણે ક્યારેક વિમાનોને હવામાં રાહ જોવડાવવી કે વિકલ્પરૂપે અન્ય એરપોર્ટ તરફ મોકલવા જેવી પ્રક્રિયા સામાન્ય હોય છે. જોકે, આ ઘટનામાં વિમાન રૂટ પરથી ભટકવાના કારણોની વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : એર ઇન્ડિયા અને ઇન્ડિગોનો મોટો નિર્ણય, અમદાવાદ સહિત આ શહેરોની ફ્લાઇટ્સ ઘટશે
આ પણ વાંચો : દિલ્હી-બેંગલુરુ એર ઇન્ડિયા ફ્લાઇટ સાથે અકસ્માત
આ પણ વાંચો : સુરત એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત-બેંગકોક ફ્લાઇટ્સ પહેલી જુલાઈથી થશે બંધ
