Akhilesh Yadav Mission 2027 UP: ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફરી એકવાર સમીકરણો બદલાવા જઈ રહ્યા છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે 2027ની વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ પશ્ચિમ યુપીના નોઇડા-દાદરીથી કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે અખિલેશ યાદવનો ટાર્ગેટ ભાજપની મજબૂત વોટબેંક ગણાતા ‘ગુર્જર સમુદાય’ પર છે. મુસ્લિમ વોટબેંકની સાથે ગુર્જર મતોને જોડીને અખિલેશ ‘આત્મનિર્ભર’ બનવાની તૈયારી કરી રહ્યા છે.
દાદરીમાં ‘સમાનતા ભાઈચારો રેલી’નું આયોજન
29 માર્ચના રોજ દાદરીમાં યોજાનારી આ રેલીને ‘સમાનતા ભાઈચારો રેલી’ નામ આપવામાં આવ્યું છે. આ રેલીની કમાન સપાના દિગ્ગજ ગુર્જર નેતા રાજકુમાર ભાટી સંભાળી રહ્યા છે. મુઝફ્ફરનગર રમખાણો પછી હિન્દુ-મુસ્લિમ વચ્ચે જે અંતર સર્જાયું હતું, તેને આ ભાઈચારા રેલી દ્વારા ઓગાળીને સપા પોતાનો રાજકીય રસ્તો સાફ કરવા માંગે છે.
શા માટે અચાનક ગુર્જર મતો પર ફોકસ?
પશ્ચિમ યુપીમાં યાદવ વોટબેંક નહિવત હોવાથી અત્યાર સુધી સપા મુખ્યત્વે મુસ્લિમ મતો પર નિર્ભર હતી. વર્ષ 2022માં જયંત ચૌધરી (RLD) સાથે હોવાથી સપાને જાટ મતો મળ્યા હતા, પરંતુ હવે જયંત ચૌધરી ભાજપ સાથે છે. આ બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને અખિલેશ યાદવે હવે મુસ્લિમ-ગુર્જર સમીકરણ બેસાડવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ગાઝિયાબાદ, નોઇડા, મેરઠ, સહારનપુર અને કૈરાના જેવી બે ડઝન જેટલી નિર્ણાયક બેઠકો પર ગુર્જર મતો સીધી રીતે હાર-જીત નક્કી કરે છે. બીજી તરફ, ગુર્જર સમાજની નારાજગીનો લાભ લેવા સપાના નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે ભાજપે ગુર્જર સમાજને માત્ર છેતર્યા છે, કારણ કે વર્તમાન યોગી સરકારમાં એક પણ ગુર્જર નેતાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા નથી.

Akhilesh Yadavની નવી ટીમ, ‘ગુર્જર ચહેરાઓ’ને મહત્વ
અખિલેશ યાદવે ગુર્જર સમાજમાં પોતાની પકડ મજબૂત કરવા માટે અનેક યુવા અને કદાવર નેતાઓને આગળ કર્યા છે. જેમાં સાંસદ ઇકરા હસન પશ્ચિમ યુપીમાં એક મજબૂત યુવા ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. આ ઉપરાંત રાજકુમાર ભાટીને ગુર્જર ચોપાલ દ્વારા સમાજને જોડવાની મહત્વની જવાબદારી સોંપાઈ છે, જ્યારે અતુલ પ્રધાન અને મુખિયા ગુર્જર મેરઠ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં ગુર્જર મતો ખેંચવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
ભાજપના ગઢમાં સેંધ મારવાની રણનીતિ
નોઇડા અને ગાઝિયાબાદ ભાજપના સૌથી મજબૂત કિલ્લા ગણાય છે. અખિલેશ યાદવ આ ગઢથી જ પ્રચાર શરૂ કરીને સંદેશ આપવા માંગે છે કે તેમનું PDA (પછાત, દલિત, અલ્પસંખ્યક) એજન્ડા હવે માત્ર યાદવો પૂરતો મર્યાદિત નથી. 15 માર્ચના રોજ કાંશીરામ જયંતિ નિમિત્તે દલિત મતોને સાધવા પણ સપાએ મોટું પ્લાનિંગ કર્યું છે.
આ પણ વાંચો: “આપણા મુખ્યમંત્રી ઘુસણખોર છે” અખિલેશ યાદવે યોગી પર તીક્ષ્ણ હુમલો કર્યો
આ પણ વાંચો: આશા છે કે ભાજપ હવે ખોટો કેસ દાખલ નહીં કરે: અખિલેશ યાદવ
આ પણ વાંચો: “તમે સ્પીકરના અધિકારના રક્ષક નથી”,અમિત શાહ ગૃહમાં અખિલેશ યાદવ પર કેમ ગુસ્સે થયા?
