અલ્પેશ ઠાકોર ગદ્દાર છે, તેણે સમાજ સાથે ગદ્દારી કરી છે. અલ્પેશ ઠાકોર પર આ પ્રકારનો આક્ષેપ બીજા કોઈએ જ નહીં તેમના જ સમાજના આગેવાને મૂક્યો છે. આના પગલે ઠાકોર સમાજમાં ખળભળાટ મચી ગયો છે. હજી તો માંડ અઠવાડિયા પહેલા અલ્પેશ ઠાકોરે 26મી જાન્યુઆરીના રોજ સવારે ત્રણ વાગે બ્રહ્મમુહુર્તમાં ઠાકોર સમાજના શિક્ષણધામની શિલારોપણવિધિ કરી હતી અને તેમા જાણીતા આગેવાનો હાજર રહ્યા હતા. તેમા તેમના રાજકીય હરીફો પણ હાજર હતા, હવે આ સંમલેનને અઠવાડિયું પણ પૂરું થયું નથી ત્યાં તેમના પરના આક્ષેપે ઠાકોર સમાજમાં ખલબલી મચાવી દીધી છે.
રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખના આકરા પ્રહારો
રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ રમેશ ઠાકોરે અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે અલ્પેશ ઠાકોર ફક્ત કલાકારોના જોરે ભીડ એકત્રિત કરે છે અને સમાજના સંમેલનો હોય તો તેમા પોતે હાજર થઈ જાય છે અને પછી બધા લોકોને મેં બોલાવ્યા તેવો દાવો કરે છે. બધા લોકો મારા કારણે એકઠા થયા છે તેમ કહેતો ફરે છે. અમે કહીએ છીએ કે ભાઈ આ તો સામાજિક સંમેલન હતુ, અલ્પેશ ઠાકોર આવે કે ન આવે આ સંમેલન તો યોજાવવાનું જ હતુ. આ સંમેલન યોજાયુ તે ઠાકોર સમાજે યોજ્યું છે, તેમા અલ્પેશ ઠાકોરે એકલાએ કંઈ મોટાભા બનવાની જરૂર નથી.

અલ્પેશ ઠાકોરના ગાંધીનગરના સમેલનની નિષ્ફળતાનો દાવો
તેમનો દાવો હતો કે અલ્પેશ ઠાકોરે ગાંધીનગરમાં કરેલું સંમેલન જબરદસ્ત નિષ્ફળતાને વર્યુ હતુ. તેઓને બે લાખની ભીડ ભેગી કરવી હતી અને પોતાની સામાજિક અને રાજકીય તાકાતનું પ્રદર્શન કરવુ હતુ. પરંતુ તેમના બે લાખના અંદાજ સામે માંડ દસ હજાર લોકો આવ્યા હતા. તેના પરથી જ અલ્પેશ ઠાકોરનું પ્રભુત્વ કેવું છે તે દેખાઈ આવે છે. આમ બે લાખ લોકોના દાવા સામે તેમને દસ હજાર લોકોને જાતે લાવતા નાકે પાણી આવી ગયા હતા, આ સંજોગોમાં તે વળી સમાજના આગેવાન કઈ રીતે બની શકે, સમાજના વડા કઈ રીતે બની શકે. આ બાબત બતાવે છે કે અલ્પેશ ઠાકોરને લઈને ઠાકોર સમાજમાં કેટલી બધી નારાજગી છે.
તેની સાથે તેમણે વેલાવડામાં પોલીસે સમાજ પર કરેલા અત્યાચારના મુદ્દે બેઠક યોજાઈ હતી ત્યારે અલ્પેશ ઠાકોર સહિતના કોઈપણ રાજકીય નેતાએ દેખા દીધી ન હતી તે બદલ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું હતું કે વાતવાતમાં ક્રેડિટ લેવા નીકળતા આ રાજનેતાઓ જ્યારે સમાજની તકલીફોની વાત આવે છે ત્યારે કેમ મોં સંતાડતા ફરે છે. તેના કાર્યક્રમમાં કેમ હાજરી આપતા નથી.

પોલીસના અત્યાચારના વિરોધમાં રાજકારણીઓ મૌન
તેમણે જણાવ્યું હતું કે વેલાવડામાં પોલીસના સમાજ પરના અત્યાચારના વિરોધમાં કોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે, રાજકીય રેલી પણ કાઢવામાં આવશે, કોળી સમાજે જે રીતે સંપીને તેમની એક્તાની તાકાત બતાવી હતી તે જ રીતે ઠાકોર સમાજની એક્તાનું પણ પ્રદર્શન કરવામાં આવશે. અત્યાચાર કરનારા પોલીસ કર્મચારીઓ કાર્યવાહી કરે તેના માટે સરકાર પર દબાણ કરવામાં આવશે. આમ છતાં પણ જો સરકાર તૈયાર ન થઈ તો સામાજિક આંદોલન કરવાની અમારી તૈયારી છે. અમારે કંઈ મત માટે આંદોલન કરવું નથી, પણ અમારા સમાજના લોકો પર પોલીસે અત્યાચાર કર્યો તેની સામે ન્યાય મેળવવા માટે આંદોલન કરવું છે. તેમા પણ સરકાર યોગ્ય પગલાં લે તો પછી કાર્યવાની જરૂરિયાત જ નથી, પરંતુ સરકારે પોલીસો સામે પગલાં ન લીધા તો પછી અમારે મેદાનમાં ઉતરવું પડશે.
વેલાવડાની પોલીસ કાર્યવાહીમાં અલ્પેશ ઠાકોરના મૌનથી સમાજ સ્તબ્ધ
અલ્પેશ ઠાકોરને હું એટલા માટે જ ગદ્દાર કહું છું કેમકે તેમણે ઠાકોર સમાજ પર વેલાવડામાં પોલીસે અત્યાચાર કર્યો તેના અંગે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નથી. આ ઉપરાંત જેમના પર અત્યાચાર થયો તેમને મળવા જવાની કે મળીને આશ્વાસન સુદ્ધા આપવાની તસ્દી લીધી નથી. હવે જો તે ફક્ત ઠાકોર સમાજના સંમેલનમાં હાજરી આપીને જ પોતાને આગેવાન કહેવડાવવા હોય તો તેમની આ માન્યતા તેમને જ મુબારક. પણ મુસીબતની ઘડીમાં સમાજને સાથ આપવો ન હોય અને સમાજ માટે બોલવું ન હોય તો સમાજને પણ આ પ્રકારના આગેવાનોની કોઈ જરૂર નથી. તેઓએ સમજી લેવું જોઈએ કે સમાજ વગર તેમનું રાજકીય જ નહીં સામાજિક અસ્તિત્વ પણ નથી.

અલ્પેશ ઠાકોરને સમાજે 26મી જાન્યુ.એ ખબર પાડી દીધી
વાસ્તવમાં તો તેઓને તો 26મી જાન્યુઆરીના કાર્યક્રમ દ્વારા જ ખબર પડી ગઈ હશે, આ સિવાય ઠાકોર સમાજના સંમેલનોમાં તેમને જે રીતે ટાઢો આવકાર મળે છે તેણે પણ તેમને ખબર પાડી જ દીધી હશે. તેમનો પ્રભાવ હવે પહેલાં જેવો રહ્યો નથી તે હકીકત છે. એક સમયે આ જ અલ્પેશ ઠાકોર અમારા માટે પ્રેરણાસ્ત્રોત હતા, અમે પોતે તેમનામાંથી પ્રેરણા લઈને સમાજ માટે કંઇક કરી છૂટવાની ભાવના કેળવી છે. પણ હવે અમે જે અલ્પેશ ઠાકોર જોયા હતા તે જાણે ભૂતકાળ બની ગયા લાગે છે, ક્યાં સમાજ માટે ગર્જના કરતાં સિંહ જેવા અલ્પેશ ઠાકોર અને ક્યાં હાલમાં જાણે કોઈ બોડમાં મીંદડીની જેમ રહેતા અલ્પેશ ઠાકોર. જાણે એક જ વ્યક્તિમાં જમીન આકાશનો તફાવત આવી ગયો છે. અમારે સિંહ જેવા આગેવાનની જરૂર છે, જે સમાજ માટે સામી છાતીએ લડે. પોતાની રાજકીય કારકિર્દીની ચિંતા કર્યા વગર લડે. સમાજને હંમેશા પ્રાધાન્ય આપે. સમાજની તકલીફો જોડે ઊભો રહે, સમાજના દીનદુઃખીયાના આંસુ લૂછે. અમને આવા આગેવાનની જરૂર છે. તેથી જ અમે અલ્પેશ ઠાકોરને ગદ્દાર કહ્યા છે.
આ પણ વાંચો: ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોરના નિર્વિવાદ નેતૃત્વ સામે નવો પડકાર અભિજિતસિંહ
આ પણ વાંચો: દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાયઃ અલ્પેશ ઠાકોર
આ પણ વાંચો: દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ઠાકોર સમાજને અન્યાયઃ અલ્પેશ ઠાકોર

