ગાંધીનગર,
આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે કોંગ્રેસે સરકારને ગૃહમાં અને સડકો પર ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. કોંગ્રેસે વિધાનસભાના સત્ર અગાઉ જ ગાંધીનગરના સેક્ટર-6 ખાતે ખેડૂતોના દેવા માફીની માંગણી સાથે આક્રોશ સંમેલન બોલાવ્યું છે. મંગળવારે વહેલી સવારથી કોંગ્રેસના કાર્યકરો ગાંધીનગરમાં ભેગા થવાના શરૂ થયા હતા. ખેડૂતોની સભા બાદ કોંગ્રેસ રેલી સ્વરૂપે વિધાનસભાનો ઘેરાવ કરવા જશે.
જો કે આ રેલીમાં પાંખી હાજરી થવાને કારણે સભાની શરૂઆત નિયત સમય કરતાં મોડી શરૂ થઇ હતી.ગાંધીનગરમાં સભા સ્થળે ઓછા લોકો જોવા મળતા હતા અને સવારે 11 વાગ્યા સુધી ખુરશીઓ પણ ખાલી જોવા મળતી હતી.સભામાં પાંખી હાજરી અંગે કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, રેલીમાં આવી રહેલાં લોકોને પોલિસ દ્રારા ગાંધીનગર બહારથી જ અટકાવવામાં આવ્યા હતા.

બીજી તરફ કોંગ્રેસની ખેડુત રેલીને રોકવા માટે સરકાર દ્રારા પોલિસની મોટી ફોજ ગાંધીનગરમાં ઉતારવામાં આવી છે. ગાંધીનગરમાં એક એસપીની આગેવાનીમાં પાંચ ડીવાયએસપી, 10 પીઆઈ, 35 પીએસઆઈ, 70 મહિલા પોલીસ અને 400 પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. સાથે એસઆરપીની બે કંપનીઓ પણ તૈનાત કરવામાં આવી છે.

વિધાનસભાના પ્રવેશ દ્રારો પર પણ તાળાબંધી કરવામાં આવી હતી અને રસ્તાઓ પર પણ બેરીકેડ ઉભા કરવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે સરકારની ખોટી નીતિઓના કારણે રાજ્યના ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બની ગયા છે. આ સરકારમાં ખેડૂતો પોતાનો અવાજ રજુ નથી કરી શકતા.વિધાનસભામાં વિપક્ષોને પણ બોલવાની તક આપવામાં નથી આવતી. પોલીસ ખેડૂતોને રેલીમાં ન આવવા માટે ધમકાવી રહી છે. ગુજરાતમાં દેવામાફી મુદ્દે ભાજપ સરકારે શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ.
