Ambaji News/ અંબાજીમાં ₹1632 કરોડના પ્રોજેક્ટનું કામ તેજ, અનેક દબાણો દૂર કરાયા

Ambajiમાં ₹1632 કરોડના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી શરૂ. ભવ્ય કોરિડોર માટે સરકારી બંગલાઓ તોડાયા. ટ્રાફિક મુક્તિ માટે અંડરપાસનું નિર્માણ. જાણો સંપૂર્ણ પ્લાન.

Gujarat Others Trending
Ambaji Redevelopment Project

Ambaji Redevelopment Project: સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી હવે વિશ્વકક્ષાનું ધામ બનશે. રાજ્ય સરકાર દ્વારા અંબાજીને વિશ્વકક્ષાનું ધાર્મિક ધામ બનાવવા માટે ₹1632 કરોડના મહત્વાકાંક્ષી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ‘મહાકાલ લોક’ અને ‘કાશી વિશ્વનાથ ધામ’ની તર્જ પર અંબાજીમાં પણ દિવ્ય કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે.

સરકારી બંગલાઓ જમીનદોસ્ત

પ્રોજેક્ટના માર્ગમાં આવતી નડતરરૂપ મિલકતોને દૂર કરવા માટે તંત્રએ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ‘દાદાનું જેસીબી’ ફેરવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ ભવ્ય કોરિડોર માટે ખુદ મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરના સરકારી બંગલા સહિત અનેક રહેણાંક અને વ્યાવસાયિક દબાણોને તોડી પાડીને માર્ગ મોકળો કરવામાં આવ્યો છે. તંત્રના આ કડક વલણથી સ્પષ્ટ છે કે સરકાર અંબાજીના વિકાસમાં કોઈ બાંધછોડ કરવા માંગતી નથી.

Ambaji Redevelopment Project

ટ્રાફિક મુક્તિ માટે હાઈટેક અંડરપાસનું નિર્માણ

અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર (શક્તિદ્વાર) પાસે ભક્તોની ભારે ભીડ અને ટ્રાફિકની સમસ્યા કાયમી છે. આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવા માટે અત્યાધુનિક ‘અંડરપાસ રોડ’નું કામ શરૂ કરવામાં આવ્યું છે. વિશાળ હીટાચી અને જેસીબી મશીનો દ્વારા ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાના ભાગરૂપે હાલ મુખ્ય દ્વાર આગળનો રોડ વન-વે કરી દેવામાં આવ્યો છે અને ચુસ્ત બેરિકેટિંગ ગોઠવવામાં આવ્યું છે.

શું છે અંડરપાસની માસ્ટર ગોઠવણ?

આ અંડરપાસ ભવિષ્યમાં અંબાજીની ટ્રાફિક વ્યવસ્થા માટે લાઈફલાઈન સાબિત થશે, જેમાં ગામમાં પ્રવેશતા વાહનો અંડરપાસ મારફતે આવશે અને બહાર નીકળતા વાહનો માટે અલગ બાયપાસ માર્ગ તૈયાર કરાશે જેથી વાહનો સામસામે અથડાશે નહીં. આ ઉપરાંત, જમીન પરનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે પદયાત્રી માઈભક્તો માટે અનામત રાખવામાં આવશે, જેનાથી તેઓ કોઈપણ ડર વગર શાંતિથી દર્શન કરી શકશે.

અંબાજી મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદીના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય યાત્રાળુઓને અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડીને અંબાજીના પરિસરને વધુ ભવ્ય અને દિવ્ય બનાવવાનો છે. આગામી સમયમાં અંબાજી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈશ્વિક પ્રવાસનનું કેન્દ્ર પણ બની જશે.


આ પણ વાંચો: અંબાજી મંદિરના મહંતનો વિવાદ સર્જનારા મહેશગીરી પોતે જ વિવાદમાં ફસાયા

આ પણ વાંચો: અંબાજીના માર્ગે ગુંજશે શક્તિનો નાદ, 16 ફૂટ ઊંચા દિવ્ય ત્રિશૂલની થશે સ્થાપના

આ પણ વાંચો: અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરાયું